-3000 વર્ષ પહેલા કચ્છના રણમાં આવેલ કરીમશાહીમાં લોહયુગની માનવ વસાહત હતી
-ધોળાવીરા બાદ લોકો અહીં વસ્યા હોવાનું સંશોધન :ચીનની વસ્તુઓ મળી
-વિઘાકોટ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલું છે અને હાલ BSF (બોર્ડર સેક્યુરીટી ફોર્સ) હસ્તક છે -ભુજથી 163 કિલોમીટર દૂર વસેલું છે વિઘાકોટ,ઇન્ડિયાબ્રીજ થઈને જાય છે રસ્તો -વિઘાકોટ જવા બી.એસ.એફની પરવાનગી મળ્યા બાદ જ જઈ શકાય છે. કચ્છના મોટા રણવચાળે આવેલી કરીમશાહીમાં અને વિઘાકોટમાં આજથી 800 થી લઈને 3000 વર્ષ પહેલા લોહયુગમાં અહીં લોકો વસતા હોવાનું હાલનું મોટું પુરાતત્વીય સંશોધન સામે આવ્યું છે.આ સાથે હાલ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ એ વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપારમાર્ગનું ટ્રેડસેન્ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે. કચ્છ માટે હડપ્પન સંસ્કૃતિ બાદનું ગણનાપાત્ર અને મહત્વનું સંશોધન પ્રસિદ્ધ એલીસવિયર જર્નલમાં આ રિસર્ચ પેપર આર્કિયોલોજીકલ રિસર્ચ ઈન ઇન્ડિયાના નામે પ્રસિદ્ધ થયું છે.આજથી ત્રણ વર્ષ પહેલા આઈ.આઈ.ટી ખડગપુર,કચ્છ યુનિવર્સીટી,ડેક્કન કોલેજ,કોલકતા યુનિવર્સીટી અને પી.આર.એલ લેબના સંયુક્ત પ્રયાસોથી કચ્છના મોટા રણમાં કાળાડુંગર અને વિઘાકોટ વચ્ચેના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું.આ સંશોધન દરમ્યાન અહીંથી માટીના વાસણો,મોટી માત્રામાં હાડકા અને ચારકોલ મળી આવ્યા હતા.જેનું ઓપ્ટીકલી સ્ટીમ્યુલેટેડ લુમીનેસસેન્સ અને રેડિયોકાર્બન પદ્ધતિ દ્વારા પૃથ્થકરણ કરતા તાજેતરમાં એ નિષ્કર્ષ આવ્યો કે,આ અવશેષો લોહયુગના હોવાનું ફલિત થયું હતું.
આઇ.આઇ.ટીના નિષ્ણાતોના મતે કચ્છ વિસ્તારમાં મળેલા હડપ્પન અવશેષો ખડકાળ ટાપુઓ પૂરતા મર્યાદિત હતા.અહીંના રણમાં હજી સુધી માનવીય વસાહતના કોઈજ પુરાવા કે નિશાન જોવા ન હતા મળ્યા.અહીંના નવા પુરાવા મુજબ સિંધુખીણની સંસ્કૃતિના પતન પછી ઉદભવેલા માનવ વસવાટનાં સ્થળોએ હવામાન પલટા અને પાણીની અછતને કારણે સમાપ્ત થયા હોવાનું ચોંકાવનારું તારણ પણ કાઢ્યું હતું.અહીંની માટી અને તેના તત્વો તપાસ જાણવા મળ્યું કે,કચ્છના અફાટ રણમાં પહેલા નદીઓ વહેતી હતી અને પુષ્કળ પાણીના કારણે જ પ્રારંભિક આયર્ન યુગથી મધ્યયુગીન સમય સુધી માનવ વસવાટ અહીં ટકી હતી. આ સંશોધનનું નેતૃત્વ આઈ.આઈ.ટી ખડગપુરના અનિંન્દ્યા સરકાર,ડેક્કન કોલેજ પુનાના આરતી દેશપાંડે,કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાત્રવિભાગના વડા ડો.મહેશ ઠક્કર,ડો.ગૌરવ ચૌહાણ,ઈસરોના ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના અનિલ શુક્લા અને નવીન જુયાલ અને ડિપાર્ટમેન્ટ ઓફ બોટોની કોલકતા યુનિવર્સીટીના સુબીર બેરા સહિતના સંશોધકોએ કર્યું હતું. જે ઇન્ટરડિસિપ્લિન રિસર્ચનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.આ સંશોધન દરમ્યાન બી.એસ.એફ દ્વારા ખાસ પરવાનગી આપવામાં આવી હોવાનું પણ સંશોધકોએ ઉમેર્યું હતું. - મોટા રણમાં નવું શું શું મળી આવ્યું ? કચ્છના મોટા રણમાં થયેલા સંશોધનમાં માટલા,છીપલા,ઘડા,બરણીઓ અને આખલાના પૂતળાં જેવી વસ્તુઓ ઉપરાંત હાડકાં અને દાંત સહિતના અસંખ્ય પ્રાણી અવશેષો પણ મળી આવ્યા છે.જેથી તે સીધું દર્શાવે છે કે મોટી સંખ્યામાં હાડકા હતા એટલે એ સમયે સંભવત પશુપાલનએ મોટો વ્યસાય હતો.

વિઘાકોટ નજીક મળેલા અવશેષો / ફોટો સ્ત્રોત :એલીસવિયર જર્નલ
વિઘાકોટમાં ચાઈનીઝ કિંગબાઇ પોર્સેલીન મળતા સંશોધકો ચોંક્યા
સંશોધકોના મતે કરીમશાહી અને વિઘાકોટ બન્ને કદાચ આ સમય દરમિયાન ટ્રેડ સેન્ટર તરીકે કાર્યરત હતા.વિઘાકોટમાં તેઓને 1100 વર્ષ જૂનું ચાઇનીઝ કિંગબાઈ પોર્સેલેઇન મળ્યું ,જે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બનાવવામાં આવ્યું હતું.આ સાથે દસમી સદીના પર્શિયાના સ્ગ્રાફિઆટો માટીકામ મળી આવ્યા છે.જેથી સંશોધકોએ કહ્યું કે,પશ્ચિમ એશિયા અને ચીન વચ્ચેના લાંબા અંતરના વેપાર માર્ગ માટે વિઘાકોટ મહત્વનું ટ્રેડસેન્ટર હતું.

વિઘાકોટનું કનેક્શન દર્શાવતો રૂટ મેપ / ફોટો સ્ત્રોત :એલીસવિયર જર્નલ
Comments