લોમડી અંગ્રેજીમાં ઇન્ડિયન ફોક્સ અથવા બંગાળ ફોક્સના નામે ઓળખાય છે.તેનું વૈજ્ઞાનિક નામ (Vulpes bengalensis) છે.સામાન્યતઃ બાળવાર્તાઓ અને કહેવતોમાં તે ચાલાકના નામે ઓળખાય છે,એના ઘણા બધા કારણો છે. લોમડી સાંભળવામાં ચપળ હોય છે,માનવી નજીક હોવાની ગંધ આવતા જ દૂર ભાગી જાય છે. શિકાર શોધવાથી લઈને બચ્ચા સાચવવાની બાબતમાં અન્ય કરતા તે ઘણું જ સ્માર્ટ પ્રાણી છે.

કચ્છના મોટા રણમાં જોવા મળેલી લોમડીની તસ્વીર / ફોટો : રોનક ગજજર
લોમડીની લાક્ષણિકતાઓની વાત કરીયે તો તેનો જીવન ગાળો 10 વર્ષનો હોય છે. તેનું વજન 2.5-3 કિલોગ્રામ સુધીનું જ હોય છે.તેની લંબાઈ દોઢ ફૂટ જેટલી હોય છે.તેના કાન એકદમ ચપળતા પૂર્વક ઊંચા જ રહેતા હોય છે. તેના શરીર સમકક્ષ તેની પૂંછ પણ લાંબી અને ભરાવદાર રુવાંટી વાળી હોય છે.પૂંછડીના છેડે કાળો ભાગ તેને રણ લોમડી એટલે કે ડેસર્ટ ફોક્સથી અલગ કરે છે.
લોમડી સાંજ પહેલા સૌથી વધુ સક્રિય હોય છે.કેટલીક વાર તે સૂર્યોદય અથવા સૂર્યાસ્તની આજુબાજુના અનુકૂળ સ્થળોએ બેસતી જોવા મળે છે. દિવસની ગરમી દરમિયાન,તે વનસ્પતિની નીચે અથવા બખોલમાં રહે છે.આ બખોલમાં અન્ય પોલાણ અને નીકળવાના માર્ગો પણ હોય છે,જે તેની ચાલાકી સાબિત કરે છે. લોમડી જોડીમાં રહે છે,પરંતુ સામાન્ય કિસ્સાઓમાં તેઓ એકલા શિકાર કરે છે. તેની સામાજિક વ્યવસ્થામાં ડોકિયું કરીએ તો સંવર્ધન જોડી સાથે રહેતી હોય છે,પરંતુ બચ્ચા મોટા થાય ત્યારે મોટા જૂથો રચાય છે પણ મજાની વાત એ છે કે,બચ્ચા જ્યાં જન્મ્યા હતા ત્યાં જ રહે છે. આધિપત્ય વિસ્તારમાં પ્રદેશોમાં એક બખોલ અથવા એક કરતા વધુ બખોલ આ લોમડીઓ ઉપયોગમાં લે છે.બખોલનો ફરીથી ઉપયોગ કરવામાં તે માને છે,જરૂર પડ્યે અને સમય જતાં તે મોટી કરી નાખે છે.લોમડીઓ પોતાનો આધિપત્ય વિસ્તાર દર્શાવવા તેઓ લિસોટા પાડીને માર્કિંગ કરે છે,કેટલાક કિસ્સાઓમાં ચોક્કસ ગંધથી પણ આ ટેરેટરી માર્ક ઓળખાય છે. ખાવાની બાબતમાં લોમડીઓ ફ્લેક્સિબલ છે, કહેવાય છે તે સર્વભક્ષી છે. મુખ્યત્વે પક્ષીઓ, ઉંદરો, સરિસૃપ, ઇંડા, જંતુઓ ખાઈ જતી હોય છે,પણ દુકાળમાં ભૂખ્યા રહે એ બીજા,તે ફળને પણ આરોગી લે છે.
લોમડીઓ એકવ્રતિ હોય છે,નર અને માદાની સફળ જોડી તેમના જીવનકાળ સુધી ટકી શકે છે.લોમડીનો સંવનનકાળ ડિસેમ્બરથી જાન્યુઆરીનો છે. નવી બખોલ ખોદે અથવા જૂનીમાં ખોદકામ કરે એટલે એ સંવનન બાબતની નિશાની છે. લોમડીના બચ્ચાનો જન્મ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન થતો હોય છે. માદાનો સગર્ભાવસ્થાનો સમયગાળો 50-60 દિવસનો હોય છે, અને 3 થી 6 બચ્ચાને જન્મ આપે છે.માં-બાપ બેય બચ્ચાને ઉછેરવામાં હાથમાં હાથ મિલાવી કામ કરે છે અને એક મહિનાની ઉંમરે તેને એકલા છોડવામાં આવે છે.

રણમાં પાછું ફરીને જોવાની લોમડીની લાક્ષણિક અદા / ફોટો : રોનક ગજજર
ભારતીય લોમડી ભારતીય ઉપખંડમાં સ્થાનિક વન્યજીવ છે.આ લોમડી નેપાળમાં હિમાલયની તળેટીથી લઈને ભારતીય દ્વીપકલ્પ દક્ષિણ તરફ સુધી વસવાટ કરે છે. જો કે તે પશ્ચિમ અને પૂર્વીય ઘાટમાં જોવા નથી મળતા.આ પ્રજાતિ પાકિસ્તાનના સિંધપ્રાંતથી લઈને ભારતના પૂર્વ ભાગમાં ઉત્તર બંગાળ સુધી વિસ્તૃત રીતે વસે છે. ભારતના અર્ધ-શુષ્ક ઘાસના મેદાનોમાં તેની સંખ્યા સૌથી વધુ છે.
લોમડીઓ અર્ધ-શુષ્ક, અને સપાટ ભૂપ્રદેશ,ઝાડી અને ઘાસના મેદાનોને વધુ પડતા પસંદ કરે છે,કારણ કે ત્યાં શિકાર કરવો અને બખોલને ખોદવું એકદમ સરળ હોય છે. ઓછા વરસાદના વિસ્તારોમાં લોમડીઓ પ્રમાણમાં આસાનીથી જોવા મળી જાય છે,જ્યાં વનસ્પતિ સામાન્ય રીતે ઝાડી કાંટાવાળું મેદાન હોય, કાંટાળા અથવા સુકા પાનખર જંગલો અથવા ટૂંકા ઘાસના મેદાનમાં હોય છે. તેની હોમ રેન્જનો અંદાજ આશરે 2 ચોરસ કિમી વિસ્તાર પૂરતી હોય છે.
લોમડીઓની વસ્તી પર અસર કરતા મુખ્ય બે મુખ્ય મુદ્દા છે,એક તો એના ખોરાક સમા શિકારની અપ્રાપ્યતા.કારણ કે જે રીતે દબાણો વધી રહ્યા છે,જંગલો ઘટી રહ્યા છે અને સીમાડાઓમાં પવનચક્કીઓ થપ્પા લાગી રહ્યા છે તે એક ગંભીર મુદ્દો છે. બીજી બાજુ રોગને લીધે પણ તેની વસ્તી અસર પામી શકે છે. (પશ્ચિમી ભારતમાં સ્થાનિક વસ્તીના ઘટવા પાછળના કારણોમાં હડકવા અને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નોંધાયા છે). ભારતની વાત કરવામાં આવે તો,ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં ઇન્ડિયન ફોક્સનો વસવાટ બહુ જ ઓછા જોખમો સાથે વ્યાપક રીતે વિસ્તરેલો છે. બીજી બાજુ કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં લોમડીના નિવાસો પર મોટા ખતરા ઝળૂંબી રહ્યા છે.
ગુજરાતની ખાસ વાત કરીયે તો કચ્છના નાના રણમાં તેને જોવા હજારો વાઇલ્ડલાઇફ ફોટોગાફરો ઉમટી પડે છે,તો મોટા રણમાં વિસ્તૃત વિસ્તાર અને મોનીટરીંગ અભાવે તેને શોધવી અત્યંત મુશ્કેલ છે.કારણ કે,નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બજાણા ખાતેથી વનવિભાગની મંજૂરી લીધા બાદ આપ ગાઇડને સાથે રાખીને ફોટોગ્રાફી માટે રણમાં જઈ શકો છો,અને ત્યાં કેટલાક વિસ્તારોમાં તે જોવા મળી જાય છે.
IUCN મુજબ વૈશ્વિક સ્તરે લોમડીની સંખ્યા દિન-બદીન ઘટી રહી છે. IUCN રેડલિસ્ટ સ્ટેટ્સ મુજબ તે પ્રજાતિ હાલ લિસ્ટ કન્સર્નમાં છે. ભારતીય વન્યજીવ અધિનિયમન 1972 હેઠળ શિડ્યુલ-2 નો આ સંરક્ષિત વન્યજીવ છે.
Comments