top of page

રહસ્યમય રણ : ભારતનું ચોથું ઉલ્કા તળાવ કચ્છના લુણામાં ?

Writer: Ronak GajjarRonak Gajjar

- રણ ઓફ કચ્છમાં ધરબાયેલો છે દેશનો સૌથી મોટો ભૌગોલિક કોયડો

- સંશોધન થાય તો વિશ્વની અનન્ય જીઓસાઈટથી કચ્છ પ્રસિદ્ધ બને


ક્રેટર લેક, દેશ વિદેશના ખગોળવિદો માટે ભારતમાં અત્યંત રસપ્રદ વિષય રહ્યો છે ક્રેટર લેક,એટલે કે ઉલ્કાપાતથી સર્જાયેલું તળાવ.સૌ કોઈ આજે આ બાબતથી અજાણ છે કે ,સરહદી જિલ્લા કચ્છના મોટા રણમાં હાજીપીર પાસે આવેલા લુણાં ગામમાં શક્યત: દેશનું ચોથું ઉલ્કા તળાવ આવેલું છે.


લુણાના સંભવત ઉલ્કા તળાવની સેટેલાઇટ ઇમેજ / ફોટો : ગૂગલ


મહારાષ્ટ્રમાં આવેલ લોનાર,રાજસ્થાનમાં આવેલ રામગઢ અને મધ્યપ્રદેશમાં આવેલ ઢાલા અત્યાર સુધીના ભારતમાં શોધાયેલ ત્રણ ઉલ્કા તળાવ છે.કચ્છનું લુણા સંશોધનના અભાવે આ હરોળમાં પ્રશ્નાર્થભાવે હરોળમાં ચોથે ઉભેલું છે.ઓક્ટોબર 2006માં ડિપાર્ટમેન્ટ ઓફ જિયોલોજી,એમ એસ યુનિવર્સીટી બરોડા અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના ભૂસ્તરશાસ્ત્રીઓએ આ વિષય પર ટેક્નિકલ મુદ્દે સંશોધન કરી ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ દ્વારા કરન્ટ સાયન્સમાં રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું હતું,જો કે આ રહસ્યને ખુલ્લું કરવાના એક નાનકડા પ્રયાસ બાદ વાતને 14 વર્ષ વીત્યે કોઈ જ પ્રયત્નો થયા નથી.

હાજીપીરથી ભીટારા તરફ જતા રસ્તે આવેલ લુણા ગામમાં આ રહસ્ય ધરબાયેલું છે.સ્થાનિકો આ વાતથી તદ્દન અજાણ છે કે,તેમના પાસે સંભવત દેશની સૌથી મહત્વની જીઓસાઈટ આવેલી છે.ગ્રામલોકો જાણે છે તો માત્ર એટલું જ,કે અહીંયા એકલદોકલ વિદેશીઓ આવી તળાવમાંથી પથ્થર ઉપાડી જાય છે.


બસ ! હકીકત એ છે કે,ગામની દક્ષિણ પશ્ચિમે લુણાજિલથી જાણીતું આ ગામનું બીજું તળાવ નહિ પણ કવચિત ઉલ્કા તળાવ છે.બે મીટર ઊંડું અને સવા કિલોમીટરના વ્યાસ સાથે ગાંડા બાવળથી ઘેરાયેલ આ સમથળ જમીન નીચે સૌથી મોટું રહસ્ય સદીઓથી સંશોધનથી રાહ જોઈ રહ્યું છે.લુણા જિલ સુધી પહોંચવું અશક્યની નજીક છે,કારણકે સતત દોઢ કિલોમીટર સુધી તે બાવળિયાઓના સામ્રાજ્ય વચ્ચે રક્ષિત છે.ઉનાળામાં હાલ એકદમ સુકાયેલું રણ લાગતું આ તળાવ ચોમાસે કમર સુધી પાણીમાં માનવીને ડુબાડવાની ક્ષમતા ધરાવે છે,તેવું ગામલોકો જણાવે છે.   


લુણાની મુલાકાત વખતે મને તળાવ દર્શાવતો ગામનો છોકરો / ફોટો : રોનક ગજજર


ગ્રામલોકોના મતે ત્રીસેક વર્ષ પહેલા પાણી સંગ્રહ થાય તે હેતુથી આ ભાગને ખોદાયો પણ હતો,ત્યારે અમુક અસામાન્ય ટુકડાના અવશેષો પણ પ્રાપ્ત થાય હતા. દાયકા પહેલા અહીં સંશોધન કરી ગયેલ આર.વી કરંથએ લુણાને રિપોર્ટમાં ટાંક્યું છે કે, "અહીં મળેલા મેટાલિક પદાર્થો ઉલ્કાના નાના ટુકડા છે,જે વાતાવરણમાંથી પસાર થતાં ઠંડા થઇ જમીન પર પડ્યા છે. કાચ પ્રકારના ટેક્ટાઇસ નામના વિશિષ્ટ પદાર્થ ઉલ્કામાં મળતા હોય છે,ખડકો ઉલ્કા અસરની તીવ્ર ગરમીમાંથી ઓગળે છે ત્યારે ટેક્ટાઇસ સર્જાતા હોય છે" આ બંને પદાર્થોનું અહીં મળવું ક્રેટર લેકના અસ્તિત્વને મજબૂત સમર્થન આપે છે,


ઉપરાંત અહીં ઉલ્કાપાતમાં મળી આવતા આયરન નિકલ મેટ્રોઈટસના અવશેષો પ્રાપ્ત થયા છે,જેને સંશોધકો ઠોસ પુરાવા તરીકે માની રહ્યા છે,જેના પર વૈજ્ઞાનિકોએ પેટ્રોગ્રાફીક સંશોધન પણ કર્યું હતું,પણ અફસોસ કે આગળ તેનું કાંઈજ પરિણામ આજ દિવસ સુધી આવ્યું નથી.આ ઉપરાંત આઈ.આઈ.ટી બોમ્બેના ડો.જ્યોર્જ મેથ્યુ દ્વારા અહીંના પથ્થરો અને ખનીજોના એક્સ-રે સેમપ્લિંગ પણ કરવામાં આવ્યા છે,જેમાં રેતીના હાઈ- પ્રેસર પોલીમૉર્ફર્સ હોવાનું સાબિત થયું છે.જે સ્પષ્ટપણે દર્શાવે છે કે,આ ઉલ્કાની જ અસર છે.જો કે 1.2 કિલોમીટર પહોળું આ તળાવનો રડાર જનરેટેડ સેટેલાઇટ ઈમેજનરી કરવામાં આવતા પાંચ કિલોમીટરના વર્તુળમાં ફેલાયેલ હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે.


નવાઈની વાત તો એ છે કે,નાસાના વૈજ્ઞાનિકો ત્રણેક મહિના પહેલા જયારે કચ્છના પ્રવાસે હતા ત્યારે આ વિસ્તાર ખૂંદી વળ્યાં હતા.જ્યાંથી સોઇલ સેમ્પલિંગ લઈ ચુક્યા છે.સંશોધકોનું માનીએ તો,નાસાને અહીંથી સ્ટિસોવ્હાઇટ એટલે સિલિકા સેન્ડનું હાઈપ્રેસર ફોર્મિંગ મળે તેવી શક્યતાઓ પ્રબળ છે.આ સાથે આ વૈજ્ઞાનિકો જીઓમોર્ફીકલ એનાલિસિસ પણ કરી ચૂક્યા છે. આ બાબતે ગંભીર થઈને જો રાજ્યસરકાર દ્વારા સંશોધન કરવામાં આવે તો ન માત્ર કચ્છ પણ ગુજરાત માટે આ ગૌરવની ઘટના હશે,કારણ કે રાજ્યનું પણ એકમાત્ર અને પ્રથમ ઉલ્કાતળાવ સાબિત થશે. આ સાથોસાથ અહીં નજીક જ આવેલ હાજીપીર આસ્થાકેન્દ્ર સમાન્તરે ટુરિઝમ લિંકમાં લુણા પણ જોડાઈ શકે તેમ છે.


ઋગ્વેદમાં 'ઈરિના' નો ઉલ્લેખ છે તે રણ ઓફ કચ્છ

ઋગ્વેદની દસમી બુકમાં ઈરિના નામના શબ્દનો ઉલ્લેખ છે,જેમાં આકાશમાંથી ભારેમાત્રમાં કોલસો પડ્યો હોવાનું નોંધાયેલું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના રામ ઐયંગરના મત મુજબ,તે ઉલ્લેખ ચાર હજાર વર્ષ પહેલાનો છે,અને રણ ઓફ કચ્છની તમામ બાબતો સાથે મળતો આવે છે,જેથી એ કહેવું અતિરેક નહિ હોય કે લુણા માં થયેલ ઉલ્કા પ્રાપ્ત એ જ ઋગ્વેદની ઇરિનાનો ઉલ્લેખ છે. 


નરમ કાંપ થકી કચ્છનું સંભવત ઉલ્કા તળાવ વિશ્વનું અનન્ય લુણામાં સંશોધન થાય અને જો સાબિત થાય કે આ ઉલ્કા તળાવ જ છે,તો ન માત્ર ભારત પણ વિશ્વ માટે આ એક અનન્ય જીઓસાઈટ બની રહેશે કારણ કે,લુણા તળાવ માત્ર બે મીટર ઊંડું છે, જયારે મહારાષ્ટ્રનું લોનાર 137 મીટર ઊંડું છે. ઉપરાંત દેશના બાકી ત્રણેય ક્રેટર મજબૂત પથરાળ વિસ્તાર માફક સર્જાયા છે,જયારે લુણાના કેસમાં તે નરમ કાંપ માફક છે. બધાથી ઉપર અહીં તમામ પ્રકારના એ ખનીજ અને પથ્થર મળ્યા છે,જે ઉલ્કાપ્રપાતના સબૂત છે. 

 
 
 

Comentários


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page