સાપનું નામ પડતા જ સામે વાળો વ્યક્તિ આસપાસમાં લાકડી કે હથિયાર શોધવા મંડી જાય છે,કારણ કે એક માન્યતા બંધાઈ ગઈ છે કે, દરેક સાપ એટલે ઝેરી કરડે એટલે સ્વર્ગનું દ્વાર દેખાડી દે,જેનાથી બચવા ગભરાયેલ વ્યક્તિ ના છૂટકે એને મારી નાખે છે.
અપવાદ કે નાગ એટલે કે કોબ્રાને ધાર્મિક માન્યતાથી ડરી નથી મારતા એ અલગ વાત છે.પરંતુ જાણવા જેવું છે કે ભારતમાં 270 જેટલા ઝેરી-બિનઝેરી સાપ છે.જેમાંથી મોટા ભાગના દરિયાઈ સાપ છે,ગુજરાતમાં જોવા મળતા જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર ચાર છે,જેમાંથી કચ્છમાં માત્ર ત્રણ પ્રજાતિ જોવા મળે છે.સાપ તો માણસનો મિત્ર છે, તેનાથી ડરવાની જરૂર નથી. તેને છંછેડો જ તે ડંખ મારે છે. તેને હેરાન કર્યા વગર રહેવા દયો તો તો તે આપમેળે જતો રહે છે.

ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપની પ્રજાતિઓ / ફોટો સ્ત્રોત: ગૂગલ
ગુજરાતમાં ચાર પ્રકારના ઝેરીલા સાપ જોવા મળે છે. નાગ,કાળોતરો,ફુરસો અને ચિતળ. ઝેરી સાપની પ્રજાતિમાં મુખ્યત્વે કોબ્રા એટલે નાગ જોવા મળે છે,જેનું હિન્દૂ સંસ્કૃતિમાં 'દેવ' નું પૂજ્ય સ્થાન અપાયું છે.કોબ્રાની આ જાત સિવાય કોઈ પણ સાપ ફેણ ચડાવી શકતા નથી,તેની ગળાની પાંસળીઓ પહોળી કરી ઉભા રહેવાની ક્ષમતાને લીધે અતિસુંદર લાગે છે.1 થી 2 મીટર લાંબા આ સાપમાં ન્યૂરોટોક્ષિન ઝેર હોય છે જે માનવીના જ્ઞાનતંતુને અસર કરે છે.

બીજી પ્રજાતિ છે ક્રેઈટ ગુજરાતીમાં જે કાળોતરા ના નામે ઓળખાય છે,કચ્છમાં શંખચૂડના નામે જાણીતો છે. કાળોતરો ભારતનો સૌથી ઝેરી સાપ છે,એક થી સવા મીટર લાંબા આ સાપના શરીરમાં જોડમાં બે-બે લીટીઓ હોય છે,રાત્રે ખોરાકની શોધમાં નીકળતો આ નિશાચર સાપ છે.સ્વભાવે શાંત એવા ઝેરીલા સાપમાં પણ ન્યૂરોટોક્ષિન ઝેર હોય છે.

ઝેરી સાપમાં ત્રીજો સો સ્કેલ વાઈપર ગુજરાતીમાં ફુરસોના નામે ઓળખાય છે.કચ્છમાં જે લોંઢીના નામે જાણીતો છે.બધા ઝેરી સાપોમાં આ સૌથી નાનો પણ આક્રમક સાપ છે. શરીર પરના ભીંગડાનો આકાર કરવત જેવો હોતા તેનું નામ સો સ્કેલ વાઈપર છે. જેની લંબાઈ અંદાજે 80 સેન્ટીમીટર જેટલી હોય છે.તેમાં હિમોટોક્ષીન ઝેર હોય છે.જે માણસના શરીરમાં લોહીના કણો પર ગંભીર અસર કરે છે.ફૂરસો સાપની માદા એપ્રિલ થી ઓગષ્ટ મહિનાની વચ્ચે ૪ થી ૮ બચ્ચાને જન્મ આપે છે.આ એક એવો સાપ છે જે ઈંડા મુકતો નથી.વાઈપર પ્રજાતિનો આ સૌથી ઝેરી સાપ છે.

ચોથો સાપ છે રસેલ વાઈપર, જેનું ગુજરાતી નામ ચિતળ કે ખડચીતળ છે અને તેમાં પણ હિમોટોક્ષીન ઝેર હોય છે.ડૉ.પેટ્રીક રસેલ નામના સ્કોટિશ હર્પેટોલોજિસ્ટએ સૌપ્રથમ આ સાપની ઓળખ કરી હતી,જેથી તેનું નામ રસેલ વાઈપર રાખવામાં આવ્યું..રસેલ વાઈપરની લંબાઈ ૧ મીટર થી ૧.૫ મીટર જેટલી હોય છે,અને તે ખુબ જ આક્રમક સાપ છે.રસેલ વાઈપર ખુલ્લા અને ઘાસવાળા મેદાનો,જંગલોમાં જોવા મળે છે. આ સાપનો દંશ અત્યંત ઝેરીલો હોય છે કારણ કે તેની માત્રા વધુ હોતા દર્દીના શરીર પર તરત જ અસર કરે છે.

ભારતમાં દર વર્ષે સર્પદંશના જેટલા કિસ્સા બને છે તેમાં વ્યક્તિ ગભરામણ થી કે સમયસર યોગ્ય સારવારના અભાવે મૃત્યુ પામે છે.સાપનું પ્રકૃતિમાં અદેકરું સ્થાન છે,કારણ કે દેશમાં અબજો રૂપિયાના અનાજ અને કીમતી ચીજ વસ્તુઓને નષ્ટ કરતા ઉંદરો અને કીટકો સાપનો મુખ્ય ખોરાક છે.ઉંદરોના ઉપદ્રવથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય સાપની હાજરી છે.ઉંદરની જોડી વર્ષમાં ૧૨૦૦ બચ્ચાને જન્મ આપે છે.દર એક મહીને તે બચ્ચા આપવા માટે સક્ષમ બની જાય છે, જેથી ઉંદરથી બચવા સાપ જરૂરી છે.
આપને જાણીને નવાઈ લાગશે કે સાપના ઝેરથી બચવાની દવા પણ સાપના ઝેરમાંથી જ બને છે.સાપ વિશેની અમુક સાચી માહિતી પર પ્રકાશ પાડીએ તો,સાપ પોતાની લંબાઈનો ત્રીજો ભાગ કોઈ પણ પ્રકારના આધાર વિના ઉંચો કરી શકે છે,સાપનું સરેરાશ આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે. સાપ દૂધ પીતો નથી અને તેને બદલો લેવાની યાદશક્તિ પણ નથી હોતી. જેથી સાપ વેર વાળે તે બાબત ગેરમાન્યતા છે. સાપને સ્વાદની ખબર નથી પડતી તો સાપ રૂપ પણ બદલતો નથી જે અંગે કેટલીય લોકવાયકાઓ આજે પણ પ્રવર્તે છે.નવાઈ પમાડે તેવી વાત છે કે,બધા જ સાપ પાણીમાં તરી શકે છે,તો નાના સાપ દરરોજ ખોરાક લે છે,જયારે મોટા સાપ કેટલાય દિવસો સુધી ખોરાક વગર ચાલવી શકે છે. સાપના દુશ્મન ની વાત કરીએ તો માનવ,નોળિયો,મગર,ઘો,શિકારી પક્ષીઓ અને બીજા સાપ છે.
સાપ કરડે તો શું કરવું ? સૌ પ્રથમ જોવું કે જ્યાં સાપ કરડ્યો ત્યાં દાંતના કેટલા નિશાન છે.જયારે ઝેરી સાપ કરડે ત્યારે તે ભાગને સ્વચ્છ કરી ઢાંકી દેવો,ત્યારબાદ દંશથી હૃદય તરફના ભાગે પાટો બાંધવો જેથી ઝેર નું પરિભ્રમણ અટકે.પાટો અત્યંત મજબુત ન બાંધવો.ત્યારબાદ તાત્કાલિક વિષ પ્રતિરોધક રસી રાખતા સરકારી દવાખાના કે ડોક્ટર અથવા 108 ને સંપર્ક કરવો.સાપ કરડે તો દર્દીને સારવાર માટે તાંત્રિક કે મદારી પાસે લઈ ન જવો,જ્યાં દંશ દીધો હોય ત્યાં કાપો ન મુકવો, દંશના ઘા પર દેશી ઓસડીયાનો લેપ ન કરવો. દર્દીને ટીંગાટોળી કરીને હોસ્પિટલ લઈ જવો જેથી લોહીનું પરિભ્રમણ વધુ ન થાય અને શ્વસન પ્રક્રિયામાં તેની અસર ન પડે.ડોક્ટરને સાપ ઓળખી ને દર્દીનો ઈલાજ કરવામાં સરળ રહે માટે તરત તે સાપનો વિડીયો કે ફોટો લઇ લેવો હિતાવહ છે.
ગરમીની ઋતુ શરુ થતા અવાવરું જગ્યા,જમીન પર બેસવા કે સુવાનું ટાળવું જોઈએ. સૂકાયેલ ઘાસ,બળતણ કે પથ્થરના ઢગલા સાપને રહેવા માટે અનુકુળ હોતા ત્યાં જતા સાવચેતી દાખવવી,ઉપરાંત રાત્રીના સમયે ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ.ઘરમાં સાપથી સુરક્ષિત રહેવા પાણી અંદરથી બહાર જવાનો રસ્તો જાળીથી ઢાંકી દેવો અને ઘરના પોલાણો પૂરી સાપને ઘરમાં આવતો રોકી શકાય છે.
Khub khub abhar sir tame reptiles par bauj sars article lakhyo 6e