top of page

પક્ષીઓને સેવ,ગાંઠીયા ખવડાવી તમે પુણ્ય નહિ,પાપ કરી રહ્યા છો !

Writer: Ronak GajjarRonak Gajjar

‘ચાલો તળાવ કે દરિયાકિનારે જઈએ છીએ,તો પક્ષીઓ માટે ગાંઠીયા,સેવ કે બિસ્કીટ લઇ જઈએ અને તળાવમાં ફેંકી તેઓનુ પેટ ભરશું તો પુણ્યનું ભાથું ભરાશે..’, જી નહિ ! બિલકુલ આવું વિચારીને ભૂલ ન કરતા કારણ કે પક્ષીઓને તૈલી કે ગળ્યા પદાર્થો ખવડાવી તમે પુણ્ય નહી પણ પાપના ભાગીદાર બની રહ્યા છો.

જામનગરમાં ગલ (ધોમડા) પક્ષીને ગાંઠિયા ખવડાવતા 'જીવદયાપ્રેમી' / ફોટો : વિશ્વાસ ઠક્કર

જેમ અમુક ઉમર સુધી ઉછરતા આપના નાના બાળકને તમે તૈલી પદાર્થ નથી ખવડાવતા,કારણ તમે સ્પષ્ટ જાણો છો કે, બાળકની ઓજરી તેના માટે સક્ષમ નથી.તદ્દન એ રીતે જ કુદરતના ક્રમથી ટેવાયેલ પક્ષીઓની ઓજરી પણ તમારા દ્વારા પુણ્યના નામે ખવડાવાતા તૈલી કે ગળ્યા પદાર્થો માટે સક્ષમ અને પોષણક્ષમ નથી. સીધું કારણ છે કે,તળાવ કે જળરાશીમાં રહેતા બગલા,બતક,ભગતરું,વાબગલી,ધોમડા સહિતના પ્રવાસીપક્ષીઓ પાણીમાં રહેલી માછલીઓ અને જીવજંતુ આરોગી તેઓ પોષણમાટે ઉર્જા મેળવે છે,પણ જયારે આપણે ગાંઠીયા,બિસ્કીટ કે સેવ પાણીમાં ફેંકી તેઓને ખોરાક આપીએ છીએ ત્યારે,તેઓ સરળતાથી મળતા આ માનવીય ખોરાકને આરોગી લે છે. અને અદ્દલ માણસ ની જેમ જ સહેલાઇથી મળતું હોય એટલે બીજા ભોજનમાં રસ નથી લેતા અને એટલે જ ત્યારે તે માછલીઓ નથી ખાતા. આ થઇ ગઈ તમારી સેવા,આનું વિપરીત પરિણામ એ આવે છે કે,એક તો તેઓને આ પ્રકારના તૈલી અને જંફૂડમાંથી જરૂરી ઉર્જા નથી મળતી અને તેની આદતો ધીમે ધીમે બદલાઈ જાય છે. તમને કદાચ ખબર ન પણ હોય તો,તેઓ અહીંના પ્રવાસી પક્ષીઓ હોય છે,જયારે એક સ્થળેથી બીજા સ્થળે તેઓ પ્રવાસ કરતા હોય છે ત્યારે માછલીમાંથી મળતી ઉર્જા કરતા તમે આપેલા ખોરાક્ની ઉર્જાનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે. એટલે જ પોતાના પ્રવાસમાં ઘણીવખત તેઓ અધ્ધવચ્ચે મોતને ભેટે છે અને તમે પાપમાં ભાગીદાર બનો છો.સમજ્યા ? હવે બીજી મુદ્દાની વાત. સવારે મોર્નિંગ વોકમાં કે લટાર મારી જીવદયા કરવા જતા હો તો તે સમયે ગાંઠિયા કે સેવ બનાવતા રેંકડીવાળા પણ નફાનું પ્રમાણ વધારવા હલકી ગુણવતાનું તેલ વાપરે છે ,જેથી આ ખોરાક આરોગનાર પક્ષીઓની ઓજરી પર અત્યંત માઠી અસર પડે છે અને લાંબેગાળે આ પક્ષીઓનો નિત્યક્રમ અને આદતો બદલાઈ જાય છે. આની અસર આ પ્રવાસી પક્ષીઓના પ્રજનન,હોર્મોન્સ અને શરીર પર સીધી રીતે પડે છે. આ તૈલી પદાર્થો પક્ષીઓના પેટ,ઓજરી અને લીવરને ભારે નુકસાન કરી નાખે છે. એક સમય એવો આવે છે,કે આ આદતોના માઠા પરિણામથી તેઓ બીમાર પડે છે અને લાંબા ગાળે મૃત્યુને ભેટે છે.કારણ કે ૧૫-૨૦ માછલી પકડી ખાતા આ પક્ષીઓને એ નાસ્તામાંથી એક તો એટલી કેલેરીની ઉર્જા નથી મળતી,અને મળે છે એ તેમના નિત્યક્રમને અનુરૂપ અને સપ્રમાણ નથી હોતી.આપણે લોકો અર્બન બર્ડ જેવા કે કાગડો,કબુતર અને કાબરને જોઈને આ પ્રકારનો આહાર આપતા હોઈએ છે,પરંતુ અહી એ નોંધનીય છે કે આ રોજબરોજ શહેરમાં રહેતા પક્ષીઓને આ તૈલી પદાર્થોની આદત હોય છે,જે પ્રવાસી પક્ષીઓને હોતી નથી.

પક્ષીને બીમાર પાડવાની 'લાલચ' આપતા માનવી / ફોટો : વિશ્વાસ ઠક્કર

હવે કરીએ કાયદાની વાત,વન્યજીવોને ખોરાક ખવડાવવો તે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ-1972,સેક્શન-2 હેઠળ ગુન્હાહિત કૃત્ય છે. આ કૃત્ય વન્યજીવના શિકાર સમકક્ષ ગણાવાયું છે.આ અંગે સ્થાનિક વનવિભાગ આવા લોકો સામે ગુન્હો પણ નોંધી શકે છે. અંતમાં એટલું જ કે, આપણે માનવીઓ ૮૦-૯૦ કિલોનું વજન ધરાવતા ખુદના શરીર માટે પણ એ.સી.ડી.ટી,મેદસ્વીતા અને કોલેસ્ટ્રોલના નામે જો તૈલી પદાર્થ ખાવાનું ટાળતા હોઈએ તો આ જાણ્યા બાદ પણ કુદરતના અનમોલ જીવ એવા રૂપકડા પક્ષીઓના જીવ બચાવી ન શકીએ તો કાંઈજ નહિ પણ,જાણ્યે-અજાણ્યે તેમને લાંબા ગાળે પેટમાં તેલ રેડી યમના દ્વારે જતા તો રોકવા જ રહ્યા !


(આ આર્ટિકલ પ્રથમ વખત 2015માં મેં લખ્યો ત્યારે દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થયો,એ સમયે ખૂબ વાયરલ થયો હતો.કેટલીય વેબસાઈટ દ્વારા લખાયો અને પોસ્ટર પણ બન્યા હતા. આજે ફરીથી નવા રંગરૂપમાં લખી ખૂબ આનંદ થયો છે.)

 
 
 

Opmerkingen

Opmerkingen zijn niet geladen
Het lijkt erop dat er een technisch probleem is opgetreden. Probeer nogmaals verbinding te maken of de pagina te vernieuwen.
  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page