9 એપ્રિલ 1965ના પરોઢે 3 વાગ્યે પાકિસ્તાનની બ્રિગેડે 3500 સૈનિકો સાથે કચ્છ રણ તરફ આગળ વધતા ઓપરેશન શરુ કર્યું અને ભારતીય ભૂ-ભાગ પર કબ્જો જમાવવા પૂરી તાકાત સાથે સરદાર અને ટાકપોસ્ટ પર હુમલો કર્યો હતો. બીએસએફ નું અસ્તિત્વ ન હોતા તે સમયે CRPF (સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ)ની દ્વિતીય બટાલિયન અહીંની સરદારપોસ્ટ અને ટાકપોસ્ટ પર બહુજ જૂજ પોલીસ જવાનો દ્વારા કડક ફરજ બજાવી રહી હતી.પાકિસ્તાની બ્રિગેડના હુમલાનો જવાબ આપતા 15 કલાક સુધી સતત ધૂંઆધાર લડીને CRPFની નાનકડી એવી સેકન્ડ બટાલિયને ભારે બહાદુરીથી દુશ્મનોને હાર આપી હતી.આ લડાઈમાં પાકિસ્તાની સૈન્યના 34 જવાનો માર્યા ગયા અને ચારને જીવતા પકડી લેવાયા હતા.આ તરફ CRPFના છ જવાન શહિદ થયા અને 19ને પાકિસ્તાની સેનાએ બંધક બનાવી લીધા હતા.અંધારી રાતમાં રણવચાળે એકધારી પંદર કલાક સુધી ચાલેલી લડતમાં CRPF જવાનો તેમની પાસે હાજર સાધનો વડે વીરતાથી લડ્યા હતા અને આપણી ચોકી બચાવી રાખી હતી.દુનિયાના લશ્કરી લડાઇના ઇતિહાસમાં આ પહેલી ઘટના હતી જેમાં અર્ધ સૈનિક દળની નાનકડી ટુકડીએ સંપૂર્ણ રીતે ઇન્ફન્ટ્રી બ્રિગેડની મુંહતોડ માત્ર જવાબ જ ન આપ્યો પણ દુશ્મનોને જાન-માલનું નુકસાન પહોંચાડ્યું અને પાછા જવા મજબૂર કર્યા હતા.આ પરાક્રમની યાદમાં દેશભરમાં આ દિવસને CRPF 'વીરતા દિન' તરીકે ઉજવે છે.


કચ્છ રણસરહદે આવેલી સરદાર પોસ્ટ / ફોટો :કૌશિક કાંઠેચા
કચ્છના રણમાં ખેલાયેલા આ યુદ્ધમાં ભારતમાતાના છ સપૂત શહિદ થયા હતા.CRPFના છ વીર જવાનમાં લાન્સ નાયક કિશોર સિંહ,લાન્સ નાયક ગણપત રામ,સિપાહી શમશેર સિંહ,સિપાહી જ્ઞાન સિંહ,સિપાહી હરિરામ અને સિપાહી સિદ્ધવીર સિંહ પ્રધાન શહિદ થયા હતા.આ યુદ્ધ મિલિટ્રીના ઇતિહાસમાં આજેય સુવર્ણ અક્ષરે લખાયેલું છે.આ બટાલિયને પાકિસ્તાની બ્રિગેડને ખદેડી અને માં ભોમની રક્ષા કરી હતી. કચ્છના રણની સરદાર પોસ્ટ બચાવી માતૃભૂમિની રક્ષા કરનારા છ વીર શહીદોની યાદમાં વિઘાકોટ નજીક કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે સ્મારક બનાવવામાં આવ્યું છે,આ સ્મારકનું ગતવર્ષે નવીનીકરણ કરાયું છે.જેનું ઉદ્ઘાટન CRPFના વેસ્ટર્ન કમાન્ડના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ એવા IPS અધિકારી રાજકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય છે કે,દર વર્ષે CRPF અહીં બહાદુર જવાનોને ગૌરવભેર સલામી આપી યાદ કરે છે,ત્યારે ઈન્ડો-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલું આ નવું સ્મારક દેશદાઝને વધુ પ્રબળતાથી જીવંત કરી રહ્યું છે.

સરદાર પોસ્ટ પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતા CRPF વેસ્ટર્ન કમાન્ડના IGP શ્રી રાજકુમાર / ફોટો સ્ત્રોત : CRPF
#CRPF #India #RannofKutch #SardarPost#ValourDay
Comments