હેણોતરો,બિલાડીના કુળનું એ પ્રાણી જે દસ ફૂટ સુધી કૂદકો મારી શિકારને નથી છોડતું,તે વન્યજીવપ્રેમીઓ માટે દુર્લભ દેવ છે.મજબૂત બાંધા સાથે શક્તિશાળી હોય છે.લાંબા, ખડતલ પગ કે જે સ્પ્રિંગ જેવું કામ કરે છે. હેણોતરો સીધો ઊભીને જ કૂદી શકે છે અને પક્ષીઓના શ્વાસ હવામાંથી છીનવી શકે છે.
સામાન્ય રીતે નક્કર રાખોડી રંગથી લાલાશ પડતા રંગનો લાગતો આ ચપળ જીવ સુંદર દેખાય છે. કાળા રંગના આઈબ્રો સાથે તેની આંખના સફેદ "આઇલાઇનર" જોઈને વેણીભાઈ પુરોહિત લિખિત પંક્તિઓ 'તારી આંખનો અફીણી' યાદ આવી જ જાય ! કાનની ધાર પર પર કાળા વાળના લાંબા ટ્ર્ફ્સ એ હેણોતરાની સૌથી વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે.તેના પાછળના લાંબા પગ જ તેને ઉભા-ઉભા દસ ફૂટનો ઊંચો કૂદકો મારવા સક્ષમ બનાવે છે.
શારીરિક રચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીયે તો, હેણોતરાનું આયુષ્ય 12-17 વર્ષનું હોય છે.તે 80 કીમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. 8-18 કિલોગ્રામ તેમનું વજન હોય છે.1.6 ફૂટ જેટલી લંબાઈ સાથે તેઓ અઢી ફૂટ ઊંચાઈ ધરાવતા હોય છે.
હેણોતરોએ એક મધ્યમ કદની જંગલી બિલાડી છે જે વિશ્વમાં આફ્રિકા, ભારત અને મધ્ય પૂર્વના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. હેણોતરા વિશે ભારતમાં બહુજ ઓછું સંશોધન થયું છે,કારણ કે જેને જોવો અત્યંત દુર્લભ છે.દેશમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં માત્ર કચ્છમાં હેણોતરાની પ્રજાતિ વસી રહી છે.
ગુજરાતમાં માત્ર કચ્છમાં જ બચ્યા છે.ગુજરાત રાજય વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ ની વસ્તીગણતરીમાં કચ્છમાં માત્ર ૯ જ હેણોતરા હોવાનો આંકડો દર્શાવાયો હતો.કચ્છમાં લખપત,નખત્રાણા અને નારાયણ સરોવર સહીત વિસ્તારોમાં તે નોંધાયેલું છે અને વસે છે.નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની દિલ્હી ખાતે મળેલી ૪૯મી બેઠકમાં કચ્છનો આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.આ બેઠકમાં તજજ્ઞો હેણોતરોની સંખ્યા કચ્છમાં અંદાજિત બે અથવા ત્રણ ડઝન જેટલી દર્શાવી રહ્યા છે.
હેણોતરો એવું પ્રાણી છે, જે સિવાય કે સમાગમ અને બચ્ચાંના ઉછેર નર અને માદા અલગ અલગ વિસ્તારમાં રહે છે,અને બંનેનું પોતપોતાના વિસ્તારમાં પ્રભુત્વ હોય છે. સંશોધન એમ પણ કહે છે કે,નર હેણોતરાનો પ્રદેશ અન્ય નરના અધિકારક્ષેત્રમાં ઓવરલેપ થઈ શકે છે,પરંતુ સ્ત્રીનો વિસ્તાર તેના વ્યક્તિગત ઉપયોગ માટે અલગ જ હોય છે. નવાઈ પમાડે તેવી બાબત એ છે કે,આજેય માણસો જમીન કે વાડા કાંટાળી તાર કે દીવાલથી અલગ કરે છે,પણ આ પ્રાણી આધિપત્ય ધરાવતા પોતાના વિસ્તારને પંજાના નિશાનથી ચિહ્નિત કરી ધ્યાન રાખતા હોય છે,અને અન્ય હેણોતરો ત્યાં ન આવે તેની તકેદારી સાથે તે અન્યની સુગંધને બખૂબી જાણતા હોય છે. ભારતમાં તો વૈજ્ઞાનિક ઢબે તેનો કોઈજ ખાસ ડેટા ઉપલબ્ધ નથી,પણ આ જ પ્રજાતિનું વર્તન જાણવું હોય તો એ અનેરું સાબિત થાય એમ છે.શુષ્ક વિસ્તારોમાં તેનો વિચરણ અને આધિપત્ય વિસ્તાર અત્યંત મોટો હોય છે. નામિબિયામાં ત્રણ નર હેણોતરાના વિસ્તારનો આંકડો અધ.ધ.ધ મોટો છે. 316.14 ચોરસ કિલોમીટરમાં એક નર નું આધિપત્ય હોવાનું માર્કર અને ડિકન્સ નામના સંશોધકોએ નોંધ્યું છે. સાઉદી અરેબિયામાં, રેડિયો ટેગ કરેલ નર હેણોતરાનું આધિપત્ય 270 ચો.કિમી થી લઈને 1116 ચો.કિમી રેન્જમાં જોવા મળ્યો હોવાનું વેન હિઝિક અને સેડન નામના સંશોધકોનું તારણ છે. જો કે ઇઝરાયલી અભ્યાસમાં નર હેણોતરાના વિસ્તારનું સરેરાશ આધિપત્ય 220.6 ચો.કિ.મી. હોવાનું વેઈસબેઇન અને મેન્ડલસોહનએ નોંધ્યું છે. કચ્છમાં કે ભારતમાં કદી આ પ્રકારનો ડેટા સામે નથી આવ્યો પણ તે અનેક સો કિલોમીટર વિસ્તારમાં પોતાનું આધિપત્ય ધરાવે છે,તેમાં કોઈજ શંકાને સ્થાન નથી !

શિકાર કરવા કૂદકો મારી રહેલા હેણોતરાની લાક્ષણિક ક્ષણ / ફોટો : Nedko Nedkov
મુખ્યત્વે નિશાચર આ પ્રાણી કેટલીક વાર દિવસ દરમિયાન પણ જોવા મળે છે.સામાન્ય રીતે રાત્રે તે શિકાર કરે છે.ચપળ શિકારીના ગુણ તેનામાં બખૂબી ભરેલા છે અને તેથી જ તેની દ્રષ્ટિ અને શ્રવણશક્તિ બંને જોરદાર હોય છે. હેણોતરો ચુસ્ત માંસાહારી હોય છે અને મોટા ભાગે સસલું,હરણ,ઉંદરો,વાંદરા,ગરોળીઓ,સાપ અને પક્ષીઓ ખાય છે.હોંશિયાર પ્રાણીની રચના એવી છે કે,તે પાણીની જરૂરિયાત પોતાના શિકારના પ્રવાહી દ્વારા પૂરી કરી લે છે. જેથી કરીને હેણોતરો વધારે પાણી પીધા વિના ટકી શકે છે.પોતાના કદ કરતા ત્રણ ગણા મોટા શિકારને આસાનીથી સંભાળી શકે છે. જાણવા જેવું એ પણ છે કે, હેણોતરાને પોતે કરેલ શિકારના વાળથી નફરત કરે છે અથવા તે પચાવી શકતું નથી,તે શિકારને આરોગતા પહેલાં તેના તીક્ષ્ણ પંજાથી તે દૂર કરી નાખે છે. હેણોતરાને વન્યજીવ સંરક્ષણ અધિનિયમન 1972 હેઠળ અનુસૂચિ 1 માં મુકાયો છે,જે ખુદ તેનું મહત્વ દર્શાવે છે. IUCN રેડલિસ્ટ મુજબ તે લિસ્ટ કન્સર્ન એટલે ઓછી ચિંતાના વિષયમાં છે.ભારતમાં દિવસે દિવસ ઘટી રહેલા તેના નિવાસસ્થાન અને જંગલ વિસ્તારમાં માનવીય હસ્તક્ષેપ તેના માટે મોટા ખતરા સાબિત થઇ રહ્યા છે.
Khub khub abhar khubj sundar article 😊🙏