top of page

૭ મીટરનો કૂદકો મારી શકનારા ચિંકારા વાવણીકારો પણ છે

Writer: Ronak GajjarRonak Gajjar

Updated: May 3, 2020

ચિંકારાનું નામ આવે એટલે રૂડું રૂપાળું હરણ દેખવા લાગે,ચિંકારાની અનેક ઘણી ખાસિયતો છે જેમાં કુદરતને તે સહભાગી થઇ શકે એમ છે. ચિંકારા અંગ્રેજીમાં Indian Gazelle નામથી ઓળખાય છે.જેનું વૈજ્ઞાનિક નામ (Gazella Bennettii) છે.

કચ્છના નારાયણસરોવર ચિંકારા અભ્યારણ્યમાં નર ચિંકારાનો પોઝ / ફોટો : રોનક ગજ્જર


વૈશ્વિક નકશામાં ચિંકારા ભારત,ઇરાન,અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વતની છે.રહેઠાણમાં તેઓ શુષ્ક મેદાનો,ટેકરીઓ, રણ,શુષ્ક ઝાડી અને હળવા જંગલો પસંદ કરે છે,તેઓ ભારતમાં 80 થી વધુ સુરક્ષિત વિસ્તારોમાં વસે છે.ગુજરાતમાં નારાયણસરોવર અભ્યારણ્ય ચિંકારા અભ્યારણ્યથી ઓળખાય છે. ચિંકારા ખૂબ શરમાળ જીવ છે,અને અન્ય વન્યજીવોની માફક માનવ વસવાટ નજીક પગલાં કરવાનું પણ ટાળે છે.મોટાભાગનો સમય તેઓ એકલા વિતાવે છે, તેમ છતાંય,કેટલીકવાર તે ચારથી પાંચ પ્રાણીઓના નાના જૂથોમાં ભેગા થઈ ફરતા હોય છે.


ચિંકારાના શરીરનો રંગ લાલાશ પડતો ભૂરો અને પેટનો ભાગ ભૂરો-સફેદ હોય છે.માદાના શીંગડા નાના અને નરના લાંબા હોય છે,જેની લંબાઈ અંદાજિત 40 સેન્ટિમીટર જેટલી હોય છે.આમ તેની ઓળખ થઇ શકે છે.ચિંકારાનો જીવનકાળ 12-15 વર્ષનો હોય છે,તેની મહત્તમ ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. તેની વજન 19-25 કિલોગ્રામ સુધીનું હોય છે.


ચિંકારા ખૂબ ચપળ હોય છે. જંગલમાં દેખાય ત્યારે તેને શાંતિથી નાનકડી પૂંછડી ફટફટાવી ચાલતા,મસ્તીમાં કૂદકા મારતા કે દોડતા જોઈ શકાય છે.આ પ્રાણીની વિશેષતા એ છે કે, તે 6-7 મીટર સુધી મોટો કૂદકો લગાવી શકે છે.જ્યારે તેને ભય લાગે ત્યારે નાક દ્વારા અવાજ ઉતપન્ન કરે છે.ચિંકારા રાત્રિના સમયે ભોજન સમારંભ વધુ પસંદ કરે છે અને સૂર્યાસ્ત પહેલાના સમયે અને રાત દરમિયાન તે ખૂબ જ સક્રિય હોય છે. ચિંકારા શાકાહારી-વનસ્પતિજીવી છે.તેઓ ઘાસ, વિવિધ પાંદડા અને ફળો (તરબૂચ, કોળું) ખાતા હોય છે.ચિંકારા ઘણા દિવસો સુધી પાણી વિના જીવી શકે છે,કારણ કે તેઓ જે ખાય છે તે છોડમાંથી પ્રવાહી મેળવી શકે છે.ચિંકારાની અન્ય ખાસિયત પણ જોરદાર છે. આ પ્રાણીની ફળો ખાવાની ટેવને લીધે, ચિંકારા બીજ વાવણીકારો તરીકે ઇકોસિસ્ટમમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જે કામ કદાચ કાળા માથાનો માનવી મહામહેનતે કરી શકે,તે ચિંકારા આસાનીથી કરી દે છે.

નિર્વસનતંત્રમાં ચિંકારાના ટોળાની ઝલક / ફોટો : રોનક ગજજર

ચિંકારાની પ્રજનન ઋતુ વર્ષમાં બે વખત આવે છે. ઓગસ્ટ-ઓક્ટોબર અને માર્ચ-એપ્રિલ હોય છે,પાંચેક મહિનાના ગર્ભધારણ બાદ માદા એક બચ્ચાને જન્મ આપે છે. જન્મ બાદ તેને 2 મહિના સુધી પોષણ આપે છે.સંશોધન એમ કહે છે, કે ચિંકારામાં સમાગમ પ્રણાલી વિશે બહુ ઓછી માહિતી પ્રાપ્ય છે.છતાંય સંવર્ધન ઋતુમાં દરમિયાન નર માદા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. ચિંકારાને મોટો ખતરો અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનમાં અને કેટલાય સ્થળોએ ભારતમાં પણ માંસ અને ટ્રોફી માટે તેનો ઉપયોગ વધારે પડતો થાય છે.બીજો ગંભીર ખતરો એ છે કે કૃષિ અને ઔદ્યોગિક વિસ્તરણને લીધે તેના રહેઠાણની ખોટ વર્તાઈ રહી છે.ઓવરગ્રેઝિંગ પણ વધુ ગંભીર મુદ્દો છે,એટલે કે વધુ પડતું ચરિયાણ તેના નિર્વસન તંત્ર પર નકારાત્મક અસર છોડી રહ્યું છે. IUCN રેડ લિસ્ટ મુજબ,ચિંકારાની કુલ વસ્તી લગભગ 50,000-70,000 જેટલી છે.તેને લિસ્ટ કન્સર્ન એટલે ઓછી ચિંતાજનક પ્રજાતિ તરીકે ગણવામાં આવી રહ્યા છે. જો કે તેની વૈશ્વિક વસ્તી ઘટી રહી છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ તે શિડ્યુલ 1 માં સંરક્ષિત છે.

 
 
 

Komentarji


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page