top of page

દુશ્મનોને પોતાના ધારદાર કાંટાથી પરાસ્ત કરતી શાહુડી

Writer: Ronak GajjarRonak Gajjar

શાહુડીના પીંછા એટલે કે કાંટા એને જોઈને જંગલનો રાજા સિંહ હોય કે દીપડો એકચોટ તેમને ય પસીનો છૂટવાનો શરૂ થઇ જાય છે. કારણ કે આ બાણમાંથી તિર છૂટે તેમ એક પછી એક કાંટા છોડવા માંડે છે,જયારે તેને ભય લાગતો હોય !


અત્રે એક ખાસ વાત નોંધનીય છે કે,શાહુડીના કાંટા શિકારી કે શાહુડીના વિરોધી માટે માત્ર અવરોધક હથિયાર છે,અને તે માત્ર તેને ઉશ્કેરવામાં આવે ત્યારે હુમલો કરે છે.બાકી સામાન્ય માણસ કે ખેડૂત માટે જરાય નુકસાનકારક નથી.

કચ્છના સૌથી ઊંચા સ્થાન કાળાડુંગર પર શાહુડી / ફોટો : રોનક ગજ્જર

શાહુડી એક એવું પ્રાણી છે,જેના પીંછા જ તેનું રક્ષાકવચ છે. વાડી અને ખેતરમાં શેઢા પર જોવા મળતી હોતા ગુજરાતમાં તે શેઢાળીના નામથી પણ ઓળખાય છે.આ પ્રાણીની લંબાઈ 70-90 સે.મી હોય છે. તેનું શરીર 11-18 કિલો સુધીનું વજન ધરાવે છે.તેનું આયુષ્ય 20 વર્ષની આસપાસનું હોય છે. દેખાવે તે કાળા રંગની હોય છે,મોઢાની આસપાસ મૂંછ જેવા ઊંચા વાળ હોય છે. અને એ કહેવાની જરૂર નથી જ કે શરીર પર સજ્જ અણીદાર કાંટાથી તે તરત ઓળખાઈ જાય છે.તેના શરીર પર જૂના કાંટા નીકળીને નવા કાંટા આવતા રહેતા હોય છે.


શાહુડી જયારે ગુસ્સે અથવા નારાજ થાય છે, ત્યારે તેના કાંટાળ પીંછા કંપન કરે છે,જોરદાર ખડખડાટનો અવાજ ઉત્સર્જન કરે છે, જે હુમલો કરતા પહેલા ચેતવણી હોય છે. શાહુડીના આ શૂળ જેવા ભોંકાતા કાંટા પ્રાણી હોય કે માણસ તેને લોહીલુહાણ કરી નાખે છે. વાઘ અને દીપડાને પણ નુકસાન પહોંચાડ્યા હોવાના તેના દાખલા છે.


ફેબ્રુઆરી-માર્ચમાં સંવનન કરતા આ વન્યજીવનો ગર્ભકાળ 4 મહિનાનો હોય છે,ત્યારબાદ તે 2 થી લઈને 4 બચ્ચાને જન્મ આપે છે.નવજાત બચ્ચા જન્મતાવેંત ખુલ્લી આંખ સાથે અને ટૂંકા અને નરમ કાંટાળા પીંછા સાથે જોવા મળે છે. બચ્ચાના પીંછાં જન્મ્યા પછીના પ્રથમ થોડા કલાકો દરમિયાન મજબૂત બનવાના શરૂ થાય છે. શાહુડીના બચ્ચા દોઢથી બે વર્ષ સુધી જાતીય પરિપક્વતા ન મેળવે ત્યાં સુધી બખોલમાં જ રહે છે.આ સમયે બંને માતાપિતા તેની સંભાળ રાખે છે. ખોરાકની બાબતમાં શાકાહારી શાહુડી મુખ્યત્વે ફળો,અનાજ,ઝાડના મૂળ અને અન્ય વનસ્પતિ આરોગતી હોય છે. ઘણી વખત તેઓ હાડકાઓને ચાવતા જોવા મળે છે,જેમાંથી તેને કેલ્શિયમ જેવા જરૂરી તત્વો મળી રહે છે. જે કરોડરજ્જુની વૃદ્ધિ અને મજબૂતી માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.


એશિયાઈ દેશોમાં વિસ્તૃતીકરણ સાથે 2400 મીટર સુધીની ઊંચાઈ પરના હિમાલય વિસ્તારમાં પણ તેની હાજરી નોંધાયેલી છે.ગુજરાતભરમાં તે રાત્રીના સમયે નિશાચર હોતા જોવા મળી શકે છે. દિવસ આખો આ પ્રાણી બખોલમાં રહે છે. આ પ્રજાતિમાં નિવાસસ્થાનની વ્યાપક જગ્યાઓ છે, જેમાં ડુંગર,ખડકાળ ટેકરીઓ,ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ છોડો,ઘાસના મેદાનો,જંગલો, ખેતીલાયક જમીન, વાવેતર જેવા સ્થળોએ નિવાસ કરે છે અને જમીન ખોદીને ઊંડે સુધી બખોલ બનાવે છે,બખોલની આજુબાજુમાં તેના સફેદ કાંટા હોવાથી તેનું ઘર છે તેમ અંદાજો આવી જાય છે.


કચ્છના જંગલ વિસ્તારમાં રાત્રે પાણી પીવા આવેલું શાહુડી યુગલ ટ્રેપ કેમેરામાં કેદ થયું હતું / ફોટો : ગુજરાત વનવિભાગ


નિશાચર પ્રાણી શાહુડી દિવસ દરમ્યાનનો સમય પોતાની બખોલ કે ગુફામાં પસાર કરે છે.આ પ્રાણી ભાગ્યે જ એકલું રહે છે,પરંતુ હંમેશા ખોરાકની શોધમાં એકલુ જાય છે.દરરોજ રાત્રે અંદાજિત 7 કલાક સુધી તેઓ હરફર કરી ખોરાક શોધતા હોય છે.રસપ્રદ બાબત એ પણ છે કે, શિયાળા દરમિયાન તેઓ શિકારીથી બચવા માટે ચંદ્રના પ્રકાશથી દૂર રહેવાનું વલણ ધરાવતા હોવાનો તેના પર થયેલ સંશોધનમાં ઉલ્લેખ છે. આ સમયગાળામાં બખોલથી બહારે આવતી હોતા તેને કદાચ તડકામાં બેસતા જોઇ શકાય છે.જો કે ઉનાળા દરમિયાન,શાહુડી બખોલની નજીક રહીને પોતાને સુરક્ષિત કરે છે.


શાહુડીની પ્રજાતિનું રક્ષણ કરવું તે આજના સમયમાં એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે શાકાહારી પ્રકૃતિને કારણે પોતપોતાના નિવાસસ્થાનમાં બીજ વિખેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,જે તંદુરસ્ત ઇકોસિસ્ટમ જાળવવામાં મદદ કરે છે.તે નિશાચર હોતા ખેડૂતોને હેરાન કર્યા વગર આસાનીથી આ કાર્ય કરી શકે છે. હકીકતમાં ખેડૂતો અને આસપાસના લોકો તેને કૃષિ જીવાત સમજી અથવા તો તેનું માંસ આરોગવા માટે તેનો શિકાર કરી નાખે છે.જે બહુજ ગંભીર ખતરો છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ તે અનુસૂચિ-4નું સંરક્ષિત પ્રાણી છે. તેને ઘરમાં કેદ રાખવું કે હેરાન કરીને નુકસાન પહોંચાડવું કાયદાકીય ગુન્હો બને છે. IUCN રેડલિસ્ટ મુજબ તે લિસ્ટ કન્સર્નમાં છે.કોઈ મોટા જોખમો વિનાની ખૂબ પ્રસરેલી પ્રજાતિ હોતા તેને ઓછી ચિંતામાં સામેલ પ્રજાતિ મૂલ્યાંકન કરવામાં આવે છે.જો કે વૈશ્વિકસ્તરે કે રાષ્ટ્રીયસ્તરે તેની વસ્તીના ચોક્કસ આંકડા પણ નથી.

 
 
 

Comentarios


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page