બેટમેન એ કાલ્પનિક હીરો છે,પણ જેના વર્ણન અને હકીકત થકી સર્જાયો તે બેટ એટલે ચામાચીડિયા પર આજે વિશ્વ આખુંય કોરોના મહામારી વચ્ચે સંક્રમણ મુદ્દે પ્રશ્ન ઉભા કરીને તેને તુચ્છ નજરે જોઈ રહ્યું છે.આ વચ્ચે દક્ષિણ એશિયાના 6 દેશોના 64 વૈજ્ઞાનિકોએ અને સંશોધકોએ ભારતમાં જોવા મળતા ચામાચીડિયાથી કોરોના ફેલાવવાનો ભય નથી તેવું સ્ટેટમેન્ટ આપ્યું છે.ત્યારે ચામાચીડિયા વિશેની કેટલીક બાબતો સમજવા જેવી છે.
શું તમે જાણો છો ? કે,ચામાચીડિયા પ્રાણીજગતની એકમાત્ર એવી પ્રજાતિ છે,જે સસ્તનધારી છે અને ઉડી શકે છે.અદભૂત બાબત એ પણ છે કે,તેને પાંખ પર પીંછા નથી તોય લોકો તેને પક્ષી માને છે અને બે પગ છે છતાંય તેની ચોપગામાં ગણતરી થાય છે.
વિશ્વભરમાં ચામાચીડિયાની 1411 પ્રજાતિઓ છે,જેમાંથી 128 પ્રકારના ચામાચીડિયા ભારતમાં જોવા મળે છે. ચામાચીડિયા મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજીત થઇ શકે.એક તો ફળભક્ષી જે માત્ર ફળ ખાય છે અને બીજા કીટકભક્ષી,જે જંતુ અને કીટકો ખાય છે,જેની વિવિધ પ્રજાતિઓ આવેલી હોય છે. ફળભક્ષી વાગોળ અને કીટકભક્ષી ચામાચીડિયાના નામે ઓળખાય છે.
Flying Fox - વાગોળ અથવા વનવાગોળ

ભુજના શરદબાગમાં વાગોળની કોલોની / ફોટો : રોનક ગજજર
લોમડી (Fox) જેવા મોઢાવાળા અને લાંબા શરીર ધરાવતા Flying Fox,ગુજરાતીમાં તે વાગોળ અથવા વનવાગોળના નામથી ઓળખાય છે. આ પ્રાણી અત્યંત જાણીતું છે,ખંડેર નહિ પણ ધમધમતા વિસ્તારમાં પણ તે વૃક્ષ પર ધામા નાખીને કોઈ પણ સરકારી મંજૂરી વગર પોતાની કોલોની બનાવી દે છે.ખુલ્લું આકાશ,હવા અને ઘટાદાર વૃક્ષ હોય ત્યાં આ પ્રાણી જોવા મળી જાય છે.
રાત પડતા જ પાંખ ફેલાવી ખોરાકની શોધમાં ઉડાઉડ કરી મૂકે છે.અને સવાર પડતા જ ચિચિયારીઓથી ઝાડ ગજવી મૂકે છે.કારણ કે,આ ઊંધા લટકતા જીવમાં વિચિત્ર જિદ્દ એવી પણ જોવા મળે છે કે જે ડાળ પર એક વાગોળ લટકતું હોય ત્યાં જ બીજું આવીને લટકવા મુદ્દે ડખો કરે અને આમ અવાજ જોરશોરથી સંભળાતો હોય છે.
વનસ્પતિભક્ષક આ જીવની ભારતમાં 13 પ્રજાતિ જોવા મળે છે.આ પ્રાણી ફળમાં જામફળ,લીંબોળી,વડના ટેટા,બોર,કેદ,જાંબુ સહીત ખાય છે અને મુખ્યત્વે તેઓ આમલી,પીપળા,વડ, અરડૂસી કે લીમડા પર જોવા મળી જાય છે. તેઓ વીસથી લઈને ત્રણસો જેટલા મોટા જૂથમાં રહે છે,એકલદોકલ ભાગ્યે જ જોવા મળે છે.ચામાચીડિયા વર્ગમાં સૌથી મોટી પ્રજાતિ વાગોળની જ છે.

ભારતમાં જોવા મળતા વનવાગોળ / ફોટો : Jan Arendtsz
વનવાગોળનો જીવનકાળ 15 થી લઈને 30 વર્ષ સુધીનો હોય છે,જેનો વજન 600 થી લઈને 1600 ગ્રામ સુધી હોઈ શકે છે.લંબાઈ અંદાજિત 23 સેન્ટિમીટર અને પાંખની લંબાઈ સવાથી દોઢ મીટર લાંબી હોય છે.આ પ્રજાતિ પર તેમના નિવાસસ્થાન સમા વૃક્ષનું છેદન અને ખોરાક માટે તેમનો શિકાર એ ભયસ્થાનો છે.
કાળા રંગનું આ વન્યપ્રાણીનું માથા અને ગરદન ભિન્ન રંગના હોય છે. શરીરનો છાતી,પેટ અને ખંભાનો ભાગ લાલાશ પડતો હોય છે.કાન રુવાંટી વગરના અણીદાર હોય છે.આ પ્રાણી માર્ચ એપ્રિલમાં બચ્ચાને જન્મ આપે છે. ફળભક્ષી ચામાચીડિયા પરાગ અને બીજનું પરિવહન કરી સંવર્ધનની પ્રક્રિયાને વેગ આપે છે. આમ ચામાચીડિયું એક ઇકો- ફ્રેન્ડલી પ્રાણી છે.
ચામાચીડિયા - Bats

કચ્છના એક ખંડેરમાં બાળક સાથે ઊંધું લટકી રહેલ ચામાચીડિયું / ફોટો : રોનક ગજજર
કીટકભક્ષી ચામાચીડિયા પણ Bat થી ઓળખાય છે,જેના મોઢાનો આકાર એકદમ ટૂંકો અને ઉંદર જેવા નાના શરીરવાળા હોય છે. જે ગુજરાતીમાં કાનકડિયા,ચીપકા કે છાપાના નામે સ્થાનિક જગ્યા મુજબ ઓળખાય છે. આ ચામાચીડિયા જૂના-પુરાણ ખંડેર,બખોલ અને ગુફા જેવી અવાવરી જગ્યામાં ડેરા નાખે છે. એકલવાયું આ પક્ષી આખી રાત ખોરાક અને જીવનું ની શોધમાં ભમ્યા કરે છે.કીટકભક્ષી ચામાચિડિયા ખેતરમાં થતા તીડ,જંતુ,ફુદીયા, જીવજંતુ પર કાબૂ રાખે છે. એક રાત્રિમાં 1000 જેટલા મચ્છર ખાઈ જાય છે,આમ મચ્છરથી પેદા થતા ભયથી અને રોગોથી પણ મનુષ્યને બચાવે છે.જે પાકથી માંડીને પર્યાવરણ માટે લાભદાયી છે.
આ પ્રાણીનું જીવન અદભૂત છે.એક જ પ્રાણીમાં આટલી ભિન્ન સંસ્કૃતિ અને સ્વભાવ મળવા દુર્લભ છે. આખાય જગતના પ્રાણીઓ સીધા બેઠેલા કે ઉભેલા જોવા મળે છે,જ્યારે આ નિશાચર જીવો ઊંધા લટકી જીવન વિતાવે છે તે તેની ખાસિયત છે.
ચામાચીડિયાંના પગની માંસપેશી અત્યંત નાજુક હોવાથી એ પોતાના પર ઊભું નથી રહી શકતું, જ્યારે એના પગનાં હાડકાં અને પગની આંગળીઓ મજબૂત હોવાને લીધે એ ઝાડ પર આરામથી સોળથી વીસ કલાક લટકી શકે છે.રોગપ્રતિકારક શક્તિ જોરદાર હોતા ચામાચીડિયું ભાગ્યે જ બીમાર પડે છે.
સામાન્યતઃ ચામાચીડિયા ગર્ભાધાન બાદ એક જ બચ્ચાને જન્મ આપે છે,ક્યારેક જ બે. ત્રણ તો દુર્લભ બાબત ગણાય છે.વાંદરાની માફક માં બચ્ચાને છાતીએ વળગાડીને સ્તનપાન કરાવે છે,અને જ્યાં સુધી પુખ્ત ન થાય ત્યાં સુધી લઈને ઉડ્યા કરે છે.
ચામાચીડિયા વિશે રસપ્રદ વાત જાણવા જેવી છે,કીટકભક્ષી ચામાચીડિયા તેના શિકાર માટે 'પ્રતિધ્વનિ સ્થાન નિર્ધારણ પ્રણાલિ' (ECO-LOCATION METHOD) નો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ મુજબ એક ચોક્કસ પ્રકારના ધ્વનિના તરંગો તે હવામાં છોડે છે, જે શિકારને અથડાઈને પરત ફરે છે. તેના પરથી શિકારનું સ્થાન,કદ અને ગતિ નું નિર્ધારણ આ પ્રાણી કરી લે છે. અમુક જ ક્ષણોમાં તે આ બધીજ પ્રક્રિયા કરી તેને ઝાપટી લે છે.
આ ચામાચીડિયાઓ માનવી માટે નુકસાનરૂપ ત્યારે જ બને છે,જ્યારે ચીન જેવા દેશો તેનો ઉપયોગ ખોરાક રૂપે કરે છે. આપણા દેશમાં આવું કાંઈ જ નથી તેથી ગભરાવાની કોઈ જ જરૂર નથી. જો કે પશુડોક્ટરો એવું પણ માને છે,કે બીમાર કે લાચાર ચામાચીડિયા જોવા મળે તો તેને સીધું અડકવું જોઈએ નહિ.કારણ કે તેમાં જો કોઈ બીમારી હોય કે વાયરસના લક્ષણ હોય તો માનવીને જલ્દી અસર કરે છે. ઉમદા છે,કે સ્થાનિક પશુડોક્ટર કે વનવિભાગને આ મુદ્દે જાણ કરવામાં આવે.
ચામાચીડિયાનો તાંત્રિક વિધિમાં પણ પુષ્કળ ઉપયોગ થાય છે.આવા કાર્યોથી જ લોકો તેને અશુભ પણ માને છે.ઉંદર જેવું મોઢું ધરાવતા નિશાચર પ્રાણીને જોઈને જ માણસ કોઈ અઘોચર દુનિયામાં સરી પડે છે. કોરોના મહામારીમાં પણ તેનું નામ પ્રારંભિક ધોરણે ઉછળ્યા બાદ લોકો તેની તરફ જોવાનું ટાળે છે.
ઝાડમાં ઊંધા લટકીને દિવસે સૂઈ જતા આ ચામાચીડિયાઓની ખાસિયત એ પણ હોય છે,કે રાત્રે તેઓ 30 કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી શકે છે.સરેરાશ આ પ્રજાતિમાં તેનો વજન અંદાજિત 550 ગ્રામ જેટલો હોય છે અને ટોળામાં જ પ્રવાસ કરે છે.તેનો અવાજ જે નીકળે છે તે અલ્ટ્રાસોનિક સાઉન્ડ હોય છે. જે સામન્યતઃ સ્થિતિમાં સાંભળવામાં અજુગતો લાગે છે.
--------------------------------------------------------
દક્ષિણ એશિયાના વૈજ્ઞાનિકો અને સંરક્ષકોએ 24/4/2020ના રોજ એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે.
(જે આપ સૌની સરળ સમજૂતી માટે ગુજરાતી અનુવાદ કરેલ છે.) વાંચો શું છે વૈજ્ઞાનિકોનો ચામાચિડિયા પ્રત્યે અભિગમ ? 1. SARS-Cov-2 નું મૂળ ઉદ્ભવસ્થાન હજુ જાણી શકાયું નથી. વાયરસના પૂર્વગામીનું ચોક્કસ મૂળ જાણી શકાયું નથી. રોગચાળા માટે ચામાચીડિયા અથવા અન્ય કોઈ પ્રાણીને દોષ આપવો તે અપરિપક્વ અને અયોગ્ય છે. 2. વૈજ્ઞાનિકો ભારપૂર્વક સૂચન કરે છે કે ,સાર્સ જેવા વાયરસ માટે સીધા ચામાચીડિયાથી માનવીઓમાં સંક્રમણ થવું અસંભવ છે.વળી,માણસોમાં ચામાચીડિયા દ્વારા કોઈ વાયરસ સંક્રમણના કોઈ પુરાવા નથી.
3.દક્ષિણ એશિયન બેટ(ચામાચીડિયા)ની બે પ્રજાતિઓમાં બેટ કોરોનાવાયરસ (BtCoV) ની શોધ અંગે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના તાજેતરના અહેવાલમાં કોઈ જાણીતું સ્વાસ્થ્ય સંકટ નથી. અભ્યાસમાં શોધાયેલો વાયરસ SARS-Cov-2થી અલગ છે અને તેનાથી કોવીડ-19 થતો નથી.
4.વર્તમાન અને ભૂતકાળમાં ફાટી નીકળેલા ઝૂનોટિક રોગની માહિતી સૂચવે છે કે, વૈશ્વિક વન્યપ્રાણી વેપાર અને/અથવા મોટા પાયે વન્ય પ્રાણીઓનો ઔદ્યોગિક ઉપયોગ આ પ્રકારની ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ચામાચીડિયા અને અન્ય જંગલી પ્રાણીઓની હત્યા કરવી કે તેમના નિવાસસ્થાનોમાંથી તેને કાઢી નાખવા એ પ્રતિકૂળ છે અને કોઈ સમસ્યા તે હલ નહીં કરે. 5.ચામાચીડિયા ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ સેવાઓ આપે છે. તેઓ કેટલાક ચેરિયાના ફૂલો અને અન્ય ઘણા વ્યાવસાયિક અને સાંસ્કૃતિકરૂપે મહત્વપૂર્ણ છોડને પરાગાધાન કરે છે. જંતુ ખાનારા ચામાચીડિયા ચોખા,મકાઈ,કપાસ અને સંભવિત, ચાના ખેતરોમાં જીવાતોના જંતુઓને ખાનાર છે. તેથી ચામાચીડિયા ઇકોલોજીકલ અને માનવ સ્વાસ્થ્યને લાભ આપે છે, અને અમૂર્ત આર્થિક લાભ પ્રદાન કરે છે.
6.સમાજને તંદુરસ્ત સહઅસ્તિત્વ માટે રોગચાળાના તથ્યો ઉપરાંત તેની આસપાસની ચામાચીડિયા વિશે વધુ જાગૃતિની જરૂર છે. તેથી,અમે મીડિયાગૃહો અને પ્રેસને વિનંતી કરીએ છીએ કે ચામાચીડિયા અને અન્ય પ્રાણીઓ પરના તેમના નિવેદનોની શક્ય નકારાત્મક અસરોને પ્રસારિત કરતા પહેલા તે ધ્યાનમાં લે. 7. છેલ્લે, અમે દક્ષિણ એશિયાના દેશોની સરકારોને વિનંતી કરીએ છીએ કે ચામાચીડિયાઓની ઇકોસિસ્ટમ સેવાઓ અને તેમની ધીમી સંવર્ધન ક્ષમતાને ધ્યાનમાં રાખીને બેટને સુરક્ષિત રાખવા કાનૂની માળખાને મજબૂત બનાવવું જોઈએ.
תגובות