પક્ષીઓ,અબોલા જીવ જે કશું બોલી નથી શકતા પણ એની જરૂરિયાતો માનવી જેવી જ છે. જરૂર છે માત્ર તેને સમજી અમલમાં મુકવાની જેથી,સાચી રીતે તેનું સંરક્ષણ થઇ શકે અને ઉનાળામાં કોઈ પક્ષી પાણી કે દાણા વિના મૃત્યુ ન પામે.

નળના ટપકતા ટીપાથી તૃષા છીપાવતી બુલબુલ / ફોટો : રોનક ગજજર
લોકડાઉન વચ્ચે હાલ ઉનાળો શરુ થઇ ગયો છે,પક્ષીઓ પ્રત્યે હમેંશ આપણો લગાવ રહ્યો છે,તેને પીવા ઘરમાં કુંડુ મુકીએ છીએ અને અન્ન માટે દાણા. આ બંને બાબતમાં આપણે એવી ઘણી ભૂલો કરતા હોઈએ છીએ,જે સામાન્ય પણ હાનીકારક હોય છે.હાલના સમયમાં ક્રેઝ છે,પ્લાસ્ટીકની બોટલ કે બરણીના ભંગારમાંથી ઉંધી મૂકી તોડી પાણીનું કુંડુ બનાવાય છે,તે તદન ખોટું છે.તેનાથી એક તો પરોક્ષ રીતે આપણે પ્લાસ્ટીકને પ્રોત્સાહન આપી રહ્યા છીએ,જે કુદરત માટે હાનીકારક છે,બીજું આપણે કેન્સરના ભય હેઠળ પ્લાસ્ટીકના કપમાં ચા પીવાનું ટાળીએ છીએ, તો ગરમ પ્લાસ્ટીકમાં પક્ષીને પાણી શું કામ?. પ્લાસ્ટીકની જગ્યાએ માટીના કુંડા ઉપયોગ કરવાથી પક્ષીઓને ઠંડુ પાણી મળી રહે છે,કુંભારને રોજગારી અને પક્ષીને નહાવા માટે નાનકડો સ્વીમીંગ પૂલ પણ મળી રહે છે.જે ઇકો ફ્રેન્ડલી પણ છે. હવે સામાન્યતઃ પણ મહત્વની બાબત. પક્ષીઓ માટે કુંડામાં મુકેલ પાણી પૂરું ન થાય ત્યાં સુધી આપણે બદલાવતા નથી,તે બહુ ગંભીર બાબત છે.કારણ કે શક્ય છે તેમાં કોઈ બીમાર પક્ષી નાહ્યું હોય કે ચરક મૂકી હોય. જેના જંતુ અન્ય પાણી પીવા આવતા પક્ષી માટે તથા માનવી માટે પણ હાનીકારક સાબિત થઇ શકે છે. બીજું કે,દૈનિક કુંડાની સફાઈ કરીને નવું પાણી ઉમેરવું જોઈએ.સાથોસાથ કુંડામાં વચ્ચે એક પથ્થર પણ મુકવો જોઈએ,જેથી ચકલી જેવા નાના પક્ષીના કદની ઊંડાઈ ધરાવતું કુંડુ હોય તેમાં પથ્થર પર ઉભી તે નાહી શકે,અદલ બાળક માટે સ્વીમીંગ પુલનો વિચાર જોઈ લ્યો !. પીવાના પાણીના કુંડા કે દાણા પણ એવી યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ,જ્યાં પક્ષી એની મસ્તીમાં ચણતું હોય કે પાણી પીતું હોય તો કુતરો કે બિલાડી આવી તેના પર જીવલેણ હુમલો ન કરે હવે વાત કરીએ પક્ષીને ઉનાળામાં આપતા ખાદ્ય ખોરાકની તો,પક્ષીઓ વિવિધ ખાદ્યના આગ્રહી હોય છે,અમુક દાણા આરોગતા હોય,અમુક ટામેટા કાકડી જેવા શાકભાજી પણ આરોગે તો અમુક ભાત કે રોટલી પણ આરોગતા હોય છે.ત્યારે આપને સામાન્ય આ તમામ વસ્તુઓ એકસાથે એક ડીશમાં મુકતા હોઈએ છીએ,જેથી ક્યાંક ને ક્યાંક તેનું મિશ્રણ થાય છે. જે પક્ષીઓ માટે અયોગ્ય છે.બહેતર છે કે,અલગ અલગ દિશમાં બધું મુકીએ જેથી આહાર પ્રમાણે પક્ષીઓ આરોગે.ઉપરાંત કુદરતી રીતે પક્ષીઓને નિવાસ અને ખોરાક પૂરો પાડવા સોસાયટી કે કોલોનીમાં લીયર,પીળું કે રાયણ જેવા ફળ આપતા વૃક્ષો વાવવા જોઈએ,જેથી પક્ષીઓને નિવાસ પણ મળી રહે અને ખોરાક પણ અને એ પણ કુદરતી ! અંતમાં,કુંડુ કે ખાદ્ય પદાર્થ મુકો ભલે દૈનિક તેની સફાઈ થાય અને દૈનિક તેમાં બદલાવ આવે તે પક્ષીઓ માટે અત્યંત જરૂરી છે,જેથી સાચી દિશામાં સંરક્ષણ થશે.
Comments