ધોળાવીરાની હડપ્પા સંસ્કૃતિ અન્ય કોઈ જ કારણોસર નહીં પણ સરસ્વતી નદી જે હિમાલયની ગોદમાંથી આવીને કચ્છ વહેતી હતી,તે સુકાવાથી નાશ પામી હોવાની પ્રબળ શક્યતા સાથેનું પ્રથમ વખત રસપ્રદ આર્કિયોલોજીકલ અને જિયોલોજિકલ સંશોધન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ખડગપુર દ્વારા કરવામાં આવ્યું છે.
આ સંશોધનપત્ર ખ્યાતનામ વિલી જર્નલ ઓફ ક્વાટનરી સાયન્સમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પી.આર.એલ.અમદાવાદ દ્વારા અહીંથી મળેલી બંગડીઓ અને છીપલાઓની રેડિયોડેટિંગ કરતા જાણવા મળ્યું કે,આ અવશેષો 5500 વર્ષ પૂર્વેના છે.આ પ્રદેશમાં રહેવાસીઓની સંસ્કૃતિ એકદમ અદ્યતન સ્તરની હતી,તેઓએ અદભૂત શહેર બનાવ્યું હતું અને જળસંચયને અપનાવીને લગભગ 1700 વર્ષ સુધી આ સંસ્કૃતિને જીવંત રાખી હોવાનું પણ તારણ સામે આવ્યું હતું.
જો કે અહીંના છીપલા જે મીઠા પાણીમાં થાય છે તેની રેડિયોડેટિંગ અને હડપ્પન સંસ્કૃતિની સમયકાલીનતા સમાન મળી હોતા સરસ્વતીના પુરાવાને મજબૂત સમર્થન રિસર્ચ પેપર દ્વારા મળ્યું છે. રિસર્ચ પેપરમાં એક ટિપ્પણી મુજબ,"ધોળાવીરાના લોકોએ ડેમો, જળાશયો અને પાઇપલાઇનો બનાવીને જળસંગ્રહની ઉત્તમ વ્યૂહરચના અપનાવી હતી,પરંતુ મેઘાલય એજ જે આજથી 4200 વર્ષ પહેલા હતી તે દુષ્કાળને લીધે શહેર વિનાશ તરફ ધકેલાઈ ગયું"

કચ્છના નકશામાં દર્શાવેલો નદીઓનો પ્રવાહ / ફોટો સ્ત્રોત : વિલી જર્નલ ઓફ ક્વાટનરી સાયન્સ
સંશોધનકારોએ ધોળાવીરાના વિકાસ અને વિનાશ વચ્ચે સમયગાળાને પૌરાણિક હિમાલયમાંથી વહેતી નદી સરસ્વતી સાથે જોડ્યો છે.આ પ્રાચીન શહેરથી દૂર આવેલા વિસ્તારોમાં નદી, હવામાન અને સંસ્કૃતિ સાથેના તેના જોડાણ શોધવાના પરોક્ષ પ્રયાસો થયા હતા.સંશોધકોની ટીમમાં તોરસા સેનગુપ્તા,આરતી દેશપાંડે મુખરજી,રવિ ભૂષણ ,એફ. રામ, એમ. કે. બેરા, હર્ષરાજ,અંકુર જે. ડાભી,આર. એસ. બિષ્ટ,વાય.એસ.રાવત,એસ.કે.ભટ્ટાચાર્ય ,નવીન જુયાલ અને અનિંદ્ય સરકાર જોડાયા હતા.જે આઈ.આઈ.ટી ખડગપુર,આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ડેક્કન કૉલેજ પુના, ફિઝિકલ રિસર્ચ લેબ અને ડિપાર્ટમેન્ટ ઓફ ક્લચર ગુજરાતનું સંયુક્ત સંશોધન હતું.
ગોકળગાયનાં અવશેષોએ આપી ગ્લેશિયર નદીની કડી
ડેક્કન કોલેજ પુનાના આરતી દેશપાંડે મુખર્જીએ ગોકળગાયના હાઈ રિઝોલ્યુશન ઓક્સિજન આઇસોટોપ્સથી મેળવેલા પુરાવા આધારે કહ્યું કે,તે સામાન્યતઃ ચેરિયામાં ઉગે છે અને ધોળાવીરાના લોકો માટે ખોરાકનો સ્રોત હતો.આઈઆઈટી ખડગપુરમાં પીએચડીની વિદ્યાર્થી તોરસા સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, "પરિપક્વ હડપ્પન ગોકળગાય આઇસોટોપ્સે સૂચવ્યું હતું કે કચ્છના રણમાં ગ્લેશિયર નદી દ્વારા ચેરિયાનું પોષણ થતું હતું''ધીરેધીરે જે ઘટતું ઘયું અને આ સંસ્કૃતિ નાશ પામી. એનો મતલબ એ થયો કે ગ્લેશિયર નદી સરસ્વતી હતી.

સંશોધકોને મળેલા અવશેષો અને પુરાવાઓ / ફોટો સ્ત્રોત : વિલી જર્નલ ઓફ ક્વાટનરી સાયન્સ
ઇજિપ્ત,ગ્રીસ અને ચીન સાથે જ ધોળાવીરાની સંસ્કૃતિ નાશ પામી
આજથી 4200 વર્ષ પહેલા ભારત અને પૂર્વ એશિયાના ચોમાસાના વિક્ષેપને કારણે 200 વર્ષ સુધીની અસર પમાડે તેવો દુકાળ પડ્યો હતો.આ અરસામાં ઇજિપ્ત,ચીન,સીરિયા,મેસોપોટાનીયા અને ગ્રીસમાં પણ હડપ્પા સાથોસાથ માનવ સભ્યતા નાશ પામી હતી.આ સમય ગાળાને ભૂસ્તરશાસ્ત્રમાં 'મેઘલાયન એજ'થી ઓળખવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે,વૈશ્વિક પુરાતત્ત્વીય અને આબોહવાની ઘટનાઓનું પુનર્ગઠન કરવા માટે ધોળાવીરાના પતનનું કારણ ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા રૂપી સાબિત થશે તેમ મેઘલાયન એજ શોધનારા યુનિવર્સીટી ઓફ વેલ્સના માઈક વોકરે નોંધ્યું હતું.
સિંધુ ખીણની સંસ્કૃતિ કે સરસ્વતીના ખોળે વસેલી સભ્યતા ?
અત્યાર સુધી ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ જ કહેવાય છે,પણ આ રિસર્ચ પેપરના મતે કચ્છના મોટા રણમાં ચેરિયાના અવશેષ મળ્યા છે,મતલબ કે ત્યાં દરિયા અને નદીનો સંગમ હતો. તે નદી સિંધી પણ હોઈ શકે,પણ ચોક્કસ પ્રકારના છીપલા અને અવશેષો સૂચવે છે કે તે ગ્લેશિયર નદીમાં જોવા મળતા અવશેષો છે. અને અનેક વખત એ ચર્ચાઈ ચૂક્યું છે કે,કચ્છના પેટાળમાં સરસ્વતી નદી જે હિમાલયથી વહે છે તે હાજર છે. તેને ફરી વાર પ્રબળ સમર્થન મળ્યું છે અને સંશોધકોએ એમ પણ શક્યતા દર્શાવી કે,સરસ્વતી સુકાઈ ગઈ એટલે જ અહીં હડપ્પન સંસ્કૃતિ નાશ પામી !

ધોળાવીરા હડ્ડપન સંસ્કૃતિની સાઈટ / ફોટો સ્ત્રોત : વિલી જર્નલ ઓફ ક્વાટનરી સાયન્સ
Nice information