કીડીખાઉ, વન્યપ્રાણીનું આ નામ ઘણી વખત સાંભળ્યું હશે પણ જોવા ભાગ્યે જ મળતું હોય છે. આપણી વન્યસંપદાનું એવું અજબનું પ્રાણી જે દાંત વગર હજારો કીડી હોય કે ઉધઈ આરોગી જાય છે. સાથોસાથ ધૂળ અને પથ્થર પણ ખાઈ જાય છે,જે તેના પાચનતંત્રને મજબૂત બનાવીને ગળેલો ખોરાક પચાવવામાં મદદરૂપ બને છે.

ગુજરાતમાં જોવા મળતા કીડીખાઉનું નિર્વસનતંત્રમાં ભ્રમણ / ફોટો : વિકી ચૌહાણ
કીડીખાઉ આખા શરીર ઉપર એક અભેદ્ય ભીંગડાનું કવચ ધરાવે છે. આ ભીંગડા કેરાટિન નામના તત્વથી સર્જન પામેલા હોય છે,આ એ જ કેરાટિન છે,જેનાથી આપણા નખ,વાળ અને પ્રાણીઓના શિંગડાનું નિર્માણ થાય છે.આ ભીંગડા તેના માટે ઢાલનું કામ કરે છે.તેથીજ તેનું બીજું નામ સ્કેલી એન્ટઈટર પણ છે.
આ સસ્તન પ્રાણી બિલાડી કરતા થોડું મોટું હોય છે.તે કોઇને નુકસાન નથી કરતું અને મિત્રો બનાવી શકે છે.રસપ્રદ બાબત એ છે કે,કીડીખાઉને દાંત નથી હોતા.પણ તેની જીભ અત્યંત લાંબી હોય છે.એક અંદાજ મુજબ 25-40 સે.મી લાંબી જીભ ઉપર ચીકણો સ્ત્રાવ હોય છે.આ જીભથી તે કીડી અને ઉધઈને તેના ઘરમાંથી આસાનીથી ખેંચી લે છે.કીડીના રાફડામાં લાંબી જીભ નાંખીને અંદર ફેરવે છે,આમ થતા વેંત જ કીડીઓ જીભ પર ચોંટી જાય છે. જો કે અસંખ્ય કીડીઓ ખાવા છતાં તેને પૂરતા પોષક-તત્વો મળતા નથી.પોતાના પંજાના લાંબા નખથી તે જમીનમાં આસાનીથી ખોદકામ કરી શકે છે.આ સસ્તનધારી પ્રાણીની લંબાઈ 45 ઇંચથી 4.5 ફુટ લાંબી હોય છે. તેઓ ઉષ્ણકટિબંધીય જંગલો,નદીની ભેખડ અને રેતાળ વિસ્તારોમાં વસે છે.કેટલાક પેંગોલિન્સ પોતાનો સમય ઝાડમાં વિતાવે છે અને અન્ય ભૂગર્ભમાં ખાડો ખોદીને સૂઈ જાય છે.
જોવામાં અને સાંભળવામાં ઓછું સંવેદનશીલ કીડીખાઉની સૂંઘવાની શક્તિ અત્યંત જોરદાર હોય છે, કીડીખાઉને હુમલો થવાની ભીતિ કે ભયના સંકેત મળતાં વેંત જ પોતાનું મોઢું અંદર સંતાડીને બોલની જેમ ગોળ આકારનું બની જાય છે.આમ થતા જ શિકારી ડરી જાય છે અને ન ડરે તો પૂંછડીના ભીંગડા એકજ ચીરે લોહી પાડવાની ક્ષમતા તે ધરાવે છે.

ભયની સ્થિતિમાં ગોળ બની ગયેલું કીડીખાઉ / ફોટો : વિકી ચૌહાણ
કીડીખાઉનાં ભીંગડા તેના શરીરના કુલ વજનના 20% જેટલા ભારે હોય છે.તે જયારે ગોળ બની જાય એટલે ભીંગડા બાહ્ય તરફ આવી જતા હોય છે,ભીંગડામાં ખૂબ તીક્ષ્ણ ધાર હોય છે,આ ભીંગડા રેઝરની બ્લેડ માફક માનવ અથવા શિકારીની ત્વચાને કાપી શકે છે.બહુ જ ભયાવહ માહોલ સર્જાય તો કીડીખાઉ તેની ગ્રંથીઓમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહીને પણ છોડે છે.કીડીખાઉ પોતાના પાછલા બે પગ પર ઉભું રહી શકે છે.
જંગલના રાજાને પણ આ નાનકડા જીવે ભીંગડાના કવચ થકી હંફાવી દીધાનો દુર્લભ દાખલો ગુજરાતમાં બનેલો છે, 28 મેં 2011ના રોજ સાસણ ગીરના ડીસીએફ ડો.સંદીપ કુમારે આ બનાવ જોયો હતો. જ્યાં સિંહ ભારતીય પેંગોલિનનો શિકાર કરવાના મૂડમાં હતો,પણ આ સંવેદનશીલ પેંગોલિન સ્થિતિ પારખી ગયું હતું અને પોતાને એક સશસ્ત્ર બોલમાં વળાંક આપી દીધો અને ત્યારબાદ પ્રચંડ સ્નાયુબદ્ધ શક્તિનો પરિચય એવો તે આપ્યો કે સાવજ પણ તેને બોલમાંથી સામાન્ય સ્થિતિમાં ન હતો લાવી શક્યો.કારણ કે તે ભીંગડા પણ અતિ તીક્ષણ હોય છે.વન્યજીવન ઇતિહાસમાં આ ઘટના આજેય રેર મોમેન્ટ તરીકે નોંધાયેલી છે.
કીડીખાઉ ગર્ભાવસ્થા દરમિયાન ફક્ત એક જ બચ્ચાને જન્મ આપે છે.જ્યારે જન્મ થાય છે,ત્યારે વિવિધ પ્રજાતિઓના આધારે બાળકોનું વજન આશરે 50-450૦ ગ્રામ હોય છે. કીડીખાઉનાં બાળકોના નરમ ભીંગડા હોય છે,જે એકદમ ઝડપથી સખત બને છે.બચ્ચું જન્મથી લગભગ ત્રણ મહિના સુધી તે માતાની પૂંછડી પર સવારી કરતુ હોય છે.
પેંગોલિનની વૈશ્વિક સ્તરે આઠ પ્રજાતિઓ છે.જેમાંથી ઇન્ડિયન પેંગોલીન અને ચાઈનીઝ પેંગોલીન ભારતમાં જોવા મળે છે. ચાઈનીઝ પેંગોલીન ખાસ કરીને ઉત્તરીય ભારતમાં અને ઇન્ડિયન પેંગોલીન બાકીના દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે.IUCN (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર)અનુસાર આ પ્રજાતિ ભયગ્રસ્ત છે.
દેશભરમાં વસ્તી સાથે ગુજરાતભરમાં તે જોવા મળે છે.ગુજરાતમાં બનાસકાંઠા,જૂનગાઢ,કચ્છ,સાબરકાંઠા અને ગાંધીનગર સહીત છૂટાછવાઈ દરેક જગ્યાએ જોવા મળે છે. જો કે તે નિશાચર પ્રાણી હોવાથી તેના દર્શન દુર્લભ છે.કીડીખાઉનો મુખ્ય આહાર તેના નામ પ્રમાણે કીડી અને ઉધઇ છે.એક રીતે તે ઉધઈ નિયંત્રણ કરનાર છે.એક અભ્યાસ એમ પણ કહે છે કે,પુખ્ત વયનું એક પેંગોલીન એક વર્ષમાં 70 મીલીયન જેટલા જીવાણુને પેટમાં પધરાવી ઓઈંયા કરી દે છે.
Khubj jordar lekh ane sathe khubj hordar photo 🙏😊