જાપાને સુનામી બચવા 250 માઈલ લાંબી દીવાલ બનાવવાની શરૂઆત કરી છે, ત્યારે કચ્છના ધોળાવીરા હડપ્પનનગરમાં આજથી 5000 વર્ષ પહેલાં પણ આ વિચાર સાથે દેશની પ્રથમ ત્સુનામીથી બચવાની 18 મીટર જાડાઈ ધરાવતી દીવાલ અહીં અસ્તિત્વમાં હોવાનું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસિનોલોજીએ સંશોધન કર્યું છે.

ધોળાવીરા પુરાતત્વ સાઇટનું દ્રશ્ય / ફોટો : રોનક ગજ્જર
દેશની બે મુખ્ય હડપ્પન સાઈટમાંની એક ધોળાવીરા સાઈટ પ્રથમ વખત આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રથમ વખત 1967માં ખોદાઈ હતી, પણ પદ્ધતિસર ખોદકામ 1990 બાદ થયું. ધોળાવીરા એ વિશ્વની પ્રથમ જળસંરક્ષણના વિચારથી પ્લાન કરેલી સાઈટ છે.
પહેલાં માન્યતા એવી હતી કે, નગર ફરતે આવેલી દીવાલ દુશ્મનોથી બચવા બનાવાઈ હશે,પણ હવે તે સાબિત થઇ ચૂક્યું છે કે, ભારતનું પ્રથમ એવું નગર બની ગયું છે જ્યાં 5000 વર્ષ પહેલાં ત્સુનામીથી બચવા આ વિચાર અમલમાં મુકાયો હતો.વર્ષ 2016માં આ સંશોધન પર મહોર વાગી હતી,હજુ વધુ સંશોધન ચાલુ જ છે .આ અંગે વધુ વાત કરતાં સંશોધનકર્તા એન.આઈ.ઓ.ના ભૂતપૂર્વ જિયોલોજી અને મરિન આર્કિયોલોજી વિભાગના વડા ડો. રાજીવ નિગમે ઉમેર્યું કે, અમે જ્યારે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું કે, દુશ્મનોથી બચવા માટે આ દીવાલ કંઈક વધુ જ પહોળી છે. અલબત, જળાશયના ચિન્હો પણ ન મળ્યા, પણ ત્સુનામીના આ વિસ્તારના ભૂતકાળના પૂરાવા જોતાં આ દીવાલ ત્સુનામીથી બચવા એ વખતે બનાવાઈ હતી.
ધોળાવીરા મનસર અને મનહર નામક નહેર વચ્ચે વસેલું હતું
અત્રે એ પણ નોંધનીય છે કે, રિસર્ચમાં નોંધ મુજબ ધોળાવીરા મનસર અને મનહર નામક નહેર વચ્ચે વસેલું હતું, પણ અહીં ઉત્ખનન કરનારા ડો. આર.એસ. બિષ્ટના જણાવ્યાનુસાર એનાથી કઈ પૂરનો ભય હતો નહીં, જેથી 18 મીટર જાડી દીવાલ એ માટે ન બનાવી હોવાનું કહી શકાય. સંશોધનમાં એ પણ બહાર આવ્યું કે, ધોળાવીરા દરિયાથી નજીક હોતાં તે દરિયાઈ આપત્તિ માટે સંવેદનશીલ ગણી શકાય, ઉપરાંત આજથી 5000 વર્ષ પહેલાં ભારતના પશ્ચિમી દરિયાનું સ્તર ઉંચું હોવાનું પણ નોંધાયું છે. ધોળાવીરા નગર દરિયાઈ સ્તરથી 18 મીટર ઉંચું છે.

ધોળાવીરાનો સંશોધકોનો સાઈટ પ્લાન / NIO
ગુજરાતના દરિયાકિનારે આવેલી ત્સુનામીના મોજા 2થી 10 મીટર ઉંચા ઉછળ્યા છે
ભૂતકાળમાં ગુજરાતના દરિયાકિનારે આવેલી ત્સુનામીના મોજા 2થી 10 મીટર ઉંચા ઉછળ્યા છે, તો આ વિસ્તારમાં 8000 વર્ષ પહેલાં ત્સુનામીના આધાર પણ છે, તેથી સંશોધકોનું માનવું છે કે, આ દીવાલ ત્સુનામીથી રક્ષણ મેળવવા જ બનાવવામાં આવી હતી. મોડર્ન ટેક્નોલોજી પ્રમાણે કોસ્ટલ હઝાર્ડ મેનેજમેન્ટ મુજબ આ પ્રકારની દીવાલ જાપાન અને ન્યૂ ઓર્લિઅન્સ ખાતે બનાવાઈ છે, જેના કદ અને ડાયમેન્શન સાથે ધોળાવીરાની આ દીવાલ અત્યંત નજીકી છે, તેથી તે સમયે ત્સુનામી રક્ષણ માટે બનાવાઈ છે, તો દેશનો સૌથી જૂનો રેકોર્ડ સ્થાપિત થયો છે.
ભારતના લોકોએ આ વિચાર 5000 વર્ષ પહેલાં અપનાવી ચૂક્યા હતા આ સંશોધનમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસ્ટિઓનોલોજી-ગોવાના ડો. રાજીવ નિગમ, આર. દુબે, આર. શાશ્વત, સુંદરેશ, એ.એસ. ગૌર, વી.જે. લવસન સહિતની ટીમ જોડાઈ છે, તેઓને વધુ સંશોધન માટે હાલ એ.એસ.આઈ.માંથી મંજૂરી પણ મળી ગઈ હોતાં સતત સંશોધન કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. ખરેખર માનવું પડે આજે વિશ્વમાં ટેક્નોલોજીની બાબતે ડંકો વગાડતું જાપાન ગત વર્ષે સી-વોલ બનાવી ત્સુનામીથી બચવા દીવાલનું રક્ષણ લેશે, ત્યારે ભારતના લોકોએ આ વિચાર 5000 વર્ષ પહેલાં અપનાવી ચૂક્યા હતા, તે ગર્વાન્વિત કરે તેવી બાબત છે બલૂચિસ્તાનનો મકરન ત્સુનામીનો એક્ટિવ બેલ્ટ 5000 વર્ષ પહેલાં ભારત-પાકિસ્તાન અલગ અસ્તિત્વમાં પણ ન હતા, ધોળાવીરાથી નજીક કહી શકાય એવી હાલ પાકિસ્તાનમાં આવેલો મકરન દરિયાઈ શ્રેણી ત્સુનામીનો એક્ટિવ બેલ્ટ છે, જ્યાં ભૂતકાળમાં અનેક ત્સુનામી નોંધાઇ છે, તેનો આધાર આ સંશોધનમાં લેવાયો હતો અને તેની અસર પણ અહીં નકારી શકાય નહીં. ધોળાવીરા નીચે રમતું નગર મળવાની શક્યતાઓ નદીની રેતમાં રમતું નગર મળે ના મળે પણ ધોળાવીરા નીચે નગર મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે, છેલ્લા એકાદ વર્ષથી દીવાલ અહીંના અવશેષો પર સંશોધન કરી રહેલા એન.આઈ.ઓ હવે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર (જી.પી.આર)થી સર્વે કરશે, જેમાં નીચે શું ધરબાયેલું છે, તે જાણી શકાશે. હડપ્પન ખોદકામમાં અત્યાર સુધીમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ હશે.
Commentaires