top of page

ઝરખ માત્ર મડદાનું પ્રાણી નથી,સિંહ અને વાઘથી પણ તેનું જડબું મજબૂત છે

Writer: Ronak GajjarRonak Gajjar

ઝરખ આ નામ સાંભળીને કૂતરા જેવું પ્રાણી દેખાઈ આવે.લાગે કે નાનકડું મોટું માંસ ખાઈ જીવન કાઢી લેતું હશે. એવું નથી બોસ ! આ નાનકડું એવું ઝરખ સિંહ અને વાઘને પણ બચકા ભરવાની તાકાતમાં હરાવી દે તેમ છે. તમને નવાઈ લાગશે કે ઝરખના બાઈટમાં 1100 પી.એસ.આઈ(પાઉન્ડ પર સ્કવેર ઇંચ) દબાણ હોય છે. સાદી ભાષામાં સમજીએ તો એક ચોરસ સેન્ટીમીટરમાં 77.33 કિલોગ્રામનું દબાણ તેનું જડબું આપી શકે છે. મગર પછી આ બાબતમાં ઝરખ બીજા નંબરે આવે છે. જે તેને દબંગ શિકારી પણ સાબિત કરે છે.ઝરખએ પશ્ચિમી એશિયામાં આવેલ લેબનનનું રાષ્ટ્રીય પ્રાણી છે.

શરીરની વિચિત્ર રચના ઝરખને બિહામણું રૂપ આપે છે


ઝરખ એ ન તો કુતરા કે ન તો બિલાડી કુળનું પ્રાણી છે. તેનું પોતાનું અલગ જ કુળ (Hyaenidae) છે ગુજરાતીમાં તે પટ્ટાવાળા ઝરખ (Striped Hyena) થી ઓળખાય છે.પટ્ટાંવાળું ઝરખ મુડદાલ અને માંસભક્ષી સાથોસાથ અત્યંત શરમાળ પ્રાણી છે. નિર્વસનતંત્ર જોઈએ તો ગુજરાતમાં અને રાજ્યબહાર પણ જંગલ, ઝાડીઝાંખરા વિસ્તાર,અર્ધ-શુષ્ક તથા ઘાસીયા વિસ્તારવાળી જમીનોમાં તેઓ વસી રહ્યા છે.ખાસ કરીને ગામના સીમાડા અને નદીના કોતર વિસ્તારમાં જોવા મળે છે. ઝરખના મોઢાનો ભાગ ઘેરા રંગનો હોય છે. સતત અલર્ટ હોય તેમ લાંબા ઉભા કાન, શરીર ઉપર સુંદર કાળા અને સફેદ પટ્ટાઓ તેને અન્ય ઝરખની પ્રજાતિથી અલગ બનાવે છે. શરીર ઘોડાને હોય તેવાં રૂંવાટીવાળા વાળ.ત્રણથી ચાર ફૂટ ઊંચા પ્રાણીના આગળના બે પગ ઊંચા તો પાછળના પગ નાના હોય છે. ઝરખની આ શરીર રચના તેને આશ્ચર્યજનક અને ડરામણો દેખાવ આપે છે. ઝરખની સૌથી મોટી શક્તિ છે તે તેનું જડબું છે, મુડદાલ ઝરખ ભેંસ જેવા મોટા પ્રાણીનો પગ પણ એક જ બાઈટમાં અલગ કરી શકે છે.સામાન્યતઃ પશુઓના મૃતશરીરનો નિકાલ કરાતો હોય તેવી ડમ્પીંગ સાઇટ્સ,પોલ્ટ્રી ફાર્મનો નિકાલ કરાયો હોય તેવી જગ્યાએ રાત્રે તેઓ જોવા મળતા હોય છે. ઝરખ અન્ય માંસભક્ષી પ્રાણીઓએ કરેલા શિકાર પર નભતું હોય છે અને જરૂર પડ્યે નાના મોટા શિકાર પણ તે કરી શકે છે.આ પ્રકારે તે ગીધની માફક કુદરતનું સફાઈ કામદાર છે,કારણ કે મૃત પ્રાણીથી દુર્ગંધ અને કેટલાક વાયરસ ફેલાવતા પણ આ સસ્તનધારી પ્રાણી રોકે છે. ઝરખને નજીકથી જોનારા લોકો એમ પણ કહે છે કે,ક્યારેક તે ફળ પણ ખાઈ લે છે.


ઝરખની બીજી રસપ્રદ બાબત એ છે કે તે મૃતપ્રાણીના માંસ તો ઠીક હાડકાનો પણ ભૂક્કો કરી શકે છે.હવે પ્રશ્ન એમ પણ થાય કે આ મુડદાલ પ્રાણીને આ બધું પચતું કેમ હશે?. કારણ કે તેના પેટમાં હાઈડ્રોકલોરિક એસિડનું પ્રમાણ હોય છે,જેથી પાચનતંત્ર વધુ મજબૂત હોય છે.અન્ય પ્રાણીઓની જેમ ઝરખ નાકનું કાચું હોય છે એટલે સૂંઘવામાં નબળું હોય છે. પણ રાત પડે એટલે તેની નજર સચોટ અને ધારદાર બની જાય છે અને બહુજ દૂર સુધી તે બધુજ નિહાળી શકે છે.ઝરખનું વજન 50 કિલોગ્રામ જેટલું હોય છે જે સરેરાશ 30 કિલોગ્રામ સુધી હોય છે,અને તેનો જીવનકાળ 10-25 વર્ષનો હોય છે. તેઓ 50 કિમિ/કલાકની ગતિએ દોડી પણ શકે છે.ઝરખ કૂતરું હસતું હોય તેઓ અવાજ તે કાઢે છે,ભયસ્થાનમાં હોય કે દોડતું હોય ત્યારે તેની રૂંવાટી જે 6 ઇંચ જેટલી હોય છે તે એકદમથી ઉભી થઇ જાય છે.


ભાગતા સમયે ઝરખના વાળ આ પ્રકારે ઊંચા થઇ જાય છે


ઝરખ સામાન્યતઃ રહેવામાં બખોલમાં રહેતા હોય છે,ધારે તો તે પોતાના નિવાસ બનાવી શકે છે. જો કે ક્યારેક શાહુડીની બખોલ પર પણ દબાણ કરતા આ જીવ અચકાતો નથી. કેટલીય વાર પથ્થરના ઢગલા નજીક નાનકડો ખાડો કરીને પણ રહી લેતા હોય છે.રાત્રી દરમ્યાન તેઓ પાણી અને ખોરાકની શોધમાં બખોલ છોડતા હોય છે.ઝરખ પણ જીવનસાથીને લઈને 'કમિટેડ' હોય છે,જીવનભર એક જ સાથી જોડે તે આયખું કાઢે છે તેમ સંશોધકોનો દાવો છે.નર ઝરખ માદાને બખોલ બનાવવામાં મદદ કરે છે. સામન્યતઃ જાન્યુઆરી-ફેબ્રુઆરી તેમનો સંવનનકાળ હોય છે અને 3 મહિનાના ગર્ભધારણ બાદ માદા 1-4 બચ્ચાઓને જન્મ આપે છે.


રાત્રીના અંધકારમાં માંસભક્ષી ઝરખની દુર્લભ તસ્વીર


ગુજરાતમાં કચ્છ,દાહોદ,ગીર,બનાસકાંઠા,સાબરકાંઠા,ગાંધીનગર સહીત રાજ્યભરમાં તેની હાજરી નોંધાયેલી છે.વિશ્વમાં ઝરખની ચાર પ્રજાતિ છે સ્પોટેડ હાયના,બ્રાઉન હાયના,સ્ટ્રાઇપડ હાયના (આપણા ત્યાં જોવા મળતું પટ્ટાવાળું ઝરખ) અને આર્ડવોલ્ફ છે.


ઝરખને પણ ઘોરખોદિયાની જેમ બદનામ કરાયું છે કે તે દાટેલા મડદાને ખાઈ જાય છે. જો કે કહેવાય એમ છે કે વિશ્વયુદ્ધ વખતે જયારે અસંખ્ય લાશો ઢળી હતી ત્યારે આ મુડદાલ પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે સામે આવ્યું હતું. ત્યારથી વિશ્વભરમાં અનેક કિંવદંતીઓ આજેય લોકજીભે ચડેલી છે કે તે મડદા ખાય છે. IUCN રેડલિસ્ટ મુજબ ઝરખની વૈશ્વિક વસ્તી 5000-9999 જેટલી છે,જે ઘટી રહી છે. તેને ભયગ્રસ્ત નજીકની સ્થિતિમાં આંકવામાં આવ્યું છે. વનવિસ્તારમાં ઘટાડો,કોન્ક્રીટના જંગલોનું નિર્માણ,શિકારી પ્રવૃતિઓ તેના મુખ્ય ભયસ્થાનો છે. ઝરખને બચાવવા રિસોર્સ અને નિર્વસન તંત્રનો બચાવ,સાઈટ મેનેજમેન્ટ અને લોકજાગૃતિ ફેલાવવી અત્યંત જરૂરી છે.


ઝરખની ઉપરોક્ત તમામ તસ્વીર જાણીતા વન્યજીવ તસવીરકાર વિકી ચૌહાણ દ્વારા લેવામાં આવી છે.

 
 
 

Comentários


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page