top of page

કાચબાને ઘરમાં રાખીને તમારું નસીબ સુધારી નહીં,પણ કાચબાનું બગાડી રહ્યા છો

Writer's picture: Ronak GajjarRonak Gajjar

Updated: Apr 19, 2020

જંગલ કે ઘાસિયા વિસ્તારોમાં જ્યાં કાચબો દેખાય,આપની આસપાસના કેટલાય લોકો તરત તેને ઉચકી ઘરે લઇ જાય છે. કારણ કે તેઓના મનમાં વર્ષોથી એક એવી માન્યતા પ્રવર્તતી આવે છે,કે કાચબાને ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. હકીકતમાં આપની સંપતિ વધે કે ન વધે એતો ભાગ્યની વાત છે,પણ કાચબાની પ્રજાતિને આ રીતે એમના કુટુંબથી અલગ કરી આપણે અમુલ્ય વનસંપદા ચોક્કસ પણે ઘટાડી રહ્યા છીએ. કાચબાઓ પૈકી તારાંકિત કાચબો એટલે કે સ્ટાર ટોર્ટોઈઝ લોકોની ઘરમાં રાખવા માટે પ્રથમ પસંદગી છે,જેનો સીધો સંબંધ તેઓના મનમાં વસેલી ગેરમાન્યતા સાથે છે. આપ જરા વિચારો, શું આપના બાળક ને કોઈ વ્યક્તિ તમારાથી જબરદસ્તીથી ઝૂંટવે અને દુર લઇ જાય તો ? અને આપને એમ કહે કે આનાથી તે વ્યક્તિની સંપતિ વધશે. ત્યારે તમારા પર શું આપવીતી વીતશે ?. સ્વાભાવિકપણે તમને સંતાન વિરહ થશે અને આપનો પરિવાર વિખેરાઈ જશે. લાંબાગાળાની અસર એ પડશે કે વંશવેલો આગળ વધશે નહિ. જી હા ! આવું જ કઈક તમે તારાંકિત કાચબાને પકડી વન્યસંપદા સાથે છેડછાડ કરી રહ્યા છો.



તારાંકિત કાચબો / ફોટો : વિકિપીડિયા તારાંકિત કાચબાની વાત કરીએ તો આ ગભરુ જીવ, જમીન પરનો કાચબો છે.જયારે કેટલાય લોકો તેને ઘરમાં રાખ્યા બાદ થોડા સમય બાદ કાચબો એટલે પાણી એમ માનીને તળાવ કે નદી નાળામાં મૂકી આવે છે,એટલે આ કાચબો ત્યારે મૃત્યુ પણ પામે છે.ત્યારે તમે એ પાપના ભાગીદાર બનો છો. કાચબાને ઘરે લાવ્યા બાદ તેને ખોરાક પેટે આપણે કોબી,ફ્લાવર,ટામેટા,કાકડી જેવું ખવડાવીએ છીએ,જે આ કાચબાઓનું પાચનતંત્ર વિષમ રીતે બગડી નાખે છે,જે હકીકતમાં તેનો ખોરાક જ નથી. આ કાચબાઓ મુખ્યત્વે જંગલી વનસ્પતિના મૂળિયાં ખાય છે,જેથી તેમાંથી પાણીનો સોર્સ પણ મળી રહે છે.ગુજરાતમાં જોવા જઈએ તો આ પ્રજાતિ મુખ્યત્વે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવે છે,જે સી.આર.ઈ.બી ના રીપોર્ટ પ્રમાણે હાલ ભયગ્રસ્ત સ્થિતિમાં છે.



ભુજ-ગાંધીધામ ધોરીમાર્ગ પર કાચબાને બચાવ્યો હતો ત્યારની તસ્વીર / ફોટો : રોનક ગજ્જર

શું તમે જાણો છો ?,તારાંકિત કાચબાઓની પીઠ પર આવેલી સંરચના કુદરતનું અનેરું સર્જન પણ છે,કારણ કે રાઉન્ડ સ્ટ્રક્ચરવાળી પીઠમાંથી તેની ઉમર જાણી શકાય છે,ઉપરાંત રચનાના કદ પરથી છેલ્લા વર્ષોમાં વરસાદનો વર્તારો અને તે કાચબાને જે-તે સ્થળે મળતા ખોરાકનો આશરો પણ તેની રચના અને કદ પરથી આવી જાય છે.આ રીતે આ કાચબો ઈકોલોજીકલ ઈન્ડીકેટર પણ છે.સામાન્યત: આ પ્રજાતિ 30-50 વર્ષનું જીવન ગાળતા હોય છે.


હવે રસપ્રદ મુદ્દા જોઈએ તો અન્ય કાચબાની માફક આ કાચબાનું કવચ પણ તેને સંકટ સમયમાં બચાવી લે છે,તે મોઢું અને પગ અંદર કરી દે છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ કાચબાની ટોપ સ્પીડ અડધો કિલોમીટર પ્રતિ કલાકની જ હોય છે. તે એકથી લઈને સાડા છ કિલો વજન ધરાવતો જીવ છે.તે ભારત,પાકિસ્તા અને શ્રીલંકામાં જ જોવા મળે છે. જૂન મહિના આસપાસ તેનો સંવનનકાળ હોય છે,માદા છ મહિના સુધી ગર્ભધારણ કરે છે અને વધુમાં વધુ દસ ઈંડા આપે છે. કાયદાની દ્રષ્ટીએ જોવા જઈએ તો તારાંકિત કાચબાઓને ઘરમાં રાખવો કાયદેસર અપરાધ છે,અનુસૂચી-1 માં આવતા આ જીવને ઘરમાં રાખતા કે પાળવા માટે 7 વર્ષની સજા અને 25,000/- રૂપિયા સુધીનો દંડ થઇ શકે તેવી કડક જોગવાઈ છે. બોલો કાચબાને તમારા ઘરમાં રાખશો કે તેના ઘર (વગડા)માં ?

 
 
 

Comments


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page