દેશભરમાં પહેલીવાર કુંજ પ્રજાતિના પક્ષી ડેમોસાઇલ ક્રેન એટલે કે કરકરાને કચ્છમાં ટેગ કરાયું છે,જે જીપીએસ,જીએસએમ મોડ્યુલથી તેના સ્થળાંતરણ,ઉડ્ડયન અને ઋતુ મુજબ વિવિધ દેશોમાં રોકાણ સહિતનો ડેટા મોકલતો રહેશે.
ભચાઉ તાલુકાના ખારોઇમાં આ પક્ષીને ટેગ કરાતા તેને 'ખારોઈ' નામ અપાયું છે.આ કરકરો જ્યાં પણ જશે તે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) અને ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ (જીએસએમ) થી ઇનબિલ્ટ મિકેનિઝમ અને મોબાઈલ નેટવર્ક વડે સતત કંટ્રોલ સેન્ટરને ડેટા મોકલાયા કરશે.કરકારના પગમાં આ ટ્રાન્સમીટર પહેરાવી દેવાયું છે,જેથી તેની ઈકોલોજી અને હલનચલન પર અમારી સતત નજર રહેશે તેમ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના રિસર્ચર ફેલો હરીન્દ્ર બારૈયાએ જણાવ્યું હતું. દેહરાદૂન સ્થિત ભારત સરકારની WIIના વૈજ્ઞાનિક અને ટેગ માટે નિષ્ણાત આર.સુરેશકુમાર અને ટીમ દ્વારા સફળતા પૂર્વક ટેગિંગ કરવામાં આવ્યું હતું.આ દરમ્યાન ભચાઉ રેન્જના આર.એફ.ઓ વિક્રાંતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો. આ ડેમોસાઇલ ક્રેન ટેગ થતા હવે ક્યાંથી ક્યાં જાય છે ?, કેટલો સમય રહે છે ? કેટલો સમય ઉડે છે ?.આ સાથે તેના પ્રજનન સ્થળ રશિયા-મોંગોલિયાથી ભારત ખાસ કરીને ગુજરાત અને કચ્છના શિયાળુ પ્રવાસનો મહત્વનો ડેટા પહેલી વાર વૈજ્ઞાનિક રીતે મળી રહેશે અને વનવિભાગ અને વૈજ્ઞાનિકોને ભવિષ્યના સંશોધનમાં મદદ કરશે.આ ટ્રાન્સમીટરનો વજન માત્ર 30 ગ્રામ છે.અત્રે નોંધનીય છે કે,આ અગાઉ રશિયા અને મોંગોલિયા આ પક્ષીને ટેગ કરી ચુક્યા છે,ત્યારે ભારતમાં આ પક્ષી પ્રથમવાર કચ્છમાં ટેગ થતા આવતા વર્ષ સુધી મહત્વનો ડેટા સામે આવશે.

Comentarios