
કચ્છના નાના રણમાં વરૂની દુર્લભ ક્ષણ / ફોટો : રોનક ગજ્જર
તમે નાનપણમાં મોગલીની વાર્તાઓ સાંભળી છે કે ટીવીમાં જોઈ છે? તેમાં અકેલા નામનું એક વરૂ આવતું જેને હિન્દીમાં ભેડિયાથી સંબોધન કરતા હતા. તેમાં એક રસપ્રદ બાબત નોંધવા જેવી હતી કે,તે એક જ વરૂ કેમ બાકીના વિસ-પચ્ચીસ વરૂઓની મિટિંગ બોલાવી પોતે ઉપર બેસીને સંબોધતું ? શા માટે રાતના અંધારામાં જ તે ચંદ્ર તરફ જોઈને તે ' વૂંઉ...ઉ" ના અવાજથી બૂમ પાડતું ? આ કાલ્પનિક પાત્ર પાછળની વાસ્તવિકતા અને વરૂને લઈને ઉદ્ભવેલા જવાબ તમને આજે મળી જશે. શું કોઈ સમાજ વ્યવસ્થા એવી હોય કે જેમાં એક ટોળું હોય તો તેનો પ્રભાવી નર અને પ્રભાવી માદા જ પ્રજનન કરે અને બાકીના તેના બચ્ચાને સાચવે?. જી હા પ્રાણીજગતમાં આ વ્યવસ્થા છે અને તે પણ શિકારી પ્રાણી વરૂની ! વન્યજીવોમાં વરૂ કંઈક હટકે વન્યજીવની પ્રજાતિ છે.માણસોની જેમ વરૂની અલગ જ સમાજવ્યવસ્થા છે. વિચિત્ર એટલે છે કે સામાન્યતઃ વરૂ ટોળામાં જ ફરે છે અને શિકાર કરે છે. હવે મુદ્દાની વાત આ ટોળામાં એક આલ્ફા મેલ (પ્રભાવી નર) અને આલ્ફા ફિમેલ (પ્રભાવી માદા) હોય છે. આલ્ફા મેલ એટલે એ ટોળાનો રાજા અને ત્યારબાદ સેકન્ડ પ્લેસ આવે છે આલ્ફા ફીમેલ.આ બંનેને જ પ્રજનનની મંજૂરી હોય છે,બાકીના ટોળામાં જેટલા નર કે માદા વરૂ હોય તે પ્રજનન નથી કરી શકતા,તેઓ માત્ર આ પ્રભાવી દંપતીના બચ્ચાઓનો ઉછેર કરે છે. છે ને ગજબ? અને આ ટોળાને આલ્ફા મેલની જ બધી જ સૂચનાનું પાલન કરવું પડે છે. જો અન્ય વરૂઓ તેમ ન કરે તો તેઓ જૂથ છોડીને પોતાનો અલગ જ આધિપત્યવાળો વિસ્તાર સ્થાપિત કરી શકે છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમ કે કચ્છ,જૂનાગઢ,સુરેન્દ્રનગર,રાજકોટ,દાહોદ,ભાવનગરમાં તેની હાજરી નોંધાયેલી છે. વિશાળ ઘાસીયા મેદાન,વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય અભ્યારણ્ય અને નહિવત સંખ્યામાં કચ્છના રણ અને અર્ઘ રણ પ્રદેશમાં તે જોવા મળે છે.શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢમાં વરૂનું સંવર્ધન કેન્દ્ર છે.શરીર ઉપર લાંબા વાળ,પાતળા પગ,પીળા અને રાખોડી રંગની રૂઆંટી,ઘેરા રંગની પીઠ સાથેની રૂઆંટી, થોડુંક લાંબુ નાક આવું હોય છે વરૂ ! વરૂના મજબૂત દાંત, પીછો કરવાની ક્ષમતા અને અતિતીવ્ર સૂંઘવાની શક્તિ તેને સિંહ,દીપડા અને વાઘ ન હોય તે વિસ્તારનો શ્રેષ્ઠ શિકારી સાબિત કરે છે.

કચ્છના નાના રણમાં વરૂની લાક્ષણિક અદા / ફોટો : યોગેન્દ્ર શાહ
માણસો જ પોતાના વાડી કે ખેતર પર વટ જમાવે તેવું નથી,એક તારણ એમ પણ કહે છે કે વરૂ 50-60 કિલોમીટરના વિસ્તારમાં પોતે ટેરેટરી માર્ક (વિસ્તાર આધિપત્ય) જમાવે છે. તેનું બીજું જમા પાસું એ છે કે,તેનો સ્ટેમિના ગજબનો હોય છે. કલાકો સુધી દોડી શકે છે. અને એય 60-70 કિલોમીટર/કલાકની ઝડપે !
વરૂ અને ચંદ્રને અનેકવાર કાલ્પનિક વાર્તાઓમાં જોડવામાં આવ્યા છે.કારણ કે તે ચંદ્ર સામે જોઈને હાઉલિંગ (બૂમ કે ચિત્કાર) પાડતા હોય છે. એનો લોજીક એક એવો પણ છે કે,આ બૂમ વરૂ પોતાનો આધિપત્યવાળો વિસ્તાર છે તે જણાવવા માટે પાડે છે. બીજું કે આ પ્રાણી અત્યંત નિશાચર હોતા દિવસે જોવું દુર્લભ છે. રાત્રે જયારે જૂથમાં વરુઓ નીકળ્યા હોય તો તેઓ જંગલ કે રણમાં અલગ અલગ સ્થળે જો શિકાર કરતા હોય અને પાછા ભેગા થવું હોય તો ચંદ્ર તરફ ઊંચું મોઢું કરીને બૂમ પાડે છે અને એકબીજાના અવાજની ફ્રીક્વન્સી પરથી પાછા જૂથમાં મળતા હોય તેવો તર્ક ગળે ઉતરે એવો છે.
વરૂની લાક્ષણિકતા જોઈએ તો તે 3 ફૂટ લાબું હોય છે,પોણા બે ફૂટની રુવાંટીવાળી પૂંછડી હોય છે.2.5 ફૂટની ઊંચાઈ હોય છે. સંવનન પરિપક્વતા માદામાં એક વર્ષે અને નરમાં બે વર્ષે આવે છે.વરૂનું જીવન 10-12 વર્ષનું હોય છે.વરૂ કૂતરાની પ્રજાતિનું પ્રાણી છે,તે શિયાળ જેવું લાગે છે. 18-27 કિલો વજન ધરાવતો ધૂંઆધાર જીવ પિતૃત્વમાં એકદમ લાગણીશીલ હોય છે. માદા ગર્ભવતી હોય તો તે ગુફા નથી છોડતી ,નર વરૂ શિકાર માટે જાય તોય બાકીના જૂથના વરૂઓ અહીં સંભાળ રાખતા હોય છે.વરૂની અન્ય ખાસિયત એ છે કે,ધરતીનો ખાડો એના માટે રેફ્રિજરેટર છે. શિકાર કર્યા બાદ તે માંસને જમીનમાં છૂપાવીને રાખે છે.જરૂર પડ્યે આરોગે છે.સામાન્યતઃ ઓક્ટોબર થી લઈને નવેમ્બરમાં તે સંવનન કર્યા બાદ બે મહિના બાદ માદા 3-5 બચ્ચાઓને જન્મ આપે છે.વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ-1972 હેઠળ વરૂ અનુસૂચિ-1 નું મહત્વનું પ્રાણી છે.
કચ્છ અને અન્ય તળપદી ભાષામાં વરૂને ભગાડ,નાર સહિતના નામે ઓળખાય છે. વરૂની સંખ્યા દિન-બદીન ઘટતી રહેતી હોવાનું કારણ છે કે,પશુપાલકો તેને મારી નાખે છે.એ ડરથી કે જો ભગાડ જીવતો રહ્યો તો તેના ઘેટાં-બકરા નહિ બચે. પશુચિકિત્સા ક્ષેત્રે નિષ્ણાતોનું માનીએ તો,વરૂ સૌથી નબળા પશુ પર પહેલો હુમલો કરે છે. જેમ કે દુબળું હોય કે ચેપી હોય. આ દ્રષ્ટિએ પશુપાલકોને તે મદદરૂપ બની રહ્યું છે. આ શિકાર જો થયો હોય તો વનવિભાગ તેમાં વળતર પણ આપે જ છે.
ગુજરાતમાં તેની સંખ્યા પર મતમતાંતર છે,પણ 200 થી ઓછા હવે બચ્યા હોવાનો એક અંદાજ છે. વરૂ ટોળામાં જ શિકાર કરે આ વાત સાચી છે,પણ હવે એટલા વરૂ બચ્યા ન હોતા ગુજરાતમાં વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય અભ્યારણ્યને બાદ કરતા ક્યાંય ટોળા સિવાય જોવા મળી નથી રહ્યા. વરૂ આમતો ખેડૂતોનો ભાઈબંધ છે,ખબર છે કેમ ? કારણ કે તેનો મુખ્ય ખોરાક નીલગાય છે. નીલગાયની વસ્તી વધતી કાબૂમાં રાખવા વરૂ સચોટ જવાબ છે. હવે જેમ જેમ આપણા વિસ્તારોમાં વરૂ ઘટતા ગયા તેમ નીલગાયો ટોળામાં દેખાવવા લાગી છે.આ ઉપરાંત હરણને પણ આરોગીને તે કુદરતનું નિર્વસનતંત્રની કડી જાળવી રાખે છે.પણ હાલના તબક્કે તે પોતે જ ખતરામાં છે.

વરૂના પગમાર્કની નિશાની અને સાઈઝ / ફોટો સ્ત્રોત : કરમશી દેસાઈ
કચ્છના નાના રણમાં મેં બપોરે વાઇલ્ડલાઇફનાં પ્રવાસ દરમ્યાન આ વરૂને જોયું હતું, આલ્ફા મેલ હતો. જોરદાર પ્રભાવશાળી,એકીટશે કેમેરાના લેન્સ સામે જ નજર.તીક્ષણ અવલોકન,રુઆબદાર અદા,જાણે રણનો રાજા હોય તેવું બેફીકરું વર્તન. અહા ! આ દમદાર જીવ વિશે જે સાંભળ્યું હતું,તેનાથી અનેકગણો ચપળ અને હોશિયાર હતો. જીવનમાં ક્યારેક આવા દુર્લભ વન્યજીવો મળે તો નસીબવાળા નહીંતર ગૂગલ ઇમેજ તો છે જ !
बेहद उम्दा काम है आप का भाई, आप अपनी कलम के माध्यम से हमेशा लोक जागृति का काम करे ते रहे जय माताजी