ગુજરાતી ફિલ્મજગતના ચહિતા અભિનેતા મલ્હાર ઠાકર હાલ કચ્છના વિવિધ સ્થળોએ તેમની આવનારી ફિલ્મ 'કેસરિયા'ના શૂટિંગમાં વ્યસ્ત છે.આ ફિલ્મનું શૂટિંગ કચ્છના વિવિધ 11 સ્થળોએ થવાનું છે.
કચ્છના સ્થાનિક ટુરિસ્ટ ગાઈડની ભૂમિકા ભજવનાર લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર સાથેની ખાસ વાતમાં કહ્યું કે,કેસરિયા એ એક લવસ્ટોરી છે. કચ્છનો ટુરિસ્ટ ગાઈડ સ્કોટલેન્ડથી આવેલી મૂળ ગુજરાતની યુવતીને તેના કચ્છ પ્રવાસ વખતે મળે છે.અને ત્યારબાદ એક ગાઈડના જીવનમાં આ પ્રકારના પ્રેમ વળાંકથી શું શું બદલાવ આવે છે ?, તેનું નિરૂપણ આ ફિલ્મમાં જોવા મળશે.હાલ કેસરીયાનું 15 દિવસ કચ્છમાં અને ત્યારબાદ 12 દિવસનું શૂટિંગ સ્કોટલેન્ડમાં થવાનું છે. કચ્છના જાણીતા પ્રવાસન સ્થળોમાં સફેદ રણ,માંડવી,ઇન્ડિયા બ્રિજ,ટેન્ટ સીટી,ભુજ સહીત વિવિધ 11 સ્થળોએ થવાનું છે.
આ ફિલ્મ ધ્વનિ ગૌતમ નિર્દેશિત કરી રહ્યા છે. જેઓ 'તું તો ગયો' અને 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. 10 માર્ચથી આ ફિલ્મના શૂટિંગ શ્રીગણેશ 'સાહેબ' કરી ચૂક્યા છે.આ ફિલ્મમાં મલ્હાર ઠાકર,રીતુ ભાગવાની,અંશૂલ ત્રિવેદી,ધર્મેશ વ્યાસ અને હાર્દિક સાંઘી વિવિધ પાત્રોમાં જોવા મળશે.આ ફિલ્મ વિરલ શાહ લિખિત છે. આવનારા સમયમાં મલ્હાર વેનીલા આઈસ્ક્રીમ પિક્ચરમાં દીક્ષા જોશી સાથે પણ જોવા મળશે.કચ્છમાં આ પ્રકારની ફિલ્મોના શૂટિંગથી ટુરિઝમ સ્થળોને પણ પ્રોત્સાહન મળશે.
અત્રે નોંધનીય છે કે,આ અગાઉ મલ્હાર ઠાકર અનેક ગુજરાતી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે. સાહેબ ફિલ્મના પ્રમોશન વેળાએ તેઓએ સફેદ રણમાં વાતચીત દરમ્યાન કમિટમેન્ટ આપેલું કે,આવનારા નજીક સમયમાં જ હું કચ્છ પર ફિલ્મ બનાવીશ અને તેમની આ ઈચ્છા કેસરિયા થકી પૂરી થશે.

Comments