top of page

ઘોરખોદિયું વાઇલ્ડલાઇફનું સિંઘમ,સિંહથી લડી બેસે પણ મધ જોઈને લળી પડે છે

Writer: Ronak GajjarRonak Gajjar

વિશ્વનું સૌથી નીડર પ્રાણી કયું?. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના વર્ષ 2002ના ઇસ્યુમાં હની બેજર ગુજરાતીમાં ઘોરખોદિયાથી ઓળખાતા વન્યજીવને પ્રાણીજગતમાં મોસ્ટ ફીયરલેસ એનિમલ,એટલે કે અત્યંત નીડર પ્રાણીનો ખિતાબ મળ્યો છે. ગુજરાતમાં ઘોરખોદિયું અને કચ્છમાં ગુરનારના નામથી આ પ્રાણી ઓળખાય છે,રાજા જેવી ચાલ અને ગમે ત્યાં લડી લેવાની આદત તેને વિશ્વનું મોસ્ટ ફીયરલેસ એનિમલ સાબિત કરે છે. એનો ભેટો થવો તો ઠીક તમને જોવા મળી જાય તોય તમે નસીબદાર એટલું તો એ સિક્રેટ જીવવાવાળું પ્રાણી છે.મોટાભાગે માણસોથી દૂર રહેનારો ચપળ અને શરમાળ વન્યજીવ છે.

ઘોરખોદિયાની દમદાર દુર્લભ અદા / ફોટો : વિકી ચૌહાણ

રીંછ જેવો દેખાવ,તિક્ષ્ણ નહોર અને મજબુત દાંત,શરીરનો ઉપલો અડધો ભાગ સફેદ-રાખોડી અને નીચેનો અડધો ભાગ કાળો હોય છે.તેને બાહ્ય કાન નથી હોતા પણ રાજાશાહી પણ એટલું કે કોઈ સ્પાય એજન્ટને ટક્કર મારે અને બને એટલું દૂર જ રહે છે.ઘોરખોદિયાના શરીર પરના વાળ જાડા અને બરછટ હોય છે, તેની ત્વચા એટલી જાડી હોય છે કે તે મધમાખીના ડંખ, થોરના કાંટા હોય કે કૂતરાનું બટકું તેને અસર કરી શકતા નથી .તમને નવાઈ લાગશે કે પફ એડર્સ,માંબા અને કોબ્રા જેવા વિશ્વના સૌથી ભયંકર સાપના કરડવાથી પણ તેને કાંઈજ ફરક પડતો નથી,પણ સામેથી તેનો તે ખુશીથી શિકાર કરે છે,મારી નાખે છે અને ખાઈ લે છે. એનું કારણ એ નથી કે તેને ઝેરની અસર નથી થતી,પરંતુ તેની ચામડી એટલી જાડી અને અઘરી હોય છે કે મોટાભાગના મધમાખીના ડંખ હોય કે સાપના ઝેરી દાંત તે ચામડીમાં છિદ્ર પણ નથી કરી શકતા !


સમય આવ્યે જંગલનો રાજા સિંહ હોય કે દીપડા સામે પણ લડી લેવામાં માનતું ઘોરખોદિયું મિષ્ટાન્નનું શોખીન છે,મધ જોઈને તે લળી પડે છે. મધપૂડો ગમે એટલો અંદર હોય કે વિચિત્ર જગ્યાએ ઘોરખોદિયું તો પૂડાનો સ્વાદ ચાખીને જ રહે છે. ઈનફેક્ટ તેને મધ અત્યંત પ્રિય છે એટલે જ તેનું નામ 'હની બેજર' પડ્યું છે.આપણે ત્યાં તો નથી પણ આફ્રિકામાં હનીગાઈડ નામનું પક્ષી જોવા મળે છે અને તે ઘોરખોદિયા માટે ખરેખર ભોમીયાનું જ કામ કરે છે. ઘોરખોદિયાને તે મધપૂડા સુધી લઇ જાય છે અને જયારે ઘોરખોદિયું મધ અને મધપૂડો બંને ખાઈ જાય ત્યારે થોડું કમિશન પેટે મધ હનીગાઈડને પણ મળે છે,તમે શું માનતા હતા કે ભોમિયા બનતા માત્ર માનવીઓને જ આવડે છે એમ ?. વિધિની વક્રતા એ છે કે,ભારતમાં માત્ર ઉત્તરાખંડમાં યેલો રમ્પ્ડ હનીગાઈડ પક્ષી તો જોવા મળે છે,પણ ત્યાં ઘોરખોદિયા નથી વસતા !


વૈશ્વિક દ્રષ્ટિએ ઘોરખોદિયા આફ્રિકા,મધ્ય પૂર્વથી દક્ષિણ રશિયા,પૂર્વ તરફ ભારત અને નેપાળ સુધી વિસ્તરેલા છે. ગુજરાતમાં ખાસ કરીને કચ્છ,ગીર જંગલ,બનાસકાંઠા,સુરેન્દ્રનગર અને છૂટાછવાયા રાજ્યભરમાં જોવા મળે છે.આપણા ત્યાં સુતેલા બાળક કે માણસને પકડી ઉપાડી જાય છે એવી ગેરમાન્યતા આ જંગલી પ્રાણી વિષે બંધાયેલી છે, જો કે આવો કિસ્સો ક્યારેય પ્રકાશમાં આવ્યો નથી. ગુરનાર લગભગ 12 કિ.ગ્રા વજન સાથે 14 ઈંચની ઉંચાઈ અને બે થી અઢી ફૂટની લંબાઈ ધરાવતો જીવ છે.તર્કની દ્રષ્ટીએ જોઈએ તો સામાન્યત: માણસ પણ પોતાની કુલ વજન ક્ષમતા જેટલું વજન ન ઊંચકી શકે,તો ઘોરખોદીયું માણસને ઉપાડી જાય ? આ બાબત ખિસકોલી તડબુચ ઉપાડી જાય તેવી હાસ્યાસ્પદ છે.


ઘોરખોદિયા પર નજીકથી અભ્યાસ કરનારા વિકી ચૌહાણ જણાવે છે કે,આ પ્રાણીની એક વિશેષતા પણ છે. સામાન્યતઃ તે જોડીમાં જ જોવા મળે છે. નર અને માદા કદી અલગ નથી પડતા અને ક્વચિત માદા મૃત્યુ પામી હોય તો નર ઘોરખોદિયું એકલું જીવી લે છે પણ અન્ય માદા સાથે નથી ફરતું ! આ ખુમારી છે પ્રાણીજગતના પ્રેમની. કારણ કે 20-25 વર્ષ સુધીની આ પ્રાણીની લાંબી આવરદા પણ હોય છે.


જંગલમાં નીરવ શાંતિમાં મધરાત્રે તરસ છિપાવતું ઘોરખોદિયું / કેમેરા ટ્રેપ ઇમેજ : વિકી ચૌહાણ


ઘોરખોદીયું બે પગે ઉભું રહી શકે છે,મહત્તમ કિસ્સામાં તે મડદાનું જાનવર છે.આ બાબતમાં રાજ્યમાં સિંહ સામે પણ 14 ઇંચના જાનવરે બાથ ભીડી હોવાના કિસ્સા છે.કારણ કે,તે સૌથી જલ્દી ઉશ્કેરાઈ જતું હોવાનું માનવામાં આવે છે. સ્વબચાવ માટે ઘણીવાર માનવી પણ અન્ય પર જીવલેણ હુમલો કરતા અચકાતો નથી,ત્યારે ગમે તેમ તોય ઘોરખોદીયું એક વન્યજીવ છે.આપણને સ્વબચાવની પડી હોય તો,તેને નહિ?. ઘોરખોદિયું સામાન્યત: શિકાર ઓછો કરે છે,મડદા ખાવાનું વધુ પસંદ કરે છે.અદલ ગીધની જેમ તે પણ કુદરતનું સફાઈ કામદાર કહી શકાય. નિશાચર પ્રાણીને ઘણી વખત લોકોએ મડદા પર હાથ અજમાવતા જોઈ તે મડદા ખોદીને કાઢે છે તેમ માની લેતા હોય છે.અને અફવાઓને ક્યાં પગ હોય છે ?.આ જીવ અનોખો છે,અલબેલો છે અને મસ્તરામ છે.


રાજ્યભરમાં ગુરનાર પર સંશોધન કરનાર યોગેન્દ્ર શાહએ જણાવ્યું કે તે એટલું શરમાળ છે કે,જ્યાં નિવાસ કરે છે તે દરમાં એકવાર પણ માણસ પગરવ કરી આવે તો તે તરંત પોતાનો નિવાસ બદલી નાખે છે. શાહી સ્વભાવનું હોવાથી તે બનતાજોગ માણસો સામે આવવાનું પસંદ નથી કરતુ,કારણ કે તે સુગંધથી પારખી હમેંશા દુર જ રહે છે.


ઘોરખોદીયું ખેડૂતોનો મિત્ર પણ મનાય છે,કારણ કે ચોમાસામાં દેડકા અને ઉનાળામાં અને શિયાળામાં પાકને નુકસાન કરતા ઉંદરને શોધી મારી ખાય છે.આ ઉપરાંત ખેતર અને વાડીમાં વીંછી અને સાપને પણ એ ખાઈ જાય છે એટલે કુદરતની કડી જળવાઈ રહે છે અને માણસોની સુરક્ષા પણ રહે છે.


ઘોરખોદિયું દુર્લભ હોવાથી વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એકટ હેઠળ અનુસૂચી-1 માં મુકાયેલ છે.તેને રંજાડવા કે નુકસાન કરવા પર કાયદેસર 7 વર્ષની કેદ અને 25000/- નો રોકડ દંડ કરવાની જોગવાઈ છે,જે ગુન્હો બિન જામીનપાત્ર છે.કચ્છમાં અંજાર તાલુકાના મથડા ગામમાં વર્ષ 2018માં તેને ટૂંપો દઈને મારી નાખવામાં આવ્યું હતું,જેના આરોપીને જેલ થઇ હતી.તો બીજીતરફ અબડાસાના બીટીયારી ગામમાં આ પ્રાણીને બાંધીને રંજાડવામાં આવ્યું હતું,તેમાં પણ આરોપીઓને જેલ સહિતની કડક સજા થઇ હતી.આ બંને તાજા કિસ્સા એ બાબતના સાક્ષી છે કે ઘોરખોદિયાને દુઃખી કર્યા બાદ આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવી ચૂક્યો હતો.


વન્યજીવોને બચાવવા આપણી નૈતિક ફરજ છે,તેઓ કુદરતની કડી છે,નહિ કે માનવજાતના દુશ્મન !


 
 
 

Comments


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page