top of page

'રોડ કિલ' પર બ્રેક એ જ વન્યજીવોનું સાચું સંરક્ષણ

Writer: Ronak GajjarRonak Gajjar

આજે આપણે વાત કરીશું વન્યસંપદાના ભવિષ્ય પર માનવીએ સર્જેલ સમસ્યાની. જી હા ! રોડ કિલ એટલે વાહનની અડફેટે આવી માર્ગ પર થતા અમૂલ્ય વનસંપદાના અકસ્માતે મૃત્યુ. જેનું પ્રમાણ દીનબદિન વધી રહ્યું છે,ત્યારે એ કહેવું જરા પણ અતિરેક નથી કે ગ્લોબલ વોર્મિંગ,પ્રદુષણ કે જંગલોના નાશ બાદ રોડકિલએ ઘટી રહેલ વન્યજીવો માટેનું આવનારા દાયકામાં મુખ્ય પરિબળ બની રહેશે.


વન્યપ્રાણીઓને આમ તો આપણે બચાવી શકશું કે કેમ તે મોટો પ્રશ્ન છે. પણ તમારી ગાડીની એક બ્રેક અમૂલ્ય વન્યસંપદાને ચોક્કસ બચાવી શકે છે. ગુજરાત રાજ્યમાં દિન દુગના રાત ચોગુના અનેક વન્યજીવો માર્ગ અકસ્માતોમાં મોતને ભેટી રહ્યા છે.અને આપણે અમુલ્ય વન્યસંપદા ખોઈ રહ્યા છીએ. જે બચાવવા,રોડ કિલ પર બ્રેક એ જ વન્યજીવોનું સાચું સંરક્ષણ ગણાશે.


દુર્લભ ઝરખનું ખાવડા માર્ગ પર અકસ્માતમાં મૃત્યુ

ગુજરાતમાં જોવા મળતા વન્યજીવોની વાત કરીએ તો એક અંદાજ મુજબ અહી 480થી વધુ પક્ષીની પ્રજાતિઓ,100 થી વધુ સસ્તન વર્ગના પ્રાણીઓ અને 107થી વધુ પ્રકારની સરીસૃપ જીવસંપદા વસી રહી છે. દરેક પ્રકારના નિર્વસન તંત્રની કુદરતે વ્યવસ્થા કરી હોવાથી અહી જીવ વૈવિધ્યતા બહોળી સંખ્યામાં જોવા મળે છે,પણ સાથો સાથ આપણી બેદરકારીના કારણે આમાંથી કેટલીય વન્યસંપદા માર્ગ અકસ્માતમાં મોતના ઘાટ ઉતરી રહી છે અને ભયજનક સ્થિતિમાં મુકાઇ રહી છે. રોડ કિલના ઉદાહરણ જોવા જઈએ તો ભાગ્યે જ જોવા મળતા સસ્તન વર્ગમાં ઝરખ,શિયાળ,લોમડી,વીજુ,જંગલી બિલાડી,રણ બિલાડી,કીડીખાઉ સહિતના માર્ગ અકસ્માતોમાં મોતને ભેટી રહ્યા છે.

વાહન અડફેટે ચગદાઈ ગયેલી Civet Cat- વિજુ / ફોટો : રોનક ગજજર

પક્ષીઓમાં દશરથીયું,વૈયા,લેલા,પતરંગો,બુલબુલ સહિત અનેક રૂપકડા જીવો પણ લોહિયાળ રંગે રંગાઈ જીવ ખોઈ બેઠેલ જોવા મળ્યા છે.સરીસૃપોમાં જવલ્લેજ જોવા મળતો લોહારીયો સાપ,કાળોતરો સાપ,રૂપસુંદરી સાપ,ઘો,સાંઢો,નોળિયો સહિતની મહત્વની વન્યજીવની પ્રજાતિ પણ દૈનિક વધતા રોડકિલથી ધીમે ધીમે ભયજનક સ્થિતિ તરફ આગળ વધી રહી છે.

આસપાસ ભાગ્યે જ જોવા મળતી લોમડીનો રોડકિલ / ફોટો : નીરવ પોમલ


આ બધા જ મહત્વના જીવો પર ખતરો માત્ર આપના બ્રેક મારવાની આળસ અને સલામત ડ્રાઈવિંગના અભાવે સર્જાઈ રહ્યો છે.જે આવનારા દાયકાઓમાં જો આમ જ થતું રહ્યું તો નવી પેઢી આ નામ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ વાંચી ગુગલ ઈમેજમાં સર્ચ કરી જોવે તો નવાઇ નહિ !

સરીસૃપો જેવા કે સર્પ,ઘો,સાંઢો શરીરને ગરમ રાખવા રોડ પર પડ્યા રહેતા હોય છે.અને અચાનક પુરઝડપે વાહન આવતા તેઓ ખસકી શકતા નથી.ઉપરાંત સાપને કાન હોતા નથી પણ તે ધ્રુજારી અને ધ્વની મહેસુસ કરી શકે છે,જેથી વાહનોના અવાજ તેઓના ધ્યાનમાં નથી આવતા અને તેઓ મોતને ઘાટ ઉતરે છે.


વાત કરીએ પક્ષીઓની તો,આપણી નાનકડી ભૂલ પક્ષીઓનો જીવ ખોઈ નાખે છે.આપણે જયારે પ્રવાસ કરતા હોઈએ ત્યારે બચેલો ખાદ્યપદાર્થ કઈ પણ વિચાર્યા વગર રસ્તામાં ખુલ્લે ફેંકતા હોઈએ છીએ.એનું દુરોગામી પરિણામ આપણને ખબર નથી હોતી.બને એવું છે કે એ ફેંકેલા પદાર્થને ખાવા નાના કિટકો જેવા કે જીવડાંની પ્રજાતિઓ રસ્તા પર આવે છે. આ કીટકને આરોગવા પક્ષીઓ ગગનમાંથી રસ્તા પર તરાપ મારે છે. જો કે દુર્ભાગ્યવશ જયારે પક્ષીઓ કીટકો આરોગતા હોય ત્યારે એમાં મગ્ન હોતા પુરપાટ આવતા વાહનના પૈડાં નીચે તે ખુદ ભોગ બની જાય છે. હવે એનાથી એક પગલું આગળ જોઈએ,તો એ અકસ્માત બાદ પક્ષીનો મૃતદેહ રોડ પર પડ્યો જોઈ સસ્તનધારી પ્રાણીઓ જેવા કે શિયાળ,લોમડી મૃતદેહને ખાવા માટે આકર્ષાય છે,અને સતત વાહનોની અવરજવર વચ્ચે પણ પ્રયાસ કરે છે અને ક્યાંક ને ક્યાંક તે પણ વાહનની અડફેટે એક શિકારની લ્હાયમાં તેઓ રોડકિલનો ભોગ બને છે.આ રીતે કુદરતનું નિર્વસન તંત્ર ખોરવાઈ જાય છે.


ડાર્વિનનો ઉન્ક્રાન્તિવાદ એમ કહે છે,કે મોટો જીવ નાના જીવને ખાઈ જાય છે.જે તેના અસ્તિત્વ ટકાવી રાખવા અને કુદરતની નિર્વસન તંત્રની કડી જાળવવામાં અતિ મહત્વનું પાસું છે,પણ રોડકિલ અને વધતા માર્ગ અકસ્માતોમાં આ કડી ક્યાંકને ક્યાંક તૂટી રહી છે. સૂર્યપ્રકાશથી ઝાડ ઉછરે છે,તેનાથી કીટકોનું પોષણ થાય છે અને કીટકો સાપ જેવા સરિસૃપોનું ભોજન છે અને અંતે આવતા સસ્તનધારી પ્રાણીઓ જેવા કે શિયાળ તે સરિસૃપોથી પોતાનું પેટ ભરતા હોય છે. વધતા જતા રોડકીલમાં સરીસૃપો અને સસ્તનધારી પ્રાણીઓનો મૃત્યુ આંક ઊંચો ગયો છે.


ઉદ્યોગો સાથોસાથ વાહનવ્યવહાર પણ અનેકગણો વિકસ્યો છે . વિકાસ સાથે વિનાશ પણ ક્યાંક થયો,પણ તે છુપી રીતે જેની બાબતે કોઈ પણ વ્યક્તિએ ગંભીરતાથી વિચાર્યું નથી, તે છે રોડકિલ । આપણે વિકાસ કે આનુસંગિક વાહનવ્યવહાર રોકી શકવાના નથી,કારણ કે તે સમયની માંગ સાથે લોકોની જરૂરિયાત પૂરું પાડતું પગલું છે.આપણે સૌ માત્ર કરી શકીયે તો એ જ કે રોડ પર વાહન ચલાવતી વખતે સજાગ રહીયે.વન્યજીવ દેખાતા ગાડી બ્રેક કરી તેને બચાવીએ.


એ પણ કોઈ માનું બાળ છે,કોઈ સ્ત્રીપ્રાણીનો પ્રભાવી પુરુષ છે કે કોઈ પુરુષપ્રાણી જેના વગર ન રહી શકે તે સ્ત્રીવન્યજીવ છે એક વખત એ અમૂલ્ય વન્યજીવની જગ્યાએ માનવને રાખી વિચારશો તો ચોક્કસ બ્રેક આપોઆપ લાગી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.અને કુદરતનો અમૂલ્ય વન્યજીવ બચી જશે,જે આડકતરી રીતે પર્યાવરણની કડી જાળવવા મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. પક્ષીઓને બચાવવા સાથોસાથ એ પણ ધ્યાન રાખવું કે અચાનક એટલા પણ બ્રેક ન મારવા કે ક્યાંક ચલાવનારના વાહનનો જ અકસ્માત સર્જાઈ જાય.

કઈ રીતે બચાવાશું રોડ કિલ ? -સંરક્ષિત ક્ષેત્રમાં વાહન ધીમે ચલાવવું. -રોડ કે આસપાસ વન્યજીવ દેખાતા વાહન બ્રેક કરવું. -ઘાયલ વન્યજીવ કે પક્ષી રોડ પર હોય તો ઉભું રાખી સાઈડ મુકવું. -વન્યજીવ વાહન અડફેટે આવી ગયું હોય તો વન વિભાગને જાણ કરી બચાવવા પ્રયાસ કરવો. -વન્યજીવોને આપની સંપતિ સમજી સંરક્ષણ ના પ્રયાસ કરવા.


આવો સૌ આપણે સંકલ્પો લઈએ,વન્યજીવને પ્રોત્સાહન કદાચ ન આપી શકીયે પણ કુદરતના નિર્વસન તંત્રમાંથી તેની બાદબાકી તો ન કરીયે ------------------------------------------------------------------------------------------------------------ મારો અનુભવ : જાણે એના જીવમાં જીવ આવ્યો 26,જાન્યુઆરી,2017 - રોનક ગજ્જર આજે સાંજે પાંચ વાગ્યાની આસપાસ હું બાઈક પર જઈ રહ્યો હતો,એવાકમાં દર વખતની માફક રોડની વચ્ચે પડેલ નાના પક્ષી પર નજર પડી, એક નજરે એમજ લાગ્યું કે આ રોડકિલનો ભોગ બન્યું છે,એકદક વાહનની અડફેટે જીવનનો અંત આવ્યો છે. બાઈક સાઈડમાં મૂકી નજીક જઈ જોયું કોમન બાબ્લર એટલે લૈલા પક્ષી હતું. દૂરથી રોડ સાથે એનો ક્લિક કર્યો,કે ચાલો ક્યાંક ફોટો સ્ટોરીમાં રોડકિલની જાગૃતિમાં તસ્વીર કામ લાગશે. અને ત્યારબાદ રસ્તાની સાઈડ માં મૃતદેહ ફેંકવાનું વિચાર્યું જેથી અન્ય કોઈ શિકારી પક્ષી આ લૈલાને ખાવા આવે તો વાહન અડફેટે ભોગ ન બને. થોડીક ક્ષણોમાં લૈલાએ આંખ પટપટાવી,હૃદય ધબકતું દેખાયું, હાથ મુક્યો તો પક્ષીમાં જીવ હતો થોડી હૂંફ આપી નિરીક્ષણ કર્યું તો જોયું કોઈ વાહન સાથે અથડાઈ પડ્યું હોય એમ પોતાના પગે ઉભું ના હતું થઇ શકતું અથવા કમજોરીથી રોડ પર પટકાયું હોય.


હથેળીમાં આશ્રય આપ્યો,મારા માટે સેલેબ્રીટી સમા પક્ષી સાથે સેલ્ફી લીધી અને બસ એને થોડી વધુ વાર સાંત્વના આપતા અને છાંયડામાં બેસાડતા એ પોતાના પગે ઉભું થઇ ઝાડી ની ગીચતામાં ઉડીને ચાલ્યું ગયું...ફિલ્ડમાં અનેક પક્ષીઓના ક્લોઝ અપ ફોટા પડ્યા પણ આજે એ હૃદયનો ધબકારો એ તમામ ક્લિકથી ઉપર હતો કદાચ એ બાઈક સ્ટોપ ન કરી હોત તો આ ઘાયલના શરીર પર સતત ટ્રાફિક વાળો રોડ હોતા કોઈ વાહનને ચડી જતા વાર ન લાગત, અને કદાચ એ ઘાયલ માંથી મૃતક બની જાત ! મિત્રો, આવી ઘટના મારી સાથે ઘણીવાર બની છે.પણ આ કિસ્સો આજે ય હ્ર્દયની નજીક છે.આવી ઘટના બને તો એકવાર રોડ પર પક્ષી જોઈ બ્રેક મારજો,કદાચ એના જીવમાં જીવ આવી જાય.


આ પક્ષી જોઈને એકચોટ એમજ થયેલું કે તે મરી ગયું છે


સાંત્વના અને હૂંફ બાદ જાણે એના જીવમાં જીવ આવ્યો


વાંચકો,ઉપરોક્ત તસવીરો તમને વિચલિત કરી શકે છે. પણ આ વિષયની ગંભીરતા આના સિવાય સમજાય તેવું શક્ય નથી

 
 
 

Comments


  • Twitter
  • instagram
  • facebook
© Ronak Gajjar
bottom of page