સામાન્ય જીવનમાં પાણી ભરવા જવાનું નામ આવે એટલે બેડલું લઈને જતી માં કે,આધુનિક જમાનામાં નળમાંથી પાણી ભરતી મધરની છબી નજર સામે ઉપસી આવે પણ,આજે એક એવા પક્ષીની વાત કરવી છે,જે પ્રજાતિમાં માં હેરાન ન થાય એટલે બાપ સંતાનો માટે પાણી ભરવા જાય છે. વાત છે સેન્ડગ્રાઉસ એટલે ગુજરાતીમાં બટાવડાથી ઓળખાતા પક્ષીની.
કબૂતર જેવું માથું ધરાવતા અને ખડતલ બાંધાના પંદર ઇંચના આ રેતાળ ભૂમિના પક્ષીના નરમાં માતૃત્વનો દરિયો છલાછલ હોય છે. આ પ્રજાતિમાં માદા કરતા નર પક્ષીના પીંછાઓ વધુ મજબૂત અને ચમચી આકારના હોય છે. નર બટાવડો પોતાના બચ્ચાઓની તરસ છીપાવવા ઉડી નજદીકના જળાશય કે પાણીના સ્ત્રોત પાસે જાય છે,જ્યાં આસપાસ શિકારી પક્ષી કે માનવ શિકારીથી બચીને ખુદ પોતાની તરસ છિપાવે છે,ત્યારબાદ પંદરેક મિનિટ સુધી તે છાતી પાણીમાં ડુબાડી ને શરીરને હલાવ્યા રાખે છે. આમ કરવાથી તેના ખાસ પ્રકારના પીંછામાં 15 થી 20 મીલીલીટર જેટલા પાણીનો સંગ્રહ થાય છે જે ઉચકી તે પોતાના માળામાં જાય છે અને અને સ્તનપાન માફક પાણી પીવડાવી સંતાનોની તરસ છિપાવે છે.

બાળકને પાણી પીવડાવતું બટાવાળો પક્ષી / ફોટો : ગૂગલ
બટાવડા પક્ષી સામાન્યતઃ બીજ આરોગનાર જીવ છે, સમૂહભોજન અને સમૂહમાં પાણી પીવામાં માનનારી આ પ્રજાતિ હમેંશા 20 થી લઇ 100 જેટલી સંખ્યામાં સાથે વિચરતી જોવા મળે છે.જેના પાછળ તર્ક એવો છે કે,જયારે તે સમૂહમાં પાણી પિતા હોય ત્યારે શિકારી પક્ષી દ્વારા તેના પર હુમલાની શક્યતાઓ અનેકગણી વધુ હોય છે.જેથી તેઓ અમુક સંખ્યામાં આ ક્રિયા કરે છે, એવાકમાં જો શિકારી પક્ષી એકાદને ટાર્ગેટ કરે તે પહેલા જ તેઓ ઉડી જાય છે.
કચ્છમાં સ્પોટેડ સેન્ડગ્રાઉસ એટલે કચ્છી બટાવડો,પેઇન્ટેડ સેન્ડગ્રાઉસ એટલે રંગીન બટાવડો અને ચેસ્ટ નટ બેલિડ એટલે દેશી બટાવડો પ્રજાતિઓ નિવાસ કરી રહી છે,
માનવજીવનમાં જેમ સંતાનના સંવર્ધનમાં પિતાનો અમુલ્યફાળો હોય છે તે પ્રથા કદાચ આ રૂપકડા જીવમાંથી આવી હોય તો નવાઈ નહિ.આજના હાઈટેક સંતાન બે મિનિટ વર્ચ્યુઅલ દુનિયાથી 'ઑફલાઇન' થઇ માં બાપ ને કે માનવીય દ્રષ્ટિએ લોકોને હાથેથી પાણી નો ગ્લાસ આપવાને કષ્ટ માને છે, ત્યારે કેટલાય કિલોમીટર સુધી પોતાની કૂખમાં પાણી લઇ સંતાનોની તરસ છીપવાતાં બટાવડા પાસેથી ઘણું શીખવાની જરૂર છે
Comentarios