-ગુજરાતના જાણીતા લોકગાયક આદિત્ય ગઢવી સાથે ખાસ મુલાકાત
- "બોલીવુડમાં લગભગ ગીતો રિક્રિયેશન થાય,ત્યારે કચ્છના ઢોલ-જોડીયાપાવાના તાલે સર્જાયેલી ફિલ્મ રાષ્ટ્રીય એવોર્ડ જીતે એ જ રણની મીઠાશ છે"
આજે જયારે ફિલ્મ ઉદ્યોગમાં બોલીવુડમાં લગભગ ગીતો રિક્રિયેશન બની રહ્યા છે,ત્યારે કચ્છ જેવા છેવાડાના સરહદી જિલ્લામાંથી ઢોલ,ઘડા ગમેલા અને જોડિયા પાવાના સંગીતના સથવારે સર્જાયેલી હેલ્લારો ફિલ્મ ગૌરવવંતો નેશનલ એવોર્ડ જીતે તે જ અહીંના રણની મીઠાશ અને લોકપ્રિયતા દર્શાવે છે,તેમ જાણીતા લોકગાયક આદિત્ય ગઢવીએ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું.
2012માં માંડવી ખાતેથી ડાયરાના કાર્યક્ર્મથી કેરિયરની શરૂઆત કરનારા આદિત્યએ કેટલીય ગુજરાતી ફિલ્મોમાં હ્ર્દયસ્પર્શી અને શાનદાર ગીતો આપ્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લવની લવસ્ટોરીનું કળજુગનો કનૈયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યું છે.લોકો લવરેપ ચેલેન્જ હેશટેગથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આ ગીતના વિડીયો સતત પોસ્ટ કરી રહ્યા છે.આ મુદ્દે આદિત્યએ કહ્યું કે,આ ઉત્તમ ઉદાહરણ છે કે ગુજરાતી સંગીત સાથે લોકોને રેપ મિક્ષ સ્ટાઇલ વધાવી લે છે.કચ્છને પોતા માટે નસીબદાર ગણાવી આદિત્ય એ ઉમેર્યું કે,વર્ષ 2015માં મેં હંસલા હાલો રે એ પણ કચ્છના સફેદ રણમાં જ શૂટ કર્યું હતું,જેને 21 લાખ લોકોએ અત્યાર સુધી યુટ્યુબમાં જોઈ ચુક્યા છે અને ખૂબ વાયરલ પણ થયું હતું.
કચ્છ વિષે વધુ ચર્ચામાં આદિત્યએ કહ્યું કે,મુરાલાલા મારવાડા જેવા કલાકારો કચ્છની ધરતીના રત્ન છે.જેના ગીતોમાં ઘડા ગમેલા અને જોડિયા પાવાથી કોઈક પણ જાજા એડિટિંગ વગર સીધું રાષ્ટ્રીયસ્તર સુધી લોકો કચ્છનું લોકસંગીત અપનાવી લે છે અને દિલભરીને સાંભળે પણ છે.એકસમયે કચ્છની લોકકળા અને લોકસંગીત માત્ર અહીં પૂરતું સીમિત હતું,જે હવે અનેક સરહદો પાર કરી રહ્યું છે.ત્યાં સુધી કે એ.આર.રહેમાન પણ ખાસ કચ્છના વાદ્યો પોતાના સંગીતમાં ઉપયોગમાં લઇ રહ્યા છે.ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ભવિષ્ય મુદ્દે કહ્યું કે,તે અત્યંત ઉજળું છે,પણ સતત અહીંના લોકસંગીત અને સંસ્કૃતિને જોડી સંગીતમાં કાંઈક ને કાંઈક નવો ટ્રેન્ડ લઇ આવવાના પ્રયોગો કરતા રહેવા પડશે.વિશ્વના કોઈ પણ છેડે તમે પરફોર્મ કરો અને ક્યાં કચ્છના સફેદરણમાં આવીને પરફોર્મ કરો તમને એક અલગ જ મજા આવે છે,રણમાં ગાતી વખતે મને અનોખું આધ્યત્મિક જોડાણ મળે છે.
ગુજરાતી ગીતોમાં નવા પ્રયોગ કરવા પડશે,જેમ રોટલા ઉપર ચીઝ
ગુજરાતી ફિલ્મોમાં ખાસ કરીને ગીતોમાં નવા પ્રયોગ મુદ્દે આદિત્ય ગઢવીએ કહ્યું કે,સંગીતકારો અને દિગ્દર્શકો એ અલગ પ્રયોગો કરતા રહેવું પડશે.તાજેતરમાં કલજુગનો કનૈયો એ લવરેપનો સરસ નમૂનો છે જે લોકો ને ગમે છે,તો બીજી તરફ હેલ્લારોનું સપના વિનાની રાત જેવા ગંભીર સંગીતને પણ લોકો વધાવી લે છે.હકીકતમાં રોટલા પર માખણ તો ગમે જ છે,પણ ક્યારેક ચીઝ પણ લગાવીએ તો અલગ ટેસ્ટ આપે છે તેવુંજ કાંઈક સંગીતનું છે.છેલ્લા પાંચ-છ વર્ષમાં ગુજ્જુ ગીતો એ બોલિવુડના ગીતોને ક્યાંય છેવાડે મૂકી દીધા છે,લોકોના પ્લેલિસ્ટ પોતાની ભાષા ગુજરાતીથી ભરચક બની ગયા છે.

Yorumlar