દીપડો, પોતાની આક્રમકતા માટે જાણીતો છે,બિલાડીના કુળનું આ પ્રાણી પાંચ મોટી બિલાડી એટલે કે ફાઈવ બીગ કેટ્સ સામેલ છે.જેમાં વાઘ,સિંહ અને જગુઆર તથા ચિતાનો સમાવેશ થાય છે. આપણે નસીબવાળા છીએ કે,ગુજરાત અને કચ્છની ખમીરવંતી પ્રજાને કુદરતની આ ભેટ મળી છે.પણ એને સુપેરે સાચવી અને તેનું સંરક્ષણ કરવું એ અત્યારના સમયમાં આપણી નૈતિક જવાબદારી બને છે. કચ્છમાં એવો કોઈ પણ કિસ્સો ધ્યાનમાં નથી આવ્યો કે દીપડાએ માનવી પર હુમલો કે તેનું મારણ કર્યું હોય,ત્યારે આપણે શું કામ વન ના મસ્ત ભોમિયાને પાંજરે પુરાવીયે છીએ? ગુજરાતના વર્ષ 2016 ના આંકડાઓ એમ કહે છે કે, રાજ્યમાં દીપડાની વસ્તી 1395 છે,જેમાંથી તત્કાલીન 177 બચ્ચા હતા.મહત્તમ ભાગે 354 દીપડા માત્ર જૂનાગઢમાં તો 111 ગીર-સોમનાથ જિલ્લામાં વસે છે. દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં આધિકારિક આંક મુજબ દીપડાની વસ્તી 30 છે,પણ હજુ તેની સંખ્યા વધુ હોવાનો વન્યજીવ વિશેષજ્ઞોનો મત છે. દીપડાની પ્રકૃતિની વાત કરીએ તો ખૂંખાર પ્રાણીની છાપ ધરાવતું આ વન્યજીવ અત્યંત શરમાળ પ્રકૃતિનું છે,માણસથી હમેંશા એ દુર જ રહે છે. શિકાર કરવો એ દીપડાની પ્રકૃતિ છે,જેમ ભોજન કરવું એ માણસની !. આ જગતના સનાતન સત્યનું કથન છે કે,મોટો જીવ નાના જીવને ભરખી જાય છે અને આ કુદરતનું ગોઠવેલું જીવનચક્ર છે. સુંદર શરીર સાથે દીપડો નિશાચર પ્રાણી છે,તે માણસો માટે કચ્છમાં કદી ઘાતક સાબિત નથી થયો. જો કે કચ્છ બહાર દીપડાએ વર્ષ 2019માં વિવિધ 82 જેટલા કિસ્સામાં માનવીય સંઘર્ષ થયા છે. ગીરના જંગલમાં તેનાથી મોટો શિકારી જંગલનો રાજા સિંહ છે,એટલે ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક પ્રાણીવર્તન મુજબ દીપડા ગુસ્સામાં રહેતા હોય છે અને ત્યાં ચોક્કસ વિસ્તારમાં દીપડાની સંખ્યા પણ વધુ છે. જયારે કચ્છમાં ઘર્ષણ ન થવાનું એ પણ મનોવૈજ્ઞાનિક કારણ છે કે,કચ્છમાં દીપડાથી મોટું કોઈજ શિકારી પ્રાણી નથી અને તેના માટે વિશાળ વિસ્તાર છે. એટલે રણનો રાજા પણ એ જ છે. આ બાબત કદાચ એટલે જ મહત્વની છે કે અહીં માનવીય સંઘર્ષ દીપડાઓ નથી નોંધાયેલા. દિવસના ભાગ્યે જ જોવા મળતો આ જીવ રાત્રે ધારે તો 25 કીલોમીટરના વિસ્તારમાં પોતાના ઇલાકામાં હર-ફર કરી શકે છે. તેની કુટુંબ પ્રથાની વાત કરીએ તો,જ્યાં દીપડી અને તેના બચ્ચા હોય ત્યાં એક પ્રભાવી નર દીપડાનું હોવું આવશ્યક મનાય છે. પણ જયારે આપણે એ નર દીપડાને પકડી અન્ય જગ્યા એ ખસેડવા રજૂઆત કરીએ છીએ,ત્યારે માનવતા ની દ્રષ્ટીએ એટલું જરૂર વિચારવું જોઈએ કે,જો આપના કુટુંબના મોભીને તે વધુ ભોજન આરોગે છે,એ બહાના હેઠળ કોઈ આપનાથી 422 કિલોમીટર દુર મૂકી આવે ત્યારે એ પિતાના સંતાનની અને પત્નીની હાલત શું થાય ?. એવું જ કંઈક દીપડાને પાંજરે પુરાવી કારણ વગરની વાતોથી આપણે તેના પરિવાર સાથે ખિલવાડ કરી રહ્યા છીએ.તમારું બાળક રમતા રમતા બાજુવાળાનું ટી.વી તોડી આવે તો આપ પાડોશીને નવી ટી.વી લઇ આપશો કે,બાળકને ક્યાંક 500 કી.મી દુર મૂકી આવશો?.
વિચારજો ! દીપડો જયારે આપના પશુધનનું મારણ કરે ત્યારે વનવિભાગ પાસે આપ તેનું વળતર માંગો,નહી કે દીપડાને પાંજરે પુરાવી ખસેડવાની રજૂઆત.

ગીરના જંગલમાં ઝાડ પરથી ઉતરી રહેલા દીપડાનું દ્રશ્ય I તસવીર : રોનક ગજજર
દીપડાના કેટલાક રસપ્રદ તથ્યો પર નજર કરીએ તો દીપડો 58 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે,વન્યજીવ સંરક્ષણમાં તે અનુસૂચી-1 નું પ્રાણી છે,જેની ગણતરી તેના વસવાટમાં થતા ઘટાડા અને રસાયણિક તત્વોના વધુ પડતા ઉપયોગથી વૈશ્વિક સ્તરે અત્યારે IUCN મુજબ ભયગ્રસ્ત પ્રાણીઓ માં થઇ રહી છે.દીપડો ધારે તો 6 મીટર લાંબી છલાંગ મારી શકે છે અને 3 મીટર ઉંચો કુદકો લગાવી શકે છે.વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં તે પ્રજનન કરે છે,દીપડીને 3 મહિનો ગર્ભ રહ્યા બાદ તે સામાન્યત: 2-3 બચ્ચાને જન્મ આપે છે,જે બચ્ચા 2 વર્ષ સુધી માત્ર માં સાથે જ રહે છે.દીપડાનું સરેરાશ જીવન 20 વર્ષનું હોય છે. રાજ્યના વિવિધ વિસ્તારો સાથે કચ્છમાં ઘણી વખત ઘેટા-બકરા પર સામુહિક હુમલા માં વગર જોયે કે જાણ્યે દીપડાને દોષી ઠેરવવામાં આવે છે,ત્યારે એ જાણવું અત્યંત જરૂરી છે કે દીપડો કદી આ પ્રકારના હુમલા નથી કરતો,તે માત્ર એક જ ઢોર કે પશુ નો શિકાર કરે છે અને તેને લઇ જઈ મહત્તમ વખત ઝાડ પર બેસી આરોગે છે. રાજ્યમાં લગભગ દરેક વિસ્તારમાં તેની હાજરી નોંધાયેલી છે તો કચ્છમાં હબાય,રોહા અને ધીણોધર માં દીપડાની ડણક નોંધાયેલી છે. રાજાશાહી કાળમાં કહેવાય છે કે,દીપડાને કચ્છમાં આયાત કરતા હતા,અને ત્યારે શિકારની પ્રવૃતિઓ પણ થતી હતી.પણ આજે જયારે આંગળી ને વેઢે ગણાય એટલા જ દીપડા વધ્યા છે ,અને હવે તો સરકારના કેટલાય નિયંત્રણ છે ત્યારે એક સમજદાર નાગરિક તરીકે આપની એ ફરજ બને છે કે,આ વન્યસંપદાનું આપણે સંરક્ષણ કરીએ,નહી કે તેને કચ્છ બહાર જાકારો આપવાના નિમિત બનીએ.અને વનવિભાગની પણ ફરજ છે કે,વારંવાર માનવીઓ અને દીપડા વચ્ચેના આ સંઘર્ષને નિવારવા કચ્છ માટે કઈક નીતિ બનાવવી જોઈએ,જેથી કચ્છમાં દીપડા વધે,ઘટે નહિ !

કચ્છમાં રાત્રીના અંધકારમાં વિચરણ કરી રહેલ દીપડો I તસવીર : દીપક ગોસ્વામી
Comentários