કચ્છમાં વર્ષ 1008માં ભયાનક સુનામી આવ્યો હતો,જેણે નારાયણસરોવરથી લઈને જોગણીનાર સુધીના 250 કિલોમીટર લાંબા જમીની પટ્ટા પર ભયાવહ અસર સર્જી હતી,જેનું કચ્છની રેતી પરના સંશોધનથી સાબિત થયું છે. કચ્છમાં વર્ષ 2001 નો ભૂકંપ વૈશ્વિક નકશામાં અને ભૂસ્તરવિજ્ઞાનમાં આજેય ચર્ચામાં છે,ત્યારે સુનામીનું આ વૈજ્ઞાનિક તારણ કેટલાય રસપ્રદ પાસાઓ ઉજાગર કરી રહ્યું છે.આ સંશોધન કરનાર આઈ.એસ.આર ગાંધીનગરના વૈજ્ઞાનિક સિદ્ધાર્થ પ્રિઝોમવાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,"સિંધ પ્રાંતમાં આવેલો મકરન બેલ્ટના લીધે ભૂકંપ સાથે સુનામી થયો હોવાની ભૂતકાળમાં નોંધ રહેલી છે.અમારા સંશોધનમાં નારાયણ સરોવરથી લઈને જોગણીનાર સુધી 250 કિલોમીટર લાંબી રેતીની ચાદર મળી આવી હતી. જે 250 મીટર દરિયાકિનારાથી અંદર તરફ રહેલું છે.જે 20-37 સેન્ટિમીટર પહોળું છે.જેની ઉંમર તપાસતા સાબિત થયું કે,અહીંયા 1011 વર્ષ પહેલા સુનામી આવેલો હતો" અત્રે નોંધનીય છે કે વર્ષ 2015-16થી આ સંશોધન ચાલી રહ્યું હતું,જેમાં વિવિધ વિસ્તારોમાં ચાર છીછરા ખંડેર ખોદવામાં આવ્યા હતા,અને એક ટૂંકો ભાગ એકત્રિત કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારને હાઈ રિઝોલ્યુશન ટોપોગ્રાફિક મેપ, જીપીએસ,સેડિમેન્ટોલોજી અને જીયોકેમેસ્ટ્રી ટેક્નિક વડે સંશોધન કરાયું હતું. એકત્રિત કરેલી રેતીનું આયુષ્ય ગાંધીનગર અને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે રેડિયોકાર્બન ડેટિંગ પદ્ધતિથી કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર,એમ.એસ.યુનિવર્સીટી બરોડા,એમ.જી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ અને સ્વિટ્ઝર્લૅન્ડની ઈ.ટી.એચ ઝુરીચ યુનિવર્સીટીના સંયુક્ત સંશોધનમાં આ રસપ્રદ તારણ સામે આવ્યું છે. આઈ.એસ.આરના વડા એમ.રવિકુમાર,વૈજ્ઞાનિક સિદ્ધાર્થ પ્રિઝોમવાલા, સ્વિત્ઝર્લેન્ડના પ્રોફેસર વિલ્ફ્રાઇડ રિંકલર,દ્રષ્ટિ ગાંધી,નિલેશ ભટ્ટ,નિસર્ગ મકવાણા,નિશિથ ભટ્ટ સહિતની ટીમે આ વૈજ્ઞાનિક સંશોધન કર્યું છે. -મકરન બેલ્ટ કચ્છ માટે ખતરાની ઘંટી સંશોધનપત્રમાં નોંધ મુજબ મકરન બેલ્ટ ફોલ્ટ થકી આવેલા સુનામીએ 28 નવેમ્બર 1945ના ઓમાન-પાકિસ્તાન અને ગુજરાતના દરિયાઈ છેડે અસર સર્જી હતી. 4000 વર્ષ પૂર્વે મસ્ક્ત અને ઓમાનમાં પણ 15 મીટર ઊંચા મોજાની અસર સાથે સુનામી સર્જાયો હતો. ઇસ.ના 326 પૂર્વે હાલના કરાંચીમાં પણ સુનામી આવ્યો હતો. જો કે ચોથો સુનામીએ આ સંશોધન મુજબ ઈ.સ 1008 માં ઈરાન,ઓમાન અને ભારતીય દરિયાઈ વિસ્તાર એટલે કચ્છ સહિતના સ્થળોએ આવ્યો હતો. વધુમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે,રેકોર્ડ જોતા કહી શકાય કે દર 1000 વર્ષના ગાળામાં મકરન બેલ્ટ એક્ટિવ થાય છે અને મોટો સુનામી સર્જાય છે. ત્યારે આવનારા ભવિષ્યમાં તેનો ખતરો ઓછો છે,તેમ કહી શકાય નહિ. -ચાર વર્ષ અગાઉ કચ્છમાં સુનામીની સાબિતી મળી હતી આજથી ચાર વર્ષ અગાઉ 2016 ઓગસ્ટમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસિનોલોજી,ગોવા દ્વારા કચ્છમાં સુનામીને લઈને સંશોધન કરાયું હતું. જેનું તારણ આવ્યું હતું કે,5000 વર્ષ પહેલા સુનામીથી બચવા દીવાલ બનાવનાર ધોળાવીરા દેશનું પ્રથમ હડપ્પનનગર હતું.અહીં 18 મીટર જાડી દીવાલનું અસ્તિત્વ શોધાયું હતું. જેમાં પણ મકરન બેલ્ટના સુનામી હોવાનું તારણ સામે આવ્યું હતું.
- કચ્છમાં સુનામી આવે તો જખૌમાં 2.5 મીટર ઊંચા મોજા ઊછળશે 1945માં હાલના પાકિસ્તાનમાં મકરન ના દરિયાકાંઠે સુનામી આવ્યો હતો ત્યારે ગુજરાતનો સમુદ્રી કિનારો અસરગ્રસ્ત થયો હતો,હાલ મકરનના ડેટાબેસના આધારે કચ્છ માં ભૂકંપ સાથે સુનામી આવે તો શું?. આ પ્રશ્ન ઉત્તરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (આઈ.એસ.આર) અલર્ટ થઇ ગયું છે. દેશભરના 20 દરિયાકિનારા અવલોકન તૈયાર કરાઈ રહ્યા છે ,જેમાં પ્રથમ 6 સ્થળો કચ્છના છે. રીપોર્ટ મુજબ કચ્છમાં જો સુનામી આવે તો સૌથી વધુ અસર જખૌ ને થશે,ત્યાં 2.5 મીટર ઊંચા મોજા ઉછળશે અને સૌથી ઓછી અસર માંડવી ને થશે ત્યાં 0.7 મીટર ના જ મોજા ઊછળશે.આ ઉપરાંત કોટેશ્વરમાં 1.5 મીટર,લખપતમાં 1.2 મીટર,મુન્દ્રા અને કંડલામાં મોજાની ઉંચાઈ 2 મીટર સુધી જઈ શકે છે.

કચ્છના દરિયાકનારે મળેલ રેતાળ ચાદરનો નકશો
Comentarios