રસ્ટી સ્પોટેડ કેટનું નામ પડતાં જ વન્યજીવ પ્રેમી રોમાંચિત બની જાય છે.આ નાનકડો જીવ વિશ્વની સૌથી નાની બિલાડી છે.તે ગુજરાતીમાં કાટવર્ણી ટપકાવાળી બિલાડી નામથી ઓળખાય છે.તેનું વૈજ્ઞાનિક નામ Prionailurus rubiginosus છે.આ બિલાડી એટલી નાની હોય છે,કે તે આપણી હથેળીમાં પણ સમાઈ જતી હોય છે.

હાઉ ક્લિક ! વિશ્વની સૌથી નાની બિલાડીની સુંદરતા / ફોટો : BBC
આ બિલાડીના ચહેરા પર ચાર ઘટ્ટ શ્યામપટ્ટાઓ હોય છે અને અન્ય આછા અને મધ્યમ રંગના અન્ય પટ્ટાઓ પણ હોય છે. જે તેના માથાની ટોચથી પીઠ સુધી વિસ્તરેલા હોય છે.આ બિલાડીની આંખો એકદમ મોટી હોય છે.તેની આસપાસનો સફેદ ભાગ તેને વધુ રૂપાળી બનાવી દે છે.ગોળાકાર કાન ટૂંકા હોય છે અને પીઠ પર નાના-નાના ટપકાઓ પણ તેને સુંદર દેખાવ આપે છે.તેની પૂંછડી લાંબી અને રૂંવાટી સાથે ઘટાદાર હોય છે,પૂંછડીની અંતિમ ધારમાં કાળું ટપકું હોય છે. પગમાં અંદરની બાજુ બે કાળા પટ્ટા હોય છે. જે વન્યજીવ પ્રેમીઓને તેને ઓળખવામાં મદદ કરે છે. આ બિલાડીનું વજન 1 કિલોગ્રામથી પણ ઓછું હોય છે,અને માત્ર 48 સેન્ટિમીટર જેટલી જ લંબાઈ હોય છે. સરેરાશ તે 18 વર્ષનું આયુષ્ય ગાળતી હોય છે.કાટવર્ણી ટપકાવાળી બિલાડી એકલસૂડી હોય છે.મોટાભાગની વન્ય બિલાડીઓ માફક તે પણ નિશાચર હોય છે. ભાગ્યે જ દિવસે જોવા મળતી આ બિલાડી દિવસભર તે મોટા પોલાણવાળા લાકડાની અંદર,જંગલ અથવા ઝાડ પર સમય વિતાવે છે.સક્ષમ હોવાને લીધે આ બિલાડી રાત્રે જમીન પર શિકાર કરે છે,અને શિકારીથી બચવા ઝાડમાં છુપાઈ જાય છે. આજેય ગુજરાતના ગામડાઓમાં જ્યાં દેશી નળિયાવાળા મકાન છે,તેની પોલાણમાં પણ આ બિલાડી છૂપાઈ હોવાના દાખલા છે.

વૃક્ષ પર આસાનીથી ચડી શકતી રસ્ટી સ્પોટેડ કેટ / ફોટો : BBC
વન્ય બિલાડીઓની માફક કાટવર્ણી ટપકાવાળી બિલાડી પણ પોતાના આધિપત્ય ધરાવતા વિસ્તારને પેશાબ સાથે ચિહ્નિત કરે છે.ભારતમાં પૂર્વીય ગુજરાતમાં તે ગુફાઓમાં જોવા મળી છે, અને મોટા પથ્થરોની જગ્યામાં પણ આશરો લીધો હોવાની નોંધ થયેલી છે.કાટવર્ણી ટપકાવાળી બિલાડી ઝાડ પર ચડવામાં ચપળ હોય છે.જેથી નીચે શિકાર દેખાય ત્યારે ઝાડ પરથી સીધો જ કૂદકો મારીને નિશાન માથે કૂદીને શિકાર કરે છે.
કાટવર્ણી ટપકાવાળી બિલાડીનો સંવનનકાળ વર્ષભરનો છે.સગર્ભાવસ્થાનો સમયગાળો લગભગ બે મહિના જેટલો હોય છે,આ દરમ્યાન એક અથવા બે બચ્ચાને તે બખોલમાં જન્મ આપે છે.બે મહિના બાદ બચ્ચું પરિપક્વતા ગ્રહણ કરે છે. માનવોની માફક રસ્ટી-સ્પોટેડ કેટના બચ્ચા તેની માતા પર અથવા તેની નજીક સૂઈ જાય છે,જેમ જેમ મોટા થાય બાદમાં અલગ રહેતા શીખે છે.

ગુજરાતના જંગલમાં જોવા મળેલી કાટવર્ણી ટપકાવાળી બિલાડી / ફોટો : વિકી ચૌહાણ
નાનકડી એવી આ બિલાડી પક્ષીઓ અને નાના સસ્તન પ્રાણીઓને ખોરાક બનાવે છે.કેટલીકવાર ઘરેલુ બતક અને મરઘાં પણ ખાય છે. ભારે વરસાદ પછી સ્થાનિક લોકો જણાવે છે કે,આ બિલાડી દેડકા અને ઉંદરોને પણ ખાતી જોવા મળે છે.ક્યારેક દેડકા અને જંતુઓ પણ આરોગે છે.રસ્તા પર ખોરાકની શોધમાં તે વાહન અડફેટે આવી મોત પામે છે.

રસ્ટી સ્પોટેડ કેટના કદનો ખ્યાલ પાંદડાની સરખામણીથી આવી જાય છે / ફોટો :BBC
આઈયુસીએન રેડ લિસ્ટ મુજબ તે ભયગ્રસ્ત નજીકની પ્રજાતિ છે.તેની વસ્તીનો ચોક્કસ આંકડો સામે નથી આવ્યો. જો કે દુર્લભ હોવા છતાંય સંશોધકોનું એક અનુમાન એવું છે કે વૈશ્વિકસ્તરે રસ્ટી-સ્પોટેડ કેટની કુલ વસ્તી 10,000 થી ઓછી હોવાની આશંકા છે.હાલના તબક્કે એકંદરે આ પ્રજાતિની સંખ્યા સતત ઓછી થઈ રહી છે

કચ્છમાં જોવા મળેલી રસ્ટી સ્પોટેડ કેટ / ફોટો : વીર વૈભવ મિશ્રા
વૈશ્વિકસ્તરે તેની હાજરી પર એક નજર ફેરવીએ તો ભારત,શ્રીલંકા અને નેપાળમાં જોવા મળે છે. ભારતમાં ગુજરાત,ઉત્તરપ્રદેશ,તામિલનાડુ,રાજસ્થાન,ઉત્તરાંચલ,આંધ્રપ્રદેશ,જમ્મુ-કાશ્મીર,કર્ણાટક,કેરળ,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને ઓરિસ્સા તેની હાજરી નોંધાયેલી છે.ગુજરાતમાં મહત્તમ ગીરના જંગલોમાં,પંચમહાલમાં જાંબુઘોડા,રતનમહાલ,કેવડી બાદ કચ્છમાં જોવા મળે છે.
Comments