top of page

50,000 વર્ષ પહેલા ઉદ્ભવેલી ભુજની ખારી નદી બની શકે છે દેશની પ્રથમ જીઓ-હેરિટેજ સાઈટ

Writer: Ronak GajjarRonak Gajjar

Updated: Apr 18, 2020

કચ્છ પાસે હસ્તકળા,સ્થાપત્ય,પુરાતત્વને બાદ કરતા એક મહત્વનો વારસો છે, કચ્છનો અજોડ ભૂસ્તરીય વારસો. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા માં આવેલી ગ્રાન્ડ કેન્યન નદી જેટલી મહત્વની ભૌગોલિક રચના ધરાવતી કચ્છની ખારીનદી દેશની પ્રથમ જીઓ-હેરિટેજ સાઈટ બની શકે છે.


આ કોઈ દિવાસ્વપ્ન નથી પણ હકીકત છે.શૈક્ષણિક રીતે મહત્વની સાઈટ પર દેશની ટોચની યુનિવર્સીટીના કેટલાય વિદ્યાર્થીઓએ સંશોધન કરીને ડોક્ટરેટની પદવી પણ મેળવી ચુક્યા છે. ભોપાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ટની સંશોધક જાનકી ગોનાવાલા ખારીનદી અને જીઓ હેરિટેજ વિષય પર સંશોધન કરી રહી છે.


જાનકીના મતે કચ્છની ખારીનદીમાં એ ક્ષમતા છે કે તે દેશની પ્રથમ જીઓ હેરિટેજ સાઈટ બનવા સક્ષમ છે. જે કોતરોવાળું ભૂગોળ તમને અમેરિકાના યેલ્લો સ્ટોન પાર્ક અને હિમાલયની ગિરિમાળામાં જોવા મળે છે,તે ભુજની ખારીનદીમાં છે.વધુમાં તેણીએ,આઈયુસીએનની આ પ્રથમ લેન્ડસ્કેપ પ્રોટેક્ટેડ સાઈટ બનવાની શક્યતા પણ દર્શાવી હતી.


ચ્છમાં ખડકાળ કોતરોવાળી ત્રણ મહત્વની નદીઓ પાટ,પૂર અને ત્રીજી નદી ભુજના પશ્ચિમી છેડે આવેલ ખારી નદી છે. સંશોધન મુજબ ખારી નદી 50,000 વર્ષ પહેલા ભૂકંપ અને આબોહવાના મિશ્રણથી ઉદ્ભવેલી છે.કુલ 65 કિલોમીટર લાંબી ખારીનદીમાં વચ્ચે 500 મીટર મહત્વનો બેડરોક ગોર્જ આવેલો છે.સામત્રાથી ઉદ્ભવતી ખારી બન્નીના રણમાં સમાઈ જાય છે.


અમેરિકામાં ગ્રાન્ડ કેન્યન નદીની મુલાકાતનો ચાર્જ 4000/- રૂપિયા લેવાય છે. તેના માફક ખારીનદીમાં પણ મ્યુઝિયમ બનાવી શકાય,માહિતીસભર બોર્ડ,ફોટોગ્રાફી પોઇન્ટ,કિઓસ્ક,માહિતીના પેમ્પલેટ પણ છપાવી શકાય,જેથી અહીં આવનારા લોકો અહીંના ભૌગોલિક મહત્વથી અવગત થાય.સરકાર દ્વારા આ અભિગમ અપનાવી લેવાય તો કચ્છ દેશને સફેદ રણની માફક વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર સાઈટ આપી શકે તેમ છે.ડ્રોન દ્વારા લેવાયેલી તસ્વીરમાં જિયો હેરિટેજ સાઈટ તરીકે પ્રસિદ્ધ થઇ શકનાર ખારીનદીની સુંદરતા દેખાય છે.

ખારીનદીનું મનમોહક વિહંગમ દ્રશ્ય / ડ્રોન ક્લિક : જયમીત સોલંકી


આપણા પાસે આટલો અજોડ અને બેનમૂન વારસો છે,પણ આજેય કેટલાક લોકો આ સુંદરતાને અભડાવી રહ્યા છે.કેટલાક તત્વો દ્વારા હોસ્પિટલનો બાયો મેડિકલવેસ્ટ અહીં ઢગલા મોઢે ઠલવાય છે,તેઓ એક સેકન્ડ પણ વિચાર નથી કરતા કે આ હઝાર્ડસ વેસ્ટને અહીં મૂકી પણ ન શકાય. કારણ કે,તેના માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જ અલગ હોય છે,તે ઘાતક છે. બીજી સમસ્યા છે ફોટોગ્રાફર,બધા નહિ પણ કેટલાક તત્વો અહીં પ્રિ-વેડિંગ ફોટોગ્રાફી કરીને પ્લાસ્ટિક,કલર બોમ્બ અને નાસ્તા સહિતનો કચરો એમ જ ઠાલવી જાય છે,જાણે કે આ કચરાનો ડબ્બો હોય !. ખરેખર આવા લોકોને આ કુદરતની સુંદરતાનું મહત્વ તો જ સમજાશે,જયારે અહીં શૂટિંગ કરવાના પૈસા લેવામાં આવે. તમે સુધારી ન શકો તો કાંઈજ નહિ,બગાડવાનો આપણને કોઈજ અધિકાર નથી.



Comments


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page