આજે વિશ્વ આખુંય માતૃત્વ દિવસ ઉજવી રહ્યું છે.ત્યારે આજે વાત કરશું માતાનો કિરદાર નિભાવાવતા પિતાની. માનવજીવનમાં પિતાનું એક અનેરું મહત્વ હોય છે, સામાન્યતઃ જોવા જઇયે તો ઘર બહારનું કામ એટલે પિતાની જવાબદારી હોય છે.બાળકોના જન્મથી લઇ ઉછેરની પ્રત્યક્ષ જવાબદારી માં નિભાવતી હોય છે. વન્યજીવોમાં આજે અમુક એવી પ્રજાતિઓની વાત કરશું જેમાં પિતા એ જ એમના બચ્ચાઓ માટે ખરા અર્થમાં માં હોય છે. ફિસન્ટ ટેઇલ્ડ જસાના એટલે શ્વેત પાંખ જલમાંજર અથવા કથ્થાઈ જલમાંજર નામના પાણીમાં રહેતા પક્ષીની પ્રજાતિનો અનેરો રિવાજ છે, તેની માદા વર્ષમાં અનેક નર પક્ષી સાથે પ્રજનન કરે છે. જયારે તે પ્રજનન બાદ ઈંડા મૂકે ત્યારે,જે તે નર પાસે તે ઈંડા મૂકી બીજા નર સાથીની તલાશમાં નીકળી પડે છે.

શ્વેત પાંખ જલમાંજર પક્ષીની ઉડાન / રોનક ગજજર
આપેલા ઈંડાને નર એક માતાની માફક સેવે છે.પોતાના પાંખ નીચે જાળવી સાચવે છે,જયારે પણ આ નર ખોરાકની તલાશ કે શિકારી પક્ષીથી બચવા ઉડે ત્યારે બચ્ચાને પોતાની અંદર સમાવી સાથે ઉડાડી લઇ જાય છે.
આવો જ કિસ્સો ગ્રેટર પેઇન્ટેડ સ્નાઇપ એટલે પાનલવા પક્ષીમાં જોવા મળે છે,પાનલવાની માદા પણ એક કરતા વધુ નર પક્ષી સાથે પ્રજનન કરતી હોવાથી ઈંડા સેવી બચ્ચાને ઉછેરી મોટા કરવાની જવાબદારી એક પિતા તરીકે નર પક્ષીની આવે છે.અને પોતાની પાંખમાં છુપાવી તે મોટા થાય ત્યાં સુધી બાળકોને દુશ્મનોથી રક્ષણ આપતું હોય છે.
કુંજની પ્રજાતિના સારસ પક્ષીમાં પણ આ ગુણ આબેહૂબ જોવા મળે છે,નર પક્ષી પોતાના જીવને જોખમે તેના બાળકોનું રક્ષણ કરતા હોય છે.સામાન્યતઃ ખુલ્લા વિસ્તાર કે ઘાસ વચ્ચે જયારે કુતરા કે અન્ય શિકારીઓ તેમના પર હુમલાની કોશિશ કરે ત્યારે તેઓ નીચી ઉડાન ભરી શિકારીને તેમની તરફ ખેંચી જાય છે,જેથી તેમના બાળ સલામત રહે.
વહુઘેલાથી ઓળખાતું ચિલોત્રો પક્ષી /GettyImages
ઘણા પુરુષોને વહુઘેલાનું બહુમાન મળતું હોય છે,પણ રખે ભૂલતા પક્ષીઓમાં પણ એક વહુઘેલો જીવ જીવે છે,જી હા ! ચિલોત્રો એટલે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ નામનું પક્ષી પોતાની સગર્ભા પત્નીની એટલી સંભાળ રાખે છે કે,આજે તેને વહુઘેલું થી ઓળખાય છે.જયારે માદા સગર્ભા હોય ત્યારે તે ઝાડની બખોલમાં બેસી જ રહે છે,આ સમય ગાળા દરમિયાન નરપક્ષી તેને હૂંફ અને સારસંભાળ આપે છે.આ દરમિયાન તેઓ બખોલને માટીથી પુરી માત્ર ચાંચ બહાર નીકળે એટલી જ જગ્યા ખુલ્લી રાખે છે,આ જગ્યામાંથી નર પક્ષી માદાને તથા કાળક્રમે બચ્ચાઓને ખવડાવે છે. ગુજરાતના ગૌરવસમા સાવજની વાત કરીયે તો સિંહ પણ એક પિતાનો કિરદાર હૂબહૂ નિભાવે છે,સિંહોમાં એક વિસ્તાર નિયત હોય છે જ્યાં એક નર બીજા નરને પ્રવેશવા દેતો નથી. ઘણીવાર બીજા વિસ્તારનો નર આવી એકમેકના બચ્ચાને મારી નાખવાની ફિરાકમાં હોય છે,ત્યારે સંતાનોના રક્ષણ માટે જીવલેણ લડાઈઓ પણ થઇ જતી હોય છે.
આ વાત થઇ આપણા ગુજરાત જોવા મળતા પક્ષીઓની પિતૃત્વની એક નજર કરીએ વૈશ્વિક સ્તરે જવલ્લે જ જોવા મળતી ઘટનાની તો,યેલો હેડેડ જો ફિશ એ માછલીની એવી પ્રજાતિ છે,જે કેરેબિયન સમુદ્રમાં જોવા મળે છે.સંવનન બાદ નર માછલી અસંખ્ય ઈંડાને પોતાના મોઢામાં લઇ રક્ષિત કરે છે.જ્યાં સુધી તેમનો ઉછેર નથી થઇ જતો,આ સમયગાળા દરમ્યાન તે પિતા ખુદ કાંઈજ ખાતો પણ નથી.
મિડવાઈફ ટોડ નર દેડકો ઈંડાને પોતાની પીઠ પર લઈ જાય છે / GettyImages
યુરોપમાં જોવા મળતા મિડવાઈફ ટોડ નામના દેડકાની પ્રજાતિ માં છે,આપણે ત્યાં બાળઉછેરમાં મદદ કરનારને દાયણ કહેવાય છે.તેમ અંગ્રેજીમાં પિતૃત્વનાં આ વર્તણૂકથી જ તેનું નામ 'મિડવાઈફ' અપાયું છે.જેમાં નર દેડકો કેટલાય ઈંડાને પોતાની પીઠ પર લઇ સેવન સુધી સાચવે છે અને જયારે શિકારી આવે ત્યારે પોતાની પીઠના મસામાં રહેલ મજબૂત ગંધ વરુ ઝેર છોડી રક્ષણ કરે છે,અને એક પિતાની જવાબદારી આબેહૂબ નિભાવે છે. ખરેખર માનવીય જીવનમાં જેટલું મહત્વ એક પિતા પોતાના બાળકને આપે છે,તેનાથી કેટલુંય વધુ સંવેદનાની પેલે પાર જીવતા વન્યજીવો પણ આપે છે. આવા કેટલાય વન્યજીવ છે જે આજેય બાપ હોવા છતાંય માં છે.
留言