રોનક ગજજર (૧૮૧૯ના ભૂકંપનું સત્ય - ભાગ 4) :16 જૂન 1819ના ભૂકંપની અસરના લીધે આડેસરથી લઈને લખપત સુધી દરેક શહેર અને કિલ્લાઓને નુકસાન થયું.માંડવીમાં 150 લોકોએ જીવ ગુમાવ્યો અને અંજારમાં 1500 મકાન પડ્યા તો 1000 ખંડેર બની ગયા હતા.
આ ભૂકંપે લોકોને ભૌતિક,આર્થિક અને માનસિક રીતે ભાંગી નાખ્યા હતા. બ્રિટિશ અમલદાર અને તત્કાલીન કચ્છ કલેકટર કેપ્ટ્ન જેમ્સ મેકમર્ડૉએ અંજાર ખંડેર બનતા એ સમયે મિલ્કત વેરો માફ કર્યો હતો. આજે જયારે લોકોને એ માટે પણ અરજી કરવી પડે છે,ત્યારે સત્તાધીશ તરીકે મેકમર્ડૉએ સામેથી બ્રિટિશ સરકારને પત્ર લખીને કહ્યું કે,ખંડેરમાં ટેક્ષ ન વસૂલી શકાય !
કચ્છ,વાગડ અને ભુજને અંગ્રેજ અમલશાહી વખતે અલગ-અલગ નજરે જોવાતા હતા,તેનો ખ્યાલ પત્રો પરથી આવી જશે. ભુજના રેસિડેન્ટ કમાન્ડિંગ અધિકારીને ભૂકંપ અને આફ્ટરશૉક વખતે વાવાઝોડું આવ્યું એમ લાગતું હતું,અદ્દલ જે 2001માં આપણામાંથી ઘણા બધા લોકો એ વિનાશકારી ભૂકંપને પણ વાવાઝોડું સમજી બેઠા હતા.
વાંચો ભુજના કમાન્ડિંગ ઓફિસર અને કચ્છ કલેકટર જેમ્સ મેકમર્ડૉનો 19 જૂન 1819,એટલે આજના દિવસે જ એકદમ 201 વર્ષ પહેલાનો પત્ર વ્યવહાર !

-------------------------
અંજારમાં 166 લોકો મૃત્યુ પામ્યા,મિલ્કત વેરો માફ કરાયો
19 જૂન 1819 - અંજાર
પ્રતિ,
વિલિયમ ન્યૂહામ,
એક્ટિંગ સેક્રેટરી,
ગવર્નમેન્ટ ઓફ બોમ્બે
સાહેબ,
17 મીના મારા પત્રવ્યવહાર મુજબ જાણવા મળ્યું છે કે,દરેક કારણ એ માનવા માટે મજબૂર કરે છે કે દેશના દરેક ભાગમાં થોડાથી લઈને ભયંકર વિનાશ વેરાયો છે.આડેસરથી લઈને લખપત સુધી દરેક શહેર અને કિલ્લાઓને નુકસાન થયું છે. મને ડર છે કે,કચ્છ અને વાગડમાં ઓછું નુકસાન થયું છે.ભુજે વધુ વિનાશ જોયો છે.શહેરની દીવાલ જમીનદોસ્ત થઇ ગઈ છે. મહેલો અને લોકોના ઘરો ખંડેર બની ગયા છે.કેટલી જાનહાની થઇ તે ચોક્કસપણે જાણી નથી શકાયું પણ આંકડો પાંચ સો લોકોની જાનહાનિનો છે.રાવ રાયધણની વિધવા પત્ની સિવાય રાવનો પરિવાર બચી નીકળવામાં સફળ થયો હતો. માંડવીમાં અન્ય સ્થળોની સરખામણીએ ઓછું નુકસાન થયું છે,ત્યાં 150 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અંજારમાં આપણને થયેલું નુકસાન મેં ધાર્યું હતું તેના કરતા વધારે છે,દુઃખ સાથે 166 લોકોએ જીવ ગુમાવ્યા છે.શહેરમાં 4500 મકાનમાંથી 1500 ઘર સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા છે,જેમાં એક પણ પથ્થર બચ્યો નથી.અંદાજિત 1000 મકાનો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.કિલ્લાનો હવે ત્રીજો ભાગ માંડ ઉભો છે,જે પહેલા વરસાદમાં જ પડી જવાની શક્યતાઓ રહેલી છે.
બદનસીબ લોકોનું દુઃખ વ્યક્ત કરવાનું અત્યંત અઘરું છે,તેઓની મિલ્કત ખંડેર બની ગઈ છે.અને તેને હવે વાતાવરણથી બચાવી શકાય તેમ નથી.કેટલાય પરિવારો આ ખંડેરમાં અને કેટલાય ખુલ્લામાં રહી રહ્યા છે.પરિસ્થિતિ એટલી સામાન્ય લોકોને અસર કરી છે કે,પૈસા આપીને પણ મજૂર મળે એમ નથી.
મારા પાસે એટલી સતા નથી કે તેમને હું ભૌતિક રીતે મદદ કરી શકું,પણ મારા પાસે જે સતા હતી તે મેં કર્યું છે. તેઓને મિલ્કત પરનો વેરો માફ કર્યો છે અને હું સરકારને કેટલાક મહિનાઓ માટે આ ચાલુ રાખવા અરજ કરું છું.ખંડેર શહેરમાં ટેક્ષ લેવો અશક્ય છે.
મેં મજૂરોને શેરીઓ સાફ કરવા લગાવી દીધા છે,જેથી વરસાદનું પાણી વહી શકે. જો વરસાદ તોફાન સાથે આવશે તો આ શહેર પાણીના છ ફુટ નીચે જઈ શકે તેમ છે.
મેં કમાન્ડિંગ ઓફિસરને ને અહીં સહયોગ આપવા કહ્યું હતું,પણ મને જણાવતા દુઃખ થાય છે કે,તેમને લોકોને પગારદાર રાખીને રહેવાસીઓને મદદ કરવાનું યોગ્ય લાગ્યું નથી.આ સાથે મેં સરકારની જાણ માટે પત્રવ્યવહાર જોડ્યો છે.
હું આ લખું છું ત્યારે કૉલોનેલ માઈલન્સ દ્વારા 150 ડોલી અમને મોકલવામાં આવી છે.
કેપ્ટ્ન જેમ્સ મેકમર્ડૉ
રેસિડેન્ટ ભુજ-કલેકટર અંજાર
-------------------------
ભૂકંપ જોઈને કર્નલને વાવાઝોડું આવ્યું હોય તેવું લાગ્યું
19 જૂન 1819-ભુજ
પ્રતિ,
વિલિયમ ન્યુહામ,
એક્ટિંગ સેક્રેટરી,
ગવર્નમેન્ટ ઓફ બોમ્બે
આજે દિવસમાં 12 વાગ્યે ભયંકર કંપન થયું હતું,તે વધુ તીવ્ર હતું.જેથી અમે હજુ પણ ભયમાં છીએ.શહેરમાંથી 50 થી 100 ગુમ થયેલા મૃતદેહો મળી આવ્યા છે.આ ભયંકર ઘટના બની તે પહેલાં અમને તેના ઘટવાની ચેતવણી જેવું પણ કશું ન લાગ્યું. ભૂકંપ પહેલા સાંજે મેં શહેરની ટૂંકી સવારી કરી.હવામાન આનંદદાયક હતું, સ્પષ્ટ આકાશ,ધીમો પવન અને સંપૂર્ણ ઠંડી,થોડા દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો.
જ્યારે હું ઝડપી વૉકમાં ઘરે પાછો ફર્યો, ત્યારે સૂર્યાસ્તના થોડા સમય પછી અમારા કેમ્પના પા માઈલ આગળ મને અચાનક કંઈક અસામાન્ય લાગ્યું અને મારા ઘોડાની ઝડપ અસાધારણ લાગી. તેના પગ ગતિમાં દેખાયા હતા પરંતુ તે ક્યાંય જઈ ન હતો રહ્યો.તે જ સમયે, મારા માથામાં ચક્કર આવવા લાગ્યા અને મારા પેટમાં દુખાવો ઉપડ્યો.ઘોડાએ વિચિત્ર ગતિથી આગળ વધવાનું વિચારી લીધું અને મેં ધાર્યું કે, તે બીમાર છે અને નીચે પડી શકે છે.જ્યારે હું ઉતરવાનું વિચારી રહ્યો હતો ત્યારે, ટેકરીના કિલ્લાના કેન્દ્રમાંથી બહાર નીકળતી ધૂળના ઉમટેલા વાદળો દ્વારા મારું ધ્યાન ભ્રમિત થયું.
એકચોટ મને એમ લાગ્યું કે દારૂગોળાનો તે વિસ્ફોટ છે,પણ જેવી મારી નજર ડાબી બાજુના ભુજ પર પડી મેં જોયું ક્ષિતિજ સુધી આવા જ ધૂળિયા વાદળો ચોતરફ છવાયેલા હતા.અને મેં મારી પાછળ ફરીને જોયું તો સમાન પરિસ્થિતિ હતી.મને સંતોષ થયો એ તે ધૂળ છે,દારૂગોળો નથી.મને લાગ્યું તે ટાયફૂન અથવા હરિકેન (વાવાઝોડું) આવ્યું છે.પરંતુ હજી પણ હું જ્યાં ઊભો હતો,ત્યાં સંપૂર્ણ શાંત અને નિરવતાનો મને ડર લાગતો હતો.ક્યાંય પવનનો ઉદ્દભવ પણ દેખાતો ન હતો.
હું જલ્દીથી કેમ્પમાં જઈ રહ્યો હતો,મેં આસિસ્ટન્ટ રેસિડેન્ટ કેપ્ટ્ન વિલ્સનને જોયા,જે મારી સાથે ઘોડેસવારી કરી રહ્યા હતા અને અમુક મિનિટો પહેલા જ છૂટા પડ્યા હતા.શહેરથી મારી તરફ તેઓ આવી રહ્યા હતા. તેમને મને કહ્યું કે,તેઓ શહેરના એક દરવાજાથી આ તરફ આવ્યા છે જ્યાં કેટલોય ભંગાર પડ્યો છે અને તે દરવાજો પણ તૂટી પડ્યો છે.આ જાણીને મને સમજાયું,ત્યાં સુધી મને અંદાજો પણ ન હતો કે આ ભૂકંપ છે. હું જયારે માર તંબુમાં ગયો તો જોયું કે,રાત્રી ભોજન માટે ગોઠવાયેલી ટેબલ અસ્ત વ્યસ્ત થઇ ગઈ છે અને તેની પર પડેલી દરેક વસ્તુઓ ટુકડાઓમાં વિખેરાઈ ગઈ છે.
રાવની માતા અને તેના પિતાની પત્નીઓ શહેરમાં પીડિતો પૈકીના હતા. પેલેસનો કેટલોક ભાગ તેમના પર પડ્યો હતો.
કર્નલ માઈલન્સ
રેજિમેન્ટ કમાન્ડર અધિકારી-ભુજ
Comments