કોઈપણ સેટેલાઇટ એકદમ સચોટ વિગત અને ડેટા આપી શકે તે માટે સમયાંતરે તેનું કેલિબ્રેશન અને વેલિડેશન કરવામા આવે છે,આ પ્રોજેક્ટ અંતર્ગત પૃથ્વી વિજ્ઞાન વિભાગ હેઠળ ઈસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ઇન્સેટ-3D સેટેલાઈટનું કેલિબ્રેશન જૈસલમેરને બાદ કરતા માત્ર કચ્છના ખાવડા નજીકના રણમાં કરવામાં આવે છે.
કચ્છના મોટા રણમાં તાજેતરમાં વૈજ્ઞાનિકોએ આ પ્રોજેક્ટ અંતર્ગત સેટેલાઈટનું કેલિબ્રેશન અને વેલિડેશન કર્યું હતું. જેને કેલ/વેલ પ્રોસેસ કહેવાય છે.આ પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ ઉપરથી જયારે અવકાશમાં સેટેલાઇટ પસાર થાય અને પૃથ્વી પરનો ડેટા એકત્રિત કરતો હોય તે સમયે તે સ્થળ પર વૈજ્ઞાનિકો હકીકતનું તાપમાન,વનસ્પતિઓ,ભેજ,પાણી,આબોહવા અને પ્રત્યક્ષ સ્થિતિના ડેટા એકત્રિત કરતા હોય છે,બાદમાં એ જ જગ્યાના ડેટા જે સેટેલાઇટ આપે છે તેના સાથે સરખાવી અને કેલિબ્રેશન કરવામાં આવે છે.

ઈસરો દ્વારા કચ્છના મોટા રણમાં કરાઈ રહેલ કેલિબ્રેશન / ફોટો :અસીમકુમાર મિત્રા
ઇન્સેટ -3D ઉપગ્રહ "ઈમેજર" અને "સાઉન્ડર" જેવા અનન્ય ઉપકરણો દ્વારા વાદળ,વાતાવરણીય પવનો,સમુદ્ર અને જમીનની સપાટીનું તાપમાન અને ભેજ જેવા વાતાવરણ હલચલની વિશાળ શ્રેણીની મહત્વની માહિતી અવકાશમાંથી પ્રદાન કરે છે. આ બધી જ માહિતી દ્વારા ભારતીય હવામાન વિભાગ ભવિષ્યની આગાહીઓ કરી શકે છે. વર્ષ 2014માં હુડહુડ વાવાઝોડું જયારે દેશના પૂર્વીય કિનારે ત્રાટક્યું તેની સચોટ આગાહી અને મોનીટરીંગ ઇન્સેટ -3D સેટેલાઇટ દ્વારા જ કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ, સેટેલાઇટ દ્વારા અપાતો ડેટાની ખરાઈ કરવાનો હોય છે,કારણ કે તેને છોડ્યા બાદ પૃથ્વી અને અવકાશના કેટલાય પરિબળો અસર કરતા હોય છે જેથી ચોક્સાઇને અધિકૃત કરવી વૈજ્ઞાનિકો માટે જરૂરી બની જાય છે.આ સેટેલાઈટ અત્યારના ડેટા સાથે આગાહી કરવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કચ્છના રણમાં સ્પેકટ્રો રેડિયોમીટર,એરોસોલ,માઇક્રોટોપ્સ ટુના ઉપયોગથી ઓઝોન અને પાણીની ચકાસણી કરવામાં આવી હતી.અહીંના સેન્સર રો મોડ્યુલનાં આઉટપુટને રેડિયન્સ વેલ્યુમાં રૂપાંતરિત કરી સેટેલાઇટ ડેટા મેળવાયો હતો.સ્પેકટ્રો રેડિયોમીટર,સનફોટોમીટર,ઓઝોન મોનિટર અને લેબિસ્ફિયર સ્પેક્ટ્રલોન રીફ્લેકટન્સ પેનલનો જેવા વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શું છે ઇન્સેટ 3D અને તેનું કેલિબ્રેશન ? ઇન્સેટ 3D સેટેલાઇટ ઈસરો દ્વારા 26 જુલાઈ 2013 ના રોજ છોડવામાં આવ્યો હતો,જે હવામાનશાસ્ત્ર,ડેટા રિલે અને સેટેલાઇટ સહાયિત શોધ અને બચાવ ઉપગ્રહ છે. જેનો મુખ્ય હેતુ પૃથ્વીની સપાટી અને સમુદ્ર સપાટીનું નિરીક્ષણ કરવા અને ડેટા પ્રસારણ ક્ષમતાઓ પ્રદાન કરવા સાથો સાથ પર્યાવરણીય અને તોફાન ચેતવણી પ્રણાલી માટે ઉપયોગમાં લેવાય છે. 2060 કિલો વજન સાથે તે અવકાશમાં છોડયો છે.3.07 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે તે ભ્રમણકક્ષા પર ગતિમાન છે. આ સેટેલાઈટનું કેલિબ્રેશન એટલા માટે કરાય છે કે,સાત વર્ષથી છોડ્યા બાદ તેના ડેટાની અને આગાહીની ચોકસાઈ જાણી શકાય

સોલાર પેનલ સાથે ઇન્સેટ-3D સેટેલાઇટ / ફોટો : ઈસરો
માત્ર જેસલમેર અને કચ્છના રણમાં છે કેલિબ્રેશન સાઈટ ભુજ અને જેસલમેરમાં પર્યાવરણ વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેલિબ્રેશન અને વેલિડેશન સાઈટ તરીકે કાર્ય કરાઈ રહ્યું છે.હવામાન વિજ્ઞાનના એવોર્ડ વિજેતા વૈજ્ઞાનિક ડો.અસીમકુમાર મિત્રાએ આ પહેલ કરી હતી જેના તેઓ મેમ્બર સેક્રેટરી છે અને તેઓએ જ કચ્છના રણમાં આ ઇન્સેટ 3D સેટેલાઈટને અન્ય વિજ્ઞાનીકોની મદદથી કેલ/વેલ કર્યું હતું.કચ્છ અને જેસલમેરના રણની પસંદગી એટલા માટે પણ કરવામાં આવી હતી કારણ કે અહીં પાંચ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રેડિયો મેટ્રિક્લી સ્ટેબલ છે અને તાપમાન અને આબોહવા સહિતના અન્ય વૈજ્ઞાનિક પરિબળો માટે પણ ઉત્તમ છે.
Comments